સાંજે ચારેક વાગ્યા સુધીમાં મત ગણતરી પૂર્ણ થવાની સંભાવના કોલેજના ત્રણ રૂમમાં
42 ટેબલ કાઉન્ટીંગ માટે સજ્જ, ત્રણેય બેઠકોની 14-14 ટેબલોમાં થશે ગણતરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની તમામ બેઠકની તા. 8 ના રોજ એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારે મોરબી જીલ્લામાં આવતી વિધાનસભા બેઠક 65 મોરબી માળીયા, 66 ટંકારા પડધરી તેમજ 67 વાંકાનેર કૂવાડવા એમ ત્રણેય બેઠકની ગણતરી એક સાથે મોરબી હળવદ રોડ પર ઘુંટુ ગામ નજીક આવેલી ગવર્નમેન્ટ કોલેજ ખાતે થશે. ગુરુવારે યોજાનારી મત ગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો બીજી તરફ ઈવીએમની સુરક્ષા માટે સ્ટ્રોંગરૂમ બહાર સુરક્ષા કડક કરી દેવાઈ છે. જિલ્લા પોલીસનો સ્ટાફ પણ ખડકી દેવામાં આવ્યો છે તેમજ આવતા જતા તમામ લોકોની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે કુલ 906 બુથ પર કુલ 5,72,030 મત પડયાં હતાં. આ તમામ મતની ગણતરી માટે અલગ અલગ ત્રણ રૂમમાં 42 ટેબલની ગોઠવણ કરવામાં આવી છે તો એક ટેબલ પર સુપરવાઇઝર, મદદનીશ અને માઈક્રોઓબ્ઝર્વર એમ ત્રણ સ્ટાફ બેસાડવામાં આવશે. એક બેઠક પર એક રિટર્નિંગ ઓફિસર એમ કુલ ત્રણ ટેબલ પર 3 રિટર્નિંગ ઓફીસર સીધી નજર રાખશે અને રાઉન્ડના અંતે પરિણામની જાહેરાત કરાશે.
મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે અને પ્રથમ રાઉન્ડમાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગશે જ્યારે બાકીના રાઉન્ડમાં સમય ઘટે તેવી શક્યતા છે અને જો અન્ય કોઈ ખામી કે અડચણ સામે ન આવે તો સાંજે 4 વાગ્યા સુધીમાં મત ગણતરી પૂર્ણ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલાં પોસ્ટલ બેલેટ અને દિવ્યાંગ મતદારોએ આપેલા બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઇવીએમમાં કેદ મતની ગણતરી સામાન્ય રીતે શરૂ થતી હોય છે.