ઓનલાઈન એપ્લિકેશનોની ભરમાર વચ્ચે બુકીબજારમાં હરિફાઈ: પોલીસ કાર્યવાહીમાં બુકી ભાગ્યે જ પકડાય: પન્ટર અને ડબ્બા જ સપડાય છે
પસંદગીની ટીમ પર સટ્ટો તો લગાવ્યાં અને હારતી ટીમ બૂક કરો તો ખાધાં : અલગ જ ભાષા
- Advertisement -
સટ્ટા બુકીંગની પધ્ધતિઓ બદલી છે પરંતુ દાયકાઓથી ચાલતી જુની ભાષા યથાવત રહી છે. પસંદગીની ટીમ ઉપર પૈસા લગાવવામાં આવે તેને લગાવ્યાં કહેવાય છે. જ્યારે, સામેની ટીમ ઉપર પૈસા લગાવાય તેને ખાધાં કહેવાય છે. ધારી લો કે, ભારત – ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતની જીતની તકે તેનો ભાવ 80