વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીને પોસ્ટકાર્ડ લખી લોકશાહી રીતે રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
એક તરફ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રી દરેક શહેર અને નાણામાં નાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલની સુવિધા માટે જાહેરાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મૂળી તાલુકાના સરલા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાને વર્ષ 2011માં સત્તાવાર મંજૂરી આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી શાળાનું પોતાનું કાયમી બિલ્ડીંગ નિર્માણ થયું નથી. છેલ્લા પંદર વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છતાં શાળા અપૂરતી ભૌતિક સુવિધાઓ વચ્ચે ચલાવવામાં આવી રહી છે, કાયમી મકાનના અભાવે શાળામાં વર્ગખંડોની અછત, અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણનો અભાવ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના આયોજનમાં અનેક અડચણો ઊભી થઈ રહી છે.
પરિણામે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહેવાની ફરજ પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ સામે પોતાની વેદના લોકશાહી રીતે વ્યક્ત કરતા શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને પોસ્ટકાર્ડ લખી શાળાનું કાયમી બિલ્ડીંગ વહેલી તકે નિર્માણ થાય તેવી માંગણી કરી છે. વિદ્યાર્થીઓની આ પહેલ તેમની જાગૃતતા, જવાબદારી અને શિક્ષણ પ્રત્યેની ગંભીરતાનું જીવંત ઉદાહરણ છે. શાળા પરિવાર અને ગ્રામજનોને આશા છે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે તાત્કાલિક ધ્યાને લઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાને વહેલી તકે પોતાનું કાયમી બિલ્ડીંગ પ્રદાન કરશે, જેથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ મળી રહે અને રાજ્ય સરકારના “સૌ ભણે, સૌ આગળ વધે” સૂત્ર અહીં સાકર થાય તે દિશામાં ખરા અર્થે પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.



