સૌરભ શાહ
‘મહારાજ’ના લેખક સૌરભ શાહનો આંખ ઉઘાડતો લેખ…
- Advertisement -
‘મહારાજ’ ફિલ્મનો વિવાદ સાવ નિરર્થક
કરસનદાસે જે કંઇ કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો
જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય બદનામ થઇ જાય
- Advertisement -
જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત…
‘મહારાજ’ નામની ગુજરાતી સાહિત્યમાં બહુ પોંખાયેલી, વડીલ સાહિત્યકારો-વાચકોનો આદર પામેલી અવોર્ડવિનિંગ નવલકથાનો નાયક કરસનદાસ મૂળજી છે. ‘મહારાજ’ નવલકથા પરથી ભારતના ટોચના પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા બનેલી હિંદી ફિલ્મ ‘મહારાજ’નો હીરો પણ કરસનદાસ મૂળજી છે. કરસનદાસ પત્રકાર-લેખક હતા. 1860-62ના ગાળામાં એમની ઉંમર 28-30 વર્ષની હતી. કરસનદાસ ગુજરાતી હતા, જેમના નિકટના મિત્રવર્તુળમાં કવિ નર્મદ, શેઠ ગોકુળદાસ તેજપાલ, ડો. ભાઉ દાજી વગેરે હતા. કરસનદાસ વૈષ્ણવ હતા. શ્રીજીબાવામાં પાકી શ્રદ્ધા હતી એમને.
આજની તારીખે હું આંખ બંધ કરીને જ્યારે જ્યારે મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું છું ત્યારે મારી સામે શ્રીજીબાવાની મનોહર છબિ દેખાય છે. મન:ચક્ષુથી મારા આરાધ્યદેવનાં દર્શન કરીને હું એમની આગળ મારી તમામ સંકટની પળો કે ઉત્સવની ઘડીઓ શેર કરીને સંવાદ સાધતો હોઉં છું. મારી દરેક પ્રાર્થનાનો ઉત્તર મારા ઈષ્ટદેવે મને આપ્યો છે. મારા સારા-માઠા સમયમાં મારા પ્રભુજી સતત મારી સાથે રહ્યા છે. એનું કારણ એ કે હું હંમેશાં ‘શ્રી કૃષ્ણ: શરણં મમ:’નું રટણ કરીને એમના શરણે રહ્યો છું.
શ્રીનાથદ્વારાના ભવ્ય મંદિરે હું નાનપણથી જતો આવ્યો છું. ગયા વર્ષે મારી વર્ષગાંઠના દિવસે મિત્રોની મહેફિલમાં સામેલ થવાને બદલે શ્રીજીબાવાનાં દર્શન કરવા નીકળી પડેલો. સાતેય સમાનાં સન્મુખ દર્શન કરવાનો લ્હાવો મળ્યો. શયનનાં દર્શન બંધ હતાં. દરેક વખતે બીજા દર્શનાર્થીઓને પ્રવેશ મળે તે પહેલાં કોઈ ઉચાટ વિના શાંતિથી શ્રીનાથજીનાં ચરણમાં દૃષ્ટિ રાખીને એમની સાથે નિરવ સંવાદ કરી શક્યો. શ્રીનાથદ્વારાનું વાતાવરણ મને ગમે છે. વારંવાર ત્યાં જવાનું મન થાય છે. આજે પણ એ મંદિરમાં મારો તથા મારા પરિવારનો એટલો જ આદર-સત્કાર થાય છે, જેટલો ‘મહારાજ’ લખ્યા પહેલાં થતો હતો. મુંબઈની હવેલીમાં પણ મારાં માન-પાન અકબંધ છે. મુંબઈની એક હવેલીમાં મેં શ્રીજીબાવાનાં ચરણોમાં બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન આપ્યું છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં મારી અને મારા જેવા લાખો પુષ્ટિમાર્ગીઓની આસ્થા કરસનદાસ મૂળજીને કારણે ટકી છે, વધી છે. 1862માં કરસનદાસે ‘મહારાજ લાયબેલ કેસ’ લડીને તે જમાનામાં જદુનાથ મહારાજનાં કુકર્મોને ખુલ્લાં પાડીને એ બદીને દૂર ના કરી હોત તો કદાચ હજુય એ દુરાચાર ચલણમાં હોત. જો એવું થયું હોત તો 28 વર્ષના સૌરભ શાહે અને સૌરભ જેવા બીજા લાખો વૈષ્ણવ યુવાનોએ પોતાની આસપાસની મા-બહેન-દીકરીઓને ધર્મના નામે ચાલતા પાખંડનો ભોગ બનતાં જોઈ હોત અને વૈષ્ણવ સંપ્રદાયથી સૌ અળગા થઈ ગયા હોત.
પણ કરસનદાસ મૂળજીને કારણે એ ખરાબી હટી ગઈ. મેં અને મારા જેવા લાખો વૈષ્ણવોએ સ્વચ્છ, સંસ્કારી સંપ્રદાયની રીતરસમો જોઈ અને અમારી આસ્થા વધી, અમે સંપ્રદાયની વધુ નિકટ આવ્યા, મારા જેવા લાખો વૈષ્ણવોએ સંપ્રદાયની દરેક પ્રકારની સમૃદ્ધિ વધારી, સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.
