કથામૃત:
લંડનમાં રહેતો એક સામાન્ય પરિવારનો બાળક પોતાનું પેટ ભરવા માટે નાનાં મોટાં કામો કરતો હતો. ક્યારેક છાપા વેચવાનું કામ કરે તો ક્યારેક ફૂલ વેચવાનું કામ કરે. છાપા વેચતી વખતે એને વાંચવાની ટેવ પડી. એ નવરો પડે એટલે જૂના છાપાઓ હાથમાં લઈને વાંચવા માટે બેસી જાય. એને અભ્યાસ કરવાની બહુ ઇચ્છા થઈ, પરંતુ ભણવા માટેના પૈસા ક્યાંથી લાવવા ? 13 વર્ષની ઉંમરે એણે એક ‘બુક બાઈન્ડર’ને ત્યાં નોકરી શરૂ કરી જેથી પેટ ભરવા માટે ખાવાનું મળે અને વાંચન ભૂખ પણ સંતોષાય. એક વખત એના હાથમાં એક લેખ આવ્યો જેમાં ઇલેક્ટ્રિસિટી વિશે લખવામાં આવ્યું હતું. એણે આ લેખ ઘણીવાર વાંચ્યો અને થોડા પોતાના વિચારોના આધારે એણે ઇલેક્ટ્રિસિટી પર પ્રયોગ ચાલુ કર્યાં. એક સદ્ગૃહસ્થે છોકરાને પ્રયોગ કરતા જોયો એટલે એણે આ છોકરામાં કંઈક દમ છે એવું લાગ્યું. તેઓ પ્રખ્યાત વૈજ્ઞાનિક સર હફ્રી ડેવીનું એક લેકચર સાંભળવા આ છોકરાને પોતાની સાથે લઈ ગયા. લેક્ચર સાંભળ્યા બાદ બાળકે હફ્રીના લેક્ચરની સરસ નોંધ લખી અને એ નોંધની સાથે પોતાની ટિપ્પણી પણ લખી. આ નોંધ સર હફ્રી ડેવીને મોકલી આપી. ડેવી આ છોકરાના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા અને પોતાની પ્રયોગશાળામાં જ એને નોકરી પર રાખી લીધો. આ છોકરાના મનમાં એક ભૂત સવાર હતું કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવી છે. એ સતત આ માટે પ્રયાસો કરતો હતો અને અનેક પ્રયાસોની નિષ્ફળતા બાદ એ પોતાના પ્રયોગમાં સફળ રહ્યો. આ સામાન્ય પરિવારનો બાળક એટલે જગતને વીજળી-ઇલેક્ટ્રિસિટી ભેટ આપનાર મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે.
- Advertisement -
બોધામૃત
મિત્રો, જરા કલ્પના તો કરો કે જો વીજળી ન હોત તો આપણું આજનું આ જીવન કેવું અંધકારમય હોત? કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે, એ ફેરેડેએ સાબિત કરીને બતાવ્યું. બસ, તમારા કામ પ્રત્યેનું પેશન હોય, તો ગમે તેવી મુશ્કેલીઓ પણ તમને સફળ બનાવતા અટકાવી ન શકે.