શું મૃત વ્યક્તિ પણ કરી જાય છે હાઈ હેલ્લો? પશ્ર્ચિમના દેશોએ કર્યું વૈજ્ઞાનિક ઢબે સંશોધન
– જગદીશ આચાર્ય
આત્મા અજર છે, અમર છે, અજન્મા છે એ સિદ્ધાંત અને એ સમજણ હિન્દૂ ફિલોસોફીનો પાયો છે.કૃષ્ણ ભગવાને ગીતામાં પણ એ જ બોધ આપ્યો હતો.આત્મા મરતો નથી,દેહ મરે છે. આપણે જેમ વસ્ત્રો બદલાવીએ છીએ એમ આત્મા શરીર બદલાવે છે.મૃત્યુ શરીર બદલવાની એ યાત્રાનો એક પડાવ માત્ર છે.આ સમજણ સાથે આપણે મોટા થયા છીએ.આ સમજણ આપણને ગળથુથીમાં મળી છે.અને એટલે આપણે ખૂબ સહજ ભાવે એ સ્વીકારી લીધું છે.પણ પશ્ચિમનું વૈજ્ઞાનિક મગજ એમ તે કેમ સ્વીકારે?અને એટલે ત્યાં આત્માના અસ્તિત્વ તથા મૃત્યુ પછીના જીવનના રહસ્યો શોધવા વૈજ્ઞાનિક ઢબે ખૂબ સંશોધનો કરવામાં આવ્યા છે.એ સંશોધનો અમે તેની ફલશ્રુતિ પર ચર્ચા કરતાં પહેલાં ભૂતકાળમાં બની ગયેલી કેટલીક ઘટનાઓ પર નજર નાખીએ. સોળમી સદીમાં રણજીતસિંહ પંજાબના રાજા હતા ત્યારે સ્વામી હરિદાસ નામના એક સાધુએ અદભુત પ્રયોગ કરી બતાવ્યો.એમના દેહ ઉપર સ્નિગ્ધ પદાર્થના લેપ કરી,કપડામાં વીંટાળી અને એમને જીવતે જીવ રણજીતસિંહના મહેલના પટાંગણમાં ઊંડા ખાડામાં સમાધી આપવામાં આવી.ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના ડોક્ટરોએ સ્વામી હરીદાસની છાતીના ભાગમાં સીલ પણ માર્યા હતા.
પાંચ મહિના બાદ એમને બહાર કાઢવામાં આવ્યા.એ જ ડોક્ટરોએ એમનું શરીર તપાસ્યું અને મૃત ઘોષિત કર્યા.ડોક્ટરો ડેથ સર્ટિફિકેટ લખતા હતા ત્યાં સ્વામી હરિદાસ આળસ મરડીને પૂન:જીવિત થયા.હજારો લોકો આ ઘટનાના સાક્ષી બન્યા હતા. સોળમી સદી તો બહુ દૂરની વાત થઇ,હજુ ગઈ સદીમાં જ દક્ષિણ ભારતના બ્રહ્મયોગી નામના સાધુએ લંડન,કલકત્તા અને રંગુનમાં ત્રણ વખત દશ દશ મિનિટ માટે ’મરી’ જવાના પ્રયોગ કરી બતાવ્યા હતા.દરેક પ્રયોગ સમયે જે તે દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અને તબીબો ઉપસ્થિત રહેતાં. સૂક્ષ્મતમ ઉપકરણો ગોઠવાતા. તબીબી વ્યાખ્યા મુજબના મૃત્યુના તમામ લક્ષણો સાબિત થયા બાદ તબીબો ડેથ સર્ટિફિકેટ લખતાં. અને બસ! ત્યાર બાદ બ્રહ્મયોગી જીવતાં થઈને ચાલી નીકળતા. આ બનાવના સાક્ષી બનનાર એક તબીબે લખ્યું હતું,’મૃત્યુ અંત નથી,માત્ર વિદાય છે.વિદાય લેનાર પાછું આવવાનું નથી જાણતો એટલે અમારે ડેથ સર્ટિફિકેટ લખવા પડે છે’. જેની અંતિમવિધિ થઇ ગઈ હોય એ વ્યક્તિ દેહ ધરીને હાઇ હેલ્લો કરી ગઈ હોય એવી અનેક ઘટનાઓ ઇતિહાસના પાને લખાઈ છે.
