ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકાએ દર વર્ષે અપાતા વિઝાની સંખ્યા વધારવી જોઈએ, જેથી કાયદેસર આવવું સરળ બને
- Advertisement -
મેં જ્યારે મારી એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે એક ટેબલ ઉપર સામે ખુરશી મૂકીને શરૂઆત કરી હતી અને મારા સ્ટાફમાં ફ્ક્ત એક પાર્ટ ટાઈમ પ્યુન હતો. ધીરે ધીરે મારી પ્રેક્ટિસ વધવા લાગી. આજે મારી ઓફિસ હજાર સ્ક્વેરની છે. મારા સ્ટાફમાં ટેલિફોન ઓપરેટર છે, ટાઈપિસ્ટો છે, ગુજરાતી ટાઈપિસ્ટો પણ છે, ક્લાર્કો છે, પ્યુન છે અને એડવોકેટો પણ છે. 17 જણા મારા હાથ નીચે કામ કરે છે. આવું જ દરેક દેશની બાબતમાં પણ બનતું હોય છે. અમેરિકામાં થોડા ઘણા રેડ ઈન્ડિયનો હતા. કોલંબસે એ દેશની શોધ કરી પછી યુરોપ અને ઈંગ્લેન્ડના લોકો ત્યાં જવા લાગ્યા. ધીરે ધીરે એમની વસતિ વધવા લાગી, ત્યાં નવા નવા ઉદ્યોગો શરૂ થયા, ખેતીવાડી શરૂ થઈ. એક પછી એક બધા દેશોના એ લોકો એ નવા શોધાયેલા દેશમાં જે તક અને છતનો દેશ હતો, આકર્ષાયા અને ત્યાં જવા લાગ્યા. જેમ જેમ અમેરિકાની વસતિ વધતી ગઈ, જેમ જેમ ત્યાં કામકાજ વધતું ગયું, ખેતીવાડી વધુ પ્રમાણમાં થવા લાગી, મોટરકાર બનાવવાનો ઉદ્યોગ, હથિયારો બનાવવાનો ઉદ્યોગ, કંઈ કેટલાય નવા ઉદ્યોગો ત્યાં શરૂ થયા. અને હવે તો કોમ્પ્યુટર માટે અમેરિકા વિશ્વવિખ્યાત બન્યું છે. જે લોકો કોમ્પ્યુટરના વ્યવસાયમાં કાર્ય કરવા ઈચ્છે છે એ લોકો સિલિકોન વેલીમાં જવાનું પસંદ કરે છે. અમેરિકામાં હોસ્પિટલો, શાળાઓ, હોટેલો, મોટેલો બંધાઈ. રસ્તાઓ બાંધવાની જરૂર પડી, રેલવે ટ્રેક નાખવાની, અંડર ગ્રાઉન્ડ રેલવે નાખવાની જરૂર પડી.
આ બધુ કામ કરવા માટે માણસોની જરૂર પડી. ત્યાં જઈને વસેલા લોકોએ કાયદાઓ ઘડીને બહારના લોકોને અટકાવ્યા. આથી કામદારોની અછત જણાવા લાગી. અમેરિકામાં ઘરકામ કરવાવાળું માણસ નહીં મળે અને જો મળશે તો એમને ખૂબ જ મોટો પગાર આપવો પડશે. આમ જુદા જુદા ક્ષેત્રોમાં અમેરિકાને એની વસતિ વધતા એનું કાર્યક્ષેત્ર વધતા માણસોની જરૂર પડી. 1952માં અમેરિકાએ એમનો એક ફાઈનલ ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ ઘડ્યો એની હેઠળ બે જુદા જુદા પ્રકારના નોન ઈમિગ્રન્ટ અને ઈમિગ્રન્ટ વિઝા ઘડયા. એની લાયકાતો નક્કી કરી. વર્ષમાં અમુક લોકોને અમુક સંખ્યામાં જ આવવા દેવા એવું ઠરાવવામાં આવ્યું. જરૂરિયાત વધી ગઈ. એક વર્ષમાં આટલા જ વિઝા આપશું એનાથી વધારે જરૂરિયાત ઊભી થઈ. એ જરૂરિયાતને પહોંચી વળવા અમેરિકનો જ જે પરદેશીઓ અમેરિકામાં ઘૂસી આવતા હતા એમને આશરો આપ્યો અને પોતાને ત્યાં નોકરી આપી. ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મળતા વર્ષોની વાટ જોવી પડે. આજે એક ભાઈએ પોતાના ભાઈ માટે પિટિશન દાખલ કરે અને એને જો એ પિટિશન હેઠળ અમેરિકામાં આવવા માટે 12-15 વર્ષની વાટ જોવી પડે તો એનો અર્થ શું? એનો ભાઈ ગેરમાર્ગે ઈ લીગલી અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે. આમ અમેરિકામાં ગેર કાયદેસર પ્રવેશતા લોકોની સંખ્યામાં વધારો થયો. એ વધારો એટલા માટે થયો કે અમેરિકામાં રહેતા લોકોને જ એ માણસોની જરૂર છે. આનો ઉપાય એક જ છે. દર વર્ષે અમુક લોકોને જ અમેરિકામાં આવવા દેવા એવું નક્કી કર્યું હોય એ સંખ્યામાં વધારો કરો. એ વધારો પણ કેવી રીતે કરી શકાય? બધુ સમતોલપણું જોવું જોઈએ. વધારે લોકો આવશે તો પાછો વધારે ફેલાવો થશે. પાછા એ લોકો બીજા લોકોને બોલાવશે.
