અતુલ પંડિત અને કિરીટ પરમાર એટલે શેખચલ્લીનાં અવતાર
અતુલ, કિરીટ, દિનેશ જલ્દીથી છૂટકારો થાય તેવું ઈચ્છતા સૌ કોઈ
- Advertisement -
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષણની ઘોર ખોદી નાંખી છે અને ભાજપનાં સત્તાધીશો મૌન છે, શું કૌભાંડોને તેમની મૂક સહમતી છે?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડો પર પડદો નાખવા ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર એક પછી એક અવનવા પ્રયાસો કરી રહ્યા છે જોકે તેમની અલ્પમતિ સાથે લેવાયેલા આંધળૂકિયા પગલાંઓના કારણે ફક્ત શિક્ષણ સમિતિ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોથી લઈ ક્લાર્ક પણ હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. તોબા પોકારી ઉઠ્યા છે. અતુલ પંડિત અને કિરીટ પરમારે મીડિયામાં ઉછળીકૂદી જણાવી રહ્યા છે કે, રાજકોટ શહેરમાં માધાપર, મનહરપુર-1, મોટામવા, મુંજકા અને ઘંટેશ્વર ગામની 8 સરકારી શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા 57 શિક્ષકો અને 2700 વિદ્યાર્થીઓનો ઉમેરો થયો છે. આ બંને મહાનુભાવોના વાતથી સ્પષ્ટ થાય છે કે, અત્યાર સુધી પૂરતા વહીવટી અને શૈક્ષણિક સ્ટાફના અભાવે ચાલતી શિક્ષણ સમિતિ પર નવી શાળાઓના ઉમેરાથી કામનું વધુ ભારણ પડશે. જે શાળાઓ છે તેમા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાછા પડ્યા છે તો નવી શાળાઓમાં શું ધૂળ સુવિધાઓ પૂરી પાડી શકશે? પંડિત અને પરમાર ફક્ત આંકડાઓનો ખેલ રમી સરકારી શાળાઓ અને તેના વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ એવું દર્શાવી રહ્યા છે જ્યારે આ શાળાઓ અને વિદ્યાર્થીઓની હાલત કેવી છે અને કેમ સુધારી શકાય તેના પર ધ્યાન નહીં જ આપે. શિક્ષણનું સ્તર સુધારવામાં પંડિત અને પરમારને થોડો પણ રસ નથી. હાલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતની 95 શાળાઓમાં 35200 વિદ્યાર્થીઓ અને 875 શિક્ષકો થયા છે. આ 95 શાળાઓમાંથી મોટાભાગની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સાથે પૂરતો વહીવટી અને શૈક્ષણિક સ્ટાફ નથી છતાં શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી એક પછી એક સરકારી શાળાઓનો શિક્ષણ સમિતિમાં ઉમેરો કરી તેને ખાનગી ટ્રસ્ટને બારોબાર સોંપી રહ્યા છે. ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારની માત્ર આર્થિક વહીવટમાં જ માસ્ટરી છે. શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલાઓ પ્રાર્થના કરી રહ્યા છે કે, જલ્દીથી પંડિત અને પરમારમાંથી તેમનો છૂટકારો થાય તો વિદ્યાર્થીહિતમાં પરિણામલક્ષી કાર્ય થઈ શકે.
પંડિત, પરમાર, સદાદિયાની ટોળકીને ભાજપના જ કેટલાંક નેતાઓનું શિરપાવ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મસમોટા આર્થિક અને વહીવટી ગોટાળાઓ આચારનારા અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની ટોળકીને ભાજપના જ કેટલાંક નેતાઓનું પ્રોત્સાહન હોય તેઓ હજુ પણ ઓવર કોન્ફિડન્સમાં જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે પંડિત, પરમાર અને સદાદિયા પાસે ભાજપના કેટલાંક નેતાઓના રાઝ છૂપાયેલા હોય તેમની પર કોઈ જ કાર્યવાહી શક્ય નથી, હજુ હમણાં જ દિનેશ અને કિરીટના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર ભાજપ નેતાઓ આ બંને કૌભાંડીઓને શિરપાવ આપતા જોવા મળી રહ્યા હતા.
- Advertisement -
ચૂંટણીઓમાં કોંગ્રેસ-આપ શિક્ષણ સમિતિના કૌભાંડોને મુદ્દો ન બનાવે તે માટે પંડિત-પરમારનું ડેમેજ કંટ્રોલ?
રાજકોટ શિક્ષણ સમિતિના વિવિધ કૌભાંડોનો મુદ્દો આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ-આપ ન ઉછાળે તે માટે ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર ડેમેજ કંટ્રોલમાં લાગી પડ્યા છે એવું ચર્ચાઈ રહ્યું છે. પંડિત-પરમારે પોતાના શાસનકાળ દરમિયાન શિક્ષણ સમિતિની એકપણ શાળાની પ્રાથમિક અને ભૌતિક જરૂરિયાતો બાબતમાં કોઈપણ રસ લીધા વિના માત્ર આર્થિક લાભવાળા કામો જ કર્યા હોય શિક્ષણ સમિતિના કેટકેટલાય કૌભાંડો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યા છે આ સમયે કોંગ્રેસ-આપ આ કૌભાંડોનો અભ્યાસ કરી રહી હોય, ચૂંટણી ટાણે તેઓ મુદ્દો ન ઉછળે તે માટે પંડિત-પરમાર બધા જ પ્રયત્નો કરી રહ્યા છે.
5 વર્ષ પહેલાં ઉમેરાયેલી 11 શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ નથી, નવી 8 શાળાઓ ઉમેરાતા શું થશે?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 5 વર્ષ અગાઉ ઉમેરાયેલી 11 શાળાઓ હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી અને સીસીટીવી કેમેરા બહુ દૂરની વાત છે પણ સંડાસ-બાથરૂમ, પીવાના પાણી પૂરું પાડવામાં પણ શિક્ષણ સમિતિ નાપાસ થઈ છે એવા સમયે વધુ 8 શાળાઓ ઉમેરાતા શું થશે એ સૌ કોઈ જાણે છે. જો હકીકતમાં રાજકોટ શિક્ષણ સમિતિમાં આવેલી તમામેતમામ શાળાઓની દશા સુધારવી હોય તો પંડિત-પરમારની ટૂકડીને તેમાંથી દૂર કરવી જરૂરી છે.