- Advertisement -
ઈશુ ખ્રિસ્તે મૃત્યુ બાદ બે વખત સદેહે ઉપસ્થિત થઇ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો.રામકૃષ્ણ પરમહંસે એમની વિદાયના બીજા દિવસે મા શારદામણીને દર્શન આપી વૈધવ્યના ચિન્હ ન ધારણ કરવા કહ્યું હતું. હિન્દૂ ધર્મશાસ્ત્રો અને ઋષિ પરંપરામાં તો આવી અનેક કથાઓ છે.સૌથી ઉલ્લેખનીય અને વિશ્વસનીય પ્રસંગો મહાન સંત લાહીરી મહાશયના છે.લાહીરી મહાશયે એમના મૃત્યુ બાદ કેશવાનંદ, પંચનાન બ્રહ્માચાર્ય અને સ્વામી પ્રવણાનંદ સમક્ષ સદેહે ઉપસ્થિત થઈને વાર્તાલાપ કર્યો હતો.પરમહંસ યોગનંદના ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી નામના જગમશહૂર પુસ્તકમાં એ ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. રામકૃષ્ણ પરમહંસના પંથમાં સામાન્ય રીતે રહસ્યમય અને ચમત્કારિક ઘટનાઓનો બહુ ઉલ્લેખ નથી કરવામાં આવતો.પણ સ્વામી વિવેકાનંદના ગાઢ સાથી અને રામકૃષ્ણ પરમહંસના સીધા શિષ્ય સ્વામી અભેદાનંદજીના 11 પુસ્તકોના સંપૂટમાં આવી ચમત્કારિક ઘટનાઓનું તર્કબઘ્ધ અને વૈજ્ઞાનિક અભિગમથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
અભેદાનંદજીએ અમેરિકામાં મૃતાત્માઓને બોલવવાના પ્રયોગોમાં ભાગ લીધો હતો ત્યારે તેમના દિવંગત ગુરુભાઈ બાબુ બલરામ બસુ સાક્ષાત પ્રગટ્યા હતા.બાબુ બલરામ બસુએ વાણી થી નહીં પણ માથું હલાવીને અભેદાનંદજીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આપણે ત્યાં મૃત્યુ પછીના જીવન અંગે બહુ ગંભીર સંશોધન નથી થયું.તેનું એક કારણ એ છે કે આપણે તો માનીએજ છીએ કે મૃત્યુ પછી આત્મા સ્વર્ગલોક અથવા નર્કલોક માં જાય છે અને પછી પુનર્જન્મ લે છે.સ્વર્ગલોક અને નર્કલોક ઉપરાંત પણ આપણા શસ્ત્રોએ અન્ય અનેક “લોક”ની કલ્પના આપી છે.એ કલ્પનાને સાચી ઠેરવે એવી ઘટનાની ગવાહી લોસ એંજલ્સના ડો.એરિક પર્લના માતા લોઈસ પર્લ આપે છે.
