મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
જિંદગીમાં સુખી થવું હોય તો માન-અપમાનથી સદંતર ઉદાસીન થઈ જાઓ, મારે પાંચસો મિત્રો છે, પાંચ હજાર પરિચિતો છે કે પાંચ લાખ પ્રશંસકો છે એવી ભ્રમણામાંથી મુક્ત થઈ જાઓ.
મહાત્માઓ એવું કહી ગયા છે કે જિંદગીમાં સુખી થવું હોય તો માન-અપમાનથી સદંતર ઉદાસીન થઈ જાઓ. મારે પાંચસો મિત્રો છે, પાંચ હજાર પરિચિતો છે કે પાંચ લાખ પ્રશંસકો છે એવી ભ્રમણામાંથી મુક્ત થઈ જાઓ. ઓશો કહે છે કે આ જગતમાં તમારું કોઈ જ નથી. માત્ર તમે જ તમારા છો.
પરમાત્માએ આપણા મસ્તિષ્કમાં બુદ્ધિની શક્તિ ભરી છે. એ શક્તિ પર ફક્ત પાંચ જ મિનિટ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો દિવ્ય સુખનો આનંદ માણી શકીએ.
- Advertisement -
આ જગત પરમાત્માએ ઉત્પન્ન કર્યું છે અને માનવ જીવનનો ઉદ્દેશ આત્મસાક્ષાત્કારનો છે. ઈશ્વરે આપેલી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આત્મસાક્ષાત્કાર કરવાનો છે. સત્યની શોધ, એની ઓળખ અને એની પ્રાપ્તિ કરવાની છે.
ભ્રામક લોકપ્રિયતા અથવા આભાસી દુન્યવી સંબંધોની ભ્રમણામાંથી છૂટી જઈને આપણે આપણું ધ્યાન આત્મસાક્ષાત્કાર પર જ કેન્દ્રિત કરીએ.
જે રીતે પતંગિયા દીપકની જ્યોતની આસપાસ ઘુમરાતાં રહે છે, એ જ રીતે મનુષ્ય ક્ષણભંગુર દુન્યવી જીવનના છેતરામણા સંબંધો અને સુખોની આસપાસ ફરતો રહે છે. અંતે મનુષ્યની ગતિ પણ એવી જ થાય છે જે પતંગિયાની થાય છે.
પતંગિયા આખરે દીપકની જ્યોત પર પડીને નષ્ટ થઈ જાય છે. મનુષ્ય પણ આત્માનો સાક્ષાત્કાર કર્યા વિના મૃત્યુ પામે છે.