અસદુદ્દીન ઓવૈસીએ મસ્જિદોને ઢાંકવા અંગે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મસ્જિદોને ઢાંકવા અંગે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જે લોકો પાકિસ્તાન જતા રહ્યા તે ડરપોક હતા. બહાદુર તો એ લોકો છે જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે.’
- Advertisement -
મસ્જિદો ઢાંકવા મુદ્દે ઓવૈસીનું નિવેદન
હૈદરાબાદમાં એક સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ‘મુસ્લિમોને તેમના જ દેશમાં બીજા દરજ્જાના નાગરિક કેમ ગણવામાં આવી રહ્યા છે? કોઈ કહે છે કે જો તમને ડર લાગે છે તો નમાઝ ન પઢો, ઘરે બેસો. કોઈ કહે છે કે જેમ મસ્જિદો ઢંકાઈ ગઈ છે, તેમ તમારે પણ માથું ઢાંકવું જોઈએ. કોઈ કહે છે કે જો અમે બંગાળમાં સત્તામાં આવીશું, તો અમે બંગાળમાંથી મુસ્લિમોને હાંકી કાઢીશું. અરે ભાઈ, એ ડરપોક હતા જે પાકિસ્તાન ભાગી ગયા હતા. જે લોકો ભારતમાં રહ્યા તે ઈમાનની દોલતથી માલામાલ હતા અને તેમણે ભારતને જ પોતાનું વતન માન્યું અને માનતા રહેશે. લોકો વિચિત્ર વાતો કરવા લાગ્યા છે.
અમારું આત્મસન્માન છીનવાઈ રહ્યું છે: અસદુદ્દીન ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ‘અમારું આત્મસન્માન છીનવાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે સેકન્ડ ક્લાસના શહેરી રહેવાસી છો. યાદ રાખજો અમે તમારી સામે લોકશાહી રીતે લડીશું અને તમે હારી જશો. એક મુખ્યમંત્રી કહી રહ્યા છે કે તમારે ઘરે જ શુક્રવારની નમાઝ અદા કરવી જોઈએ. તમે ક્યારથી અલ્લામા બન્યા? હવે આપણે તેમની પાસેથી ધર્મ શીખવો પડશે કે અમે ઘરે શું કરી શકીએ? નમાઝ પઢવા મસ્જિદ છે, બંધારણે ધાર્મિક આસ્થાની સ્વતંત્રતા આપી છે. અમે મસ્જિદમાં જઈશું અને નમાઝ પઢતા રહીશું. બંધારણની કલમ 25 બધાને આ કરવાની પરવાનગી આપે છે. હું તમારી પાસેથી મારો ધર્મ શીખવા નથી માગતો.’
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, હોળી અને રમઝાન એક સાથે આવતા હોવાથી, દેશના ઘણાં ભાગોમાં મસ્જિદોને ઢાંકી દેવામાં આવી હતી જેથી મસ્જિદો પર રંગો ન પડે અને કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક તણાવને અટકાવી શકાય. ઉત્તર પ્રદેશના સંભલમાં ઘણાં મહિનાઓથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અહીં મસ્જિદોને પણ ઢાંકી દેવામાં આવી હતી. તેવી જ રીતે અયોધ્યામાં પણ મસ્જિદોને ઢાંકી દેવામાં આવી હતી.