લોઈસ પર્લ ગર્ભાવસ્થાની અંતિમ ક્ષણોમાં હોસ્પિટલમાં હતા.દર્દ અસયહ બની ગયું હતું.તબીબો મૂંઝાયા હતા.ત્યાં લોઈસ પર્લ અચાનક પોતાને શરીરથી અલગ મહેસુસ કરે છે.ત્યારબાદ તે અનેક “લોક”નિહાળે છે.એક લોકમાં તે અકસ્માત થી અચાનક મૃત્યુ પામેલા અથવા કાંઈક જરૂરી સંદેશો દેવાનું ચુકી ગયેલા કે પછી કોઈ મોટી જવાબદારી પુરી કરવામાંથી રહી ગયેલા આત્માઓઓને જોવે છે. કર્મો મુજબ અલગ અલગ “લોક” માં વસતા આત્માઓને પણ તે નિહાળે છે.એ મહિલા એ અવસ્થામાં એટલો આનંદ અનુભવે છે કે જયારે તેને પૂન:શરીર ધારણ કરવાનું કહેવામાં આવે છે ત્યારે તેને ગમતું નથી.અંતે તે શરીરમાં ફરી પ્રવેશ કરે છે.નોર્મલ ડિલિવરી દ્વારા તેને પુત્ર જન્મ થાય છે.ભાનમાં આવ્યા બાદ એ મહિલાને પોતે જે જોયું અનુભવ્યું હતું તેની ધૂંધળી સ્મૃતિ રહી ગઈ હતી.એ પણ ભુલાઈ જાય તે પહેલા તેણે હોસ્પિટલમાંજ પોતાના પતિને એ બધી વાતો લખી લેવા વિનંતી કરી હતી.આજે એ લખાણને એક દસ્તાવેજ ગણવામાં આવે છે.’ધ ટાઇમ્સ ઓફ અવર લાઇવસ’ નામની બુકમાં તેમના પુત્ર ડો.એરકે પોતાના જન્મ સમયે થયેલી એ ઘટના વર્ણવી છે.મહત્વની વાત એ છે કે હોસ્પિટલના વર્તુળોએ એ વાત સ્વીકારી હતી કે એ મહિલાનું ’એક તબક્કે’ મૃત્યુ થઇ ગયું હતું.
- Advertisement -
મૃત્યુ એટલે શું? તબીબી માપદંડ અનુસાર હૃદયની ધડકનો બંધ થઇ જાય, બન્ને મગજ કામ કરતાં બંધ થઇ જાય અને શરીરમાં લોહી થીજી જાય તેને મૃત્યુ કહેવાય.
પણ એ દાવાને પડકારે એવી એક ઘટના દોઢ દાયકા પહેલા બની હતી જેનું રહસ્ય તબીબો આજ સુધી ઉકેલી નથી શક્યા. વર્ષ 2004ના રીડર્સ ડાયજેસ્ટમાં એ ઘટના પ્રસિદ્ધ થયા બાદ તેને વિશ્વ પ્રસિદ્ધિ મળી હતી.
પામ રેયનોલ્ડ નામની એક મહિલાને મગજની નસોમાં જીવલેણ બ્લોક સર્જાયો હતો.ઓપરેશન સફળ થવાના ચાન્સ ખુબ ઓછા હતા.એ એક અત્યંત જટિલ અને જોખમી ઓપરેશન હતું.તેમાં મગજને મળતો રક્તનો જથ્થો અટકાવી દેવાનો હતો.
પામ રેર્નોલ્ડને એનેસ્થેસિયા આપવામાં આવ્યું.એ ઓપરેશન 7 કલાક ચાલવાનું હતું.તબીબોએ ખોપડી ખોલી અને એ સાથેજ એક અસામાન્ય ઘટના બની.એ મહિલાએ જોયુ કે એ પોતાના દેહની બહાર નીકળી ગઈ છે.ડોક્ટર સ્પેટ્ઝર ઇલેક્ટ્રિક બ્રશ જેવું સાધન લઇ ને ઉભા છે.એક નર્સ ફરિયાદ કરી રહી છે કે દર્દીની રક્તનલિકાઓ ખુબ સાંકડી છે.રેનોલ્ડ ને એ વાતની પણ નવાઈ લાગી કે ઓપરેશન મગજનું છે છતાં ડોક્ટરો જાંઘ પાસે શું કામ વાઢ કાપ કરી રહ્યા છે.થોડી વાર પછી તેણે જોયું કે એક પ્રકાશમય બોગદામાંથી તે પસાર થઇ રહી છે.બોગદાને છેડે તેણે વર્ષો પહેલાં મૃત્યુ પામેલા એના દાદીમા અને અન્ય સંબંધીઓને જોયા.થોડીવાર પછી એક વૃદ્ધ વ્યક્તિ આવી અને તેણે પામને એના શરીર પાસે લઇ જઇ પૂન:પ્રવેશ કરવાનો આદેશ આપ્યો.
