આઈકોનિક બ્રિજના નિર્માણ માટે શુક્રવારથી કટારિયા ચોક બંધ કરી દેવાયો
પાંચ મહિના સુધી રોજ એક લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો કરવો પડશે સામનો
- Advertisement -
રોડના ડાયવર્ઝન પર ટ્રાફિક સર્જાતા વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા
બે વિકલ્પ અપાયા છતા પણ વાહનચાલકો એક રોડનો જ કરે છે ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર માટે ધોરી નસ સમાન કાલાવડ રોડ પર કટારિયા ચોકમાં આઈકોનિક બ્રિજ બની રહ્યો છે. આ કામ માટે શુક્રવારે ચોક બંધ કરી દેવાયો હતો અને ડાયવર્ઝન આપ્યું હતું. જો કે કલાકોમાં જ કટારિયા ચોકની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકજામના દ્દશ્યો જોવા મળી રહ્યા છે. રોડ પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ખાસ કરીને ધંધા-રોજગારના સમયે સૌથી વધુ સમસ્યા છે. ડાયવર્ઝનનો રૂટ મનપાએ ઘણા મહિના પહેલા જ આપી દીધો હતો અને ધીમે ધીમે રોડ બંધ કરાયા હતા જેનો આશય એવો હતો કે લોકો ડાયવર્ઝનનો ઉપયોગ કરતા થાય. જો કે આમ છતાં સવારે અને સાંજના સમયે ટ્રાફિકજામ સર્જાયો છે જેને લઈને મનપા અને ટ્રાફિક પોલીસ ત્યાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ જામનો નિકાલ ત્વરિત કરવો પડશે અને ફરી ન થાય તેની કાળજી રાખવી પડશે. કારણ કે, આગામી 5 મહિના કે જ્યાં સુધી ચોકનો એક ભાગ ન ખુલે ત્યાં સુધી આ ડાયવર્ઝન પર જ વાહનો ચાલશે.
મહિનાઓ પહેલા જ ડાયવર્ઝનનો રૂટ નક્કી કરી નાખ્યો હતો
તંત્રએ મહિનાઓ પહેલા જ ડાયવર્ઝનનો રૂટ નક્કી કરી નાખ્યો હતો અને ત્યાં સાઈનેઝ મુકાયા હતા. આમ છતાં ટ્રાફિક થઈ રહ્યો છે. સૌથી મોટું કારણ એ છે કે, કાલાવડ રોડ પર આવતા જતા વાહનો ડાયવર્ઝન તરીકે માત્ર રંગોલી પાર્ક પાસેનો રોડ છે તેનો ઉપયોગ કરે છે. ચોક માટે આ ફક્ત એક જ ડાયવર્ઝન નથી. કોસ્મોપ્લેક્સની બાજુમાંથી સેરેનિટી ગાર્ડનવાળો રોડ કે જે જલારામ ફાસ્ટફૂડની સામે સુધીનો છે તેનો ઉપયોગ નહીંવત થાય છે. લોકો આ રૂટનો ઉપયોગ કરે તો તેમને અંતર વધશે પણ તે રોડ 4 ટ્રેક છે અને કાલાવડ રોડ પર પહોંચવા માટે જલારામ ફાસ્ટ ફૂડની સામેનો રોડ તેમજ સરિતા વિહાર પાસેથી પણ જઈ શકાશે, આમ બે એપ્રોચ છે. હાલ જે તસવીરમાં ટ્રાફિકજામ છે તે રંગોલીથી કોરાટ વાડીનો છે જ્યાં હકડેઠઠ ટ્રાફિક છે જ્યારે બીજી તસવીર જલારામ ફાસ્ટ ફૂડની જગ્યા પાસેનો છે જ્યાં વાહનો ખુબ જ ઓછા દેખાઇ છે.