કરસનદાસ મૂળજીનો કે 1862માં મુંબઈની તે વખતની સુપ્રીમ કોર્ટનો કે પછી તેના પર આધારિત મારી નવલકથા ‘મહારાજ’ કે આ નવલકથા પર આધારિત હિંદી ફિલ્મનો વિરોધ કરવાને બદલે સમજુ વૈષ્ણવોએ એનું સમર્થન કરવું જોઈએ. જેઓ ગેરસમજણને કારણે (કે અન્ય કોઈ પણ કારણે) વિરોધ કરે છે એમને સમજાવવું જોઈએ કે કરસનદાસે જે કાર્ય કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો છે, બદી દૂર થઈ જવાથી વધુ ને વધુ લોકો વૈષ્ણવ સંપ્રદાયનો આદર કરતા થયા છે. વૈષ્ણવ સંપ્રદાય ફૂલ્યો-ફાલ્યો છે. જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત. અગ્રણીઓએ શાંત ચિત્તે આ વાત સમજવી જોઈએ અને ધીરજપૂર્વક બીજાઓને સમજાવવી જોઈએ.
1862ના કેસનો ચુકાદો ગુજરાતીમાં પણ નેટ પર ઉપલબ્ધ છે. તેના પર આધારિત મારી નવલકથા અમેઝોન પર છે. જેની ક્ધિડલ એડિશન પણ છે. આ કેસમાં કે આ નવલકથામાં કે આ ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઈની ધાર્મિક લાગણી દુભાય. વૈષ્ણવ સંપ્રદાય, સનાતન પરંપરા કે હિંદુ ધર્મ માટેની આસ્થા ઘટે નહીં પણ વધે એવી વાતો એમાં છે. જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય એને કારણે બદનામ થઈ જાય. કોઈ શિક્ષક પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરતાં પકડાય તો એમાં તમામ શિક્ષકોનું નીચાજોણું નથી થતું. નીચાજોણું ત્યારે થાય છે જ્યારે બાકીના નિર્દોષ શિક્ષકો પેલા બળાત્કારી શિક્ષકનો બચાવ કરવા મેદાનમાં ઉતરી પડે.
જેઓ ડાયાબીટીસના દર્દી ના હોય તેઓને પણ ખબર છે કે જો બેદરકાર રહ્યા તો આ રોગ એટલો વકરશે કે શરીરના કોઈ એક અંગમાં, ખાસ કરીને પગમાં, સડો પેદા થવા માંડશે. જો પગની ટચલી આંગળીએ આ સડો જન્મ્યો અને તેનું ગેંગરિન થઈ ગયું તો એ આંગળી કાપવી પડે. અન્યથા એ ઝેર સમગ્ર શરીરમાં પ્રસરી જાય. કરસનદાસ મૂળજીએ શરીર આખાને આ ઝેરથી બચાવવા ગેંગરિનવાળી આંગળી પર શસ્ત્રક્રિયા કરીને દૂર કરી તે બદલ આપણે એમના આભારી છીએ.
કેરીની વખારમાં એક સડેલી કેરીને જો સમયસર દૂર કરવામાં ના આવે તો થોડા જ વખતમાં આખી વખાર ગંધાતી થઈ જાય.
મારી આ વાત મેં વિગતે ‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવના ‘મેકિંગ ઓફ મહારાજ’માં સમજાવી છે. 28 ઓગસ્ટ 2013ની જન્માષ્ટમીના રોજ લખાયેલી એ પ્રસ્તાવના વાંચ્યા પછી જ તમે નવલકથાના વાંચનમાં આગળ વધો એવો મારો આગ્રહ છે.
આજે 18મી જૂન છે. ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મને લગતા કેસમાં આજે બપોરે બે વાગે સુનાવણી થવાની છે. તમે આ વાંચતા હશો ત્યારે નામદાર અદાલતે પોતાનો મત જાહેર કરી દીધો હશે. નવલકથાનું પહેલું પ્રકરણ 22 એપ્રિલ 1862ના રોજ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તેની આગલી રાતથી શરૂ થાય છે. કરસનદાસનું મનોમંથન આરંભના ફકરાઓમાં છે. આ પહેલું પ્રકરણ 1997ની સાલમાં મેં લખ્યું ત્યારે મને ખબર નહોતી કે 2024ની 18મી જૂને મારા માટે એ જ પરિસ્થિતિ ઊભી થવાની છે.
મારી વાત હું અહીં અટકાવું છું, પૂરી નથી કરતો. હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય એ વખતે જો કોઈ વિગતો કે ખૂટતી માહિતીની જરૂર હશે તો મને ફોન દ્વારા જાણ કરવામાં આવશે માટે મારે બે વાગ્યા પછી અન્ય કોઈ કામમાં વ્યસ્ત ન રહેવું એવું મને અમારી લીગલ ટીમ વતી કહેવામાં આવ્યું છે.
આજે બસ આટલું જ.
જયશ્રી કૃષ્ણ.