ઓપરેશન બાદ ભાનમાં આવીને તેણે જયારે આ વાતો કરી ત્યારે તબીબો આષચર્ય ના મહાસાગરમાં ડૂબી ગયા હતા.કારણકે પામે વર્ણવી એ ઘટનાઓ એ જ ઘટનાક્રમ માં બની હતી.બનાવના આટલા વર્ષો પછી પણ એનું રહસ્ય અકબંધ છે.
આ બનાવ એકલદોકલ નથી.જ્યોર્જ રિચી નામના અમેરિકાના પ્રખ્યાત તબીબનું 1943ના ડિસેમ્બર માસમાં ન્યુમોનિયાને કારણે અવસાન થયું.નવ મિનિટ બાદ તેઓ ચમત્કારિક રીતે જીવતા થયા.એ નવ મિનિટમાં તેમને દેવદૂતો,પ્રકાશમય બોગદા,અપાર સૌંદર્ય ધરાવતા પ્રદેશો અને ઈશ્વરના દર્શન ની અનુભુતી થઇ હતી.
“રીટર્ન ફ્રોમ ટુ મોરો” અને “માય લાયફ આફ્ટર ડાયિંગ” નામના એમના બે પુસ્તકોમાં એ અનુભવો વર્ણવવામાં આવ્યા છે.
ડોક્ટર રિચિના આ અનુભવો બાદ અમેરિકાના જગ વિખ્યાત ડોક્ટર અને પ્રખર સંશોધક ડોક્ટર રેમન્ડ એ.મૂડીએ મૃત્યુની નજીકના અને મૃત્યુ પછીના અનુભવો વિષે સંશોધન કરવામાં 25 વર્ષ ખર્ચી નાખ્યા લાઈફ આફ્ટર લાઈફ નામના એમના પુસ્તકમાં અસંખ્ય રસપ્રદ કિસ્સાઓ લખાયેલા છે.એ પુસ્તક વિશ્વની 25 ભાષમાં અનુવાદ પામ્યું છે અને એની એક કરોડથી વધુ નકલો વેંચાઈ છે.એ પુસ્તક આધારિત ફિલ્મને ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં હ્યુમન રિલેશન કેટેગરી માં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો.
વધુ એક અભૂતપૂર્વ કિસ્સો જોઈએ પ્રખ્યાત લેખક અરનેસ્ટ હેમિંગ્વેની “એ ફેરવેલ ટુ આર્મ્સ” નામની નવલકથા માં ફ્રેડરીક હેનરી નામના પાત્ર ને યુધ્ધ દરમિયાન થયેલી મૃત્યુ પછીની અનુભૂતિઓ વર્ણવવામાં આવી છે.હકીકતમાં એ ઘટના હેમિંગ્વેની પોતાની સાથેજ બની હતી.
પહેલા વિશ્વ યુધ્ધ સમયે ઇટલીની પીઆવ નદીના કિનારે એક ઓસ્તરીયન મોર્ટર બોમ્બ એમની ઉપર પડ્યો.હેમિંગ્વે જણાવે છે કે એ સાથેજ હું મરી ગયો.ખિસ્સાના એક ખૂણામાંથી રૂમાલ બહાર સરકે એમ મારો આત્મા શરીરમાંથી બહાર નીકળયો,આસપાસ ફર્યો અને શરીરમાં પાછો ફર્યો.આ બનાવ બાદ એમના જીવનમાં ધરખમ પરિવર્તન આવી ગયું હતું.મિલાનની હોસ્પિટલમાંથી તેમણે પરિવારજનોને પત્ર માં લખ્યું હતું,”મૃત્યુ એક તદ્દન સાદી સરળ ઘટના છે.મેઁ મૃત્યુને જોયું છે,હું મૃત્યુને જાણુ છું.”
