કડવા પાટીદાર સમાજના સાંસદ-ધારાસભ્યો તથા નગરસેવકોની પ્રેરક ઉપસ્થિતિ, ઉમિયાધામ-રાજકોટના સ્થાપક ટ્રસ્ટી તથા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે જશવંતપુર ખાતે ન્યારી નદીના કાંઠે મંદિર નિર્માણ માટે રચાયેલના ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ(ઉમિયાધામ) દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સંકલ્પ શક્તિ સંમેલનમાં હજારોની સંખ્યામાં કડવા પાટીદારો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમના સંકલ્પ અધ્યક્ષ જીવનભાઇ ગોવાણીએ ઉપસ્થિત હજારોની મેદનીને જ્યારે કુળદેવી માં ઉમિયાનું મંદિર ભવ્યાતિભવ્ય બનાવવા અને શક્તિની ભક્તિના માધ્યમથી સહિયારા વિકાસનો સંકલ્પ લેવડાવ્યો ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટનું મેદાન જય ઉમિયાજીના ઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. સંકલ્પ શક્તિ સંમેલનનો મુખ્ય મંચ જાહેર જીવનના અગ્રેસરો અને સમાજ જીવનના અગ્રેસરોનો સેતુ બની રહ્યો હતો. મંચ પર ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથોસાથ કડવા પાટીદાર સમાજના જાહેર જીવનના અગ્રણી સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો મહેન્દ્રભાઇ પાડલીયા, કાંતિભાઇ અમૃતિયા અને અરવિંદભાઇ લાડાણી પણ ઉપસ્થિત હતા. તે જ રીતે રાજકોટ મહાપાલિકાના નગરસેવકો પુષ્કરભાઇ પટેલ, ચેતનભાઇ સુરેજા, બીપીનભાઇ બેરા, અસ્મિતાબેન દેલવાડીયા અને ભારતીબેન પાડલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામનું માં ઉમિયાનો ખેસ પહેરાવી અને પુષ્ણગુચ્છ અર્પણ કરી યુવા સંગઠન ટીમના કાર્યકરોએ સન્માન કર્યું હતું. એ જ રીતે ઉમિયાધામના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓનું પણ યુવા સંગઠન ટીમે અદકેરું સન્માન કર્યું હતું. ઉમિયાધાન-રાજકોટના સ્થાપક પ્રમુખ અરવિંદભાઇ કણસાગરાએ કાર્યક્રમના સંકલ્પ અધ્યક્ષ જીવનભાઇ ગોવાણી તેમજ કાર્યક્રમ અધ્યક્ષ મોહનભાઇ કુંડારિયાનું કુળદેવી માં ઉમિયાનો ખેસ પહેરાવી, સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાથમાં લીધેલું કામ સફળતાથી પૂર્ણ કરવાની શાખ કડવા પાટીદાર સમાજ ધરાવે છે. આજે સમાજે સામૂહિક સંકલ્પ કરીને એક નવું કામ હાથ પર લીધું છે. સામૂહિક સંકલ્પની આ બુનિયાદ પર સમાજ વિકાસના નવા પૃષ્ઠો આલેખાશે તે નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, સહિયારો વિકાસ કઇ રીતે સાધી શકાય તે માટે આપણો સમાજ અન્ય માટે રોલ મોડલ છે. પટેલ સેવા સમાજ-રાજકોટ અને પટેલ પ્રગતિ મંડળ-રાજકોટના ટ્રસ્ટીઓ, કારોબારી સદસ્યો આજીવન સભ્યો ઉપરાંત સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના પદાધિકારીઓ, રાજકોટમાં કાર્યરત કડવા પાટીદાર સમાજની વિભિન્ન સંસ્થાઓના અગ્રેસરો, સમાજના દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ સમિતિના ડેનીશભાઇ કાલરીયા, નીલયભાઇ ડેડાણીયા તથા વિનુભાઇ ઇસોટીયાના નેતૃત્વમાં યુવા સંગઠનના ઉમા સેવકો તથા મહિલા સંગઠનની મહિલા સેવિકાઓએ ભારે જહેમત
ઉઠાવી હતી.