કાલાવડ મેળામાં રાઇડ્સ ફિટનેસ સર્ટિફિકેટ આપવા એક લાખની લાંચ માંગી હતી
ડીવાયએસપી ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબીનું રાજકોટમાં સફળ છટકું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના TRPગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા જેના કારણે એક વર્ષ મેળાનું આયોજન પણ થઇ શક્યું ન હતું. બીજા જ વર્ષે જઘઙમાં ફેરફાર કરવામાં આવતા સરકારી અધિકારીઓએ રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા મોં ફાડ્યું હોય તેમ લાંચ માંગતા એસીબી મેદાનમાં આવી હતી અને રાજકોટમાં એસીબીના હાથે માર્ગ અને મકાન વિભાગના બે અધિકારી તથા ખાનગી માણસ સાથે મળી 50,000ની લાંચ લેતા ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.
એસીબીના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લોકમેળામાં યાંત્રિક રાઇડ્સનો ધંધો કરતા ફરિયાદીએ ભાગીદારીમાં જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના રણુજા ખાતે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ ચકડોળ રાખ્યું હતું દરમિયાન રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલ ઈજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયા ચેકિંગમાં ગયા ત્યારે તેની સાથે નાયબ કાર્યપાલ ઈજનેર ક્લાસ ટુ અધિકારી નિરવ પ્રવિણચંદ્ર રાઠોડે ફરિયાદીને યાંત્રિક રાઇડ્સનું ફિટનેસ સર્ટી આપવાના 1 લાખની માંગણી કરી હતી અને અંતે 50,000 આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી ફિટનેસ સર્ટી માટે લાંચ આપવા ન માંગતા હોવાથી મોરબી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી પીઆઇ દેકીવાડીયા સહિતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમિયાન આરોપી કાર્યપાલ ઇજનેર પીયુષ બાંભરોલીયાએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ આરોપી સુધીરભાઇ નવિનચંદ્ર બાવીશીને આપવાનું કહ્યું હતું.
ત્યારે પારેવડી ચોક પુલ નીચે આવી લાંચની રકમ 50,000 સ્વીકારતા સ્થળ ઉપરથી અઈઇના હાથે પકડાઇ જતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ માર્ગ અને મકાન વિભાગના બન્ને અધિકારીઓ મળી ત્રણેય સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