મૃત્યુ પછીના જીવનના અનુભવો માણી ચૂકેલા લોકોના જીવનમાં આમુલ પરિવર્તન આવી જાય છે.ડોક્ટર જોયસ હોક્સ નામની એક મહિલા માથે વજનદાર બારી પડતા તે બેભાન થઇ ગયા હતા.એ અવસ્થામાં એમણે પોતાના આત્માને બહાર નીકળતા જોયો હતો.એ વિચક્ષણ મહિલા પોતે વિજ્ઞાનને વરેલી હતી.કોઈ ભ્રમની મારી દોરવાઈ જાય તેવી નહોતી.એ બનાવ બાદ તે સ્પીરીચ્યુઅલ હીલર તરીકે સેવાઓ આપે છે.એ મહિલા હાથ પછાડીને કહે છે કે મૃત્યુ જેવું કઈ છે જ નહીં,માત્ર યાત્રાનો રસ્તો બદલાય છે અને એમાં કાંઈ કરવા જેવું નથી.
મૃત્યુ પછીના અનુભવોમાંથી પસાર થઇ ચુક્યા હોય એવા લોકોની સંખ્યા બહુ મોટી છે.બ્રિટિશ મેડિકલ જર્નલ ’લાન્સેટ’ નોંધે છે કે પાંચ પંદર નહીં પણ હજારો લોકોને આવા અનુભવ થયા છે અને આ અનુભવો મહદ અંશે સાચા છે. એબીસી ન્યુઝ સર્વિસના પૂર્વ મેડિકલ એડિટર ડોક્ટર ટિમ જોન્સન પણ માનતા હતા કે મૃત્યુ પછીના જીવન ના એ અનુભવો સાચા હતા.
તબીબો અને વૈજ્ઞાનિકોએ આવા અનુભવોનું રહસ્ય જાણવા ભારે જહેમત ઉઠાવી છે.મૃત્યુ નિશ્ચિત હોય તેવા 344 દર્દી ઉપર નેધરલેન્ડની દશ હોસ્પિટલમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા.તેમાંથી આઠ થી બાર ટકા દર્દીઓને ખરેખર મૃત્યુ પછીના જીવનનો અનુભવ થયો હતો એવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ વિષય પર બ્રિટનમાં થયેલા સંશોધનો અંગે બીબીસીએ વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ચાર દર્દીઓના મૃત્યુ પછીના અનુભવોને માન્ય રાખવામાં આવ્યા હતા.
વૈજ્ઞાનિકો હવે માનતા થયા છે કે શારીરિક પ્રક્રિયાઓ સમાપ્ત થયા પછી પણ એક અજાણી ચેતના યથાવત રહે છે.
ધર્મશાસ્ત્રો જેને આત્મા કહે છે એ આ ચેતનાને વિજ્ઞાન માન્યતા આપશે કે કેમ એ તો ભવિષ્ય જણાવશે પણ મૃત્યુ પછીના જીવન અંગે એક ખ્યાતનામ હસ્તીનું મન્તવ્ય જાણવા જેવું છે.વિશ્વ વિખ્યાત જાસૂસ પાત્ર શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કોનન ડોઇલ ડોક્ટર પણ હતા.જીવનના છેલ્લા 11 વર્ષ તેમણે આધ્યાત્મિક રહસ્યોના ગુંચળા ઉકેલવામાં ગાળ્યા હતા.એમના મૃત્યુના બે વર્ષ બાદ ગ્રેસી કુક નામની એક સાધક મહિલાના માધ્યમથી એમણે મૃત્યુ પછીના જીવનની જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો હતો.ગ્રેસીના પતિ ઇવાન કુકે ’ધી રીટર્ન ઓફ ડોઇલ’ નામના પુસ્તકમાં એ વાતો વર્ણવી છે.જિંદગી આખી અસંખ્ય રહસ્યો સર્જનાર અને પછી ઉકેલનાર સર ડોઇલે મૃત્યુ બાદ સૌથી ગેબી રહસ્યનો ઘટસ્ફોટ કરતાં સ્વર્ગલોકમાંથી જણાવ્યું છે કે મૃત્યુ પછી પણ જીવન છે અને એ પછી પુનર્જન્મ છે.મૃત્યુ અંત નથી, માત્ર અલ્પવિરામ છે.