એટલે આમ વસ્તી વધી જશે લોકોનો ભરાવો થઈ જશે. અમેરિકાના જે પ્રેસિડેન્ટ અને જે રાજકારણીઓ દ્વિધામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે હાલના પ્રમુખ છે એમને ઈલિગલ ઈમિગ્રન્ટો નથી જોઈતા. એમને બહાર કાઢવા માટે તેઓ જાતજાતના પ્રયત્નો કરે છે. અમેરિકાનો જ, જેમને કામ કરવા માણસોની જરૂર છે એ લોકો જ ઈ લીગલ ઈમિગ્રન્ટોને આશરો આપે છે. આમ ચાલ્યા જ કરે છે. આ બધુ સ્વાભાવિક છે. જો તમારે અમેરિકા જવું હોય, ટૂંક સમય માટે કે કાયમ માટે તો મારી સલાહ છે કે તમે કાયદેસર જ જાઓ. ખોટું કરીને ઈ લીગલી જશો, મેક્સિકોની બોર્ડર કે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસસો તો તમારે લપાતા-છુપાતા રહેવું પડશે. ત્યાં જે કામ કરવાનો દર છે, એટલા પૈસા નહીં મળે. અડધા પૈસા મળશે વધુ કામ કરાવશે અને પૈસા ઓછા આપશે. લપાતા-છુપાતા રહેવું પડશે. અમેરિકાની સરકાર એમના કાયમી રહેવાસીઓને અને નાગરિકોને જે સવલતો આપે છે એ સવલતો તમને નહીં મળે. આપણા વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જાય છે. ભણી રહ્યા બાદ એક વર્ષનો અને અમુક કિસ્સામાં બીજા બે વર્ષનો ઓપ્શનલ પ્રેકટિકલ ટ્રેનિંગ પિરિયડ આપવામાં આવે છે. આ જે સમય આપવામાં આવે છે એ આ પરદેશી વિદ્યાર્થીઓએ અમેરિકામાં જે અભ્યાસ કર્યો હોય એ એનો પ્રેક્ટિકલ કેવી રીતે ઉપયોગ કરી શકાય એ શીખવા માટે છે. એટલે તેનું નામ ઓપ્શનલ પ્રેકટિકલ ટ્રેનિંગ આપવામાં આવ્યું છે. પણ હવેથી જે પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં જાય છે એ લોકો એમ વિચારે છે કે આપણે બે વર્ષ અમેરિકામાં ભણશું અને પછી ત્યાં એક વર્ષ કે ત્રણ વર્ષ કામ કરી ભણવા માટે જે ખર્ચો કર્યો હશે એ પાછો મેળવી લઈશું. એટલે એ લોકો પ્રેક્ટિકલ ટ્રેનિંગ નથી લેતા. એ લોકો ત્યાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે. ગયા વર્ષે ભારતમાંથી લગભગ 3,50,000 વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા ગયા હતા. આ બધાએ જે વિષયોમાં અભ્યાસ કર્યો હોય એ દરેક વિષયમાં એમણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની હોય. એમને બધાને તો નોકરી ક્યાંથી મળે? આ આખી સમસ્યાનું સોલ્યુશન એ જ છે કે અમેરિકા વિઝાના કોઠાની સંખ્યા વધારે અને પરદેશીઓ અમેરિકાના કાયદાનો બરાબર અમલ કરે. ગેરકાયદેસર અમેરિકામાં ન જાય. ગેરકાયદેસર અમેરિકામાં ન રહે.