સઘન સારવાર માટે હૉસ્પિટલાઇઝેશનનો સમય વધારાશે, લાભાર્થી પરિવાર માટે પ્રોત્સાહક રકમ આપવા આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં કુપોષણના કલંકને દૂર કરવા માટે મનોમંથન કરાયું હતું. હવે ગુજરાત સરકારના આગામી બજેટમાં આ સંદર્ભે એક્શન પ્લાન ઘડી કઢાયો છે, રાજ્યમાં બાળ મૃત્યુ અને માતા મૃત્યુ રોકવા માટેનો પ્લાન તૈયાર કરાયો છે, ગુજરાતમાં દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, આણંદ સહિતના જે જિલ્લાઓમાં બાળ મૃત્યુ-કુપોષણનું પ્રમાણ વધારે છે તેવા જિલ્લાઓ પર ખાસ ફોકસ કરાશે, હોસ્પિટલમાં કોઈ બાળક જન્મે તો માતા-બાળકના હોસ્પિટલાઈઝેશનની સમય મર્યાદા વધારવામાં આવશે, એટલું જ નહીં પરંતુ લાભાર્થીને પ્રોત્સાહક રકમ મળે તે માટે વિશેષ જોગવાઈ કરવામાં
આવશે, તેમ સરકારના સૂત્રો કહે છે.
ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુ દર રોકવા માટે દર વર્ષે સરકાર કરોડો રૂપિયાની જોગવાઈ કરે છે પરંતુ હજુ જોઈએ તેવા પરિણામો મળ્યા નથી. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, રાજ્યના છેવાડાના વિસ્તારમાં સિઝેરિયનથી બાળક જન્મે એ પછી જે તે પરિવાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ઘરે જતાં રહેતાં હોય છે, અતિઓછા વજન વાળા બાળકના કિસ્સામાં નવજાતની તબિયત લથડતી હોય છે અને સંખ્યાબંધ કિસ્સામાં મૃત્યુની ઘટના સામે આવે છે, અલબત્ત, પહેલેથી જ સઘન સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં દાખલ રહેવા માટેનો સમય ગાળો લંબાવવામાં આવશે, આ ઉપરાંત ચોક્કસ પ્રોત્સાહક રકમ પણ જે તે લાભાર્થીને અપાશે. કુપોષણ સહિતના મુદ્દે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પછાત છે, જેને લઈ અનેક વાર ટીકાઓનો સામનો
કરવો પડે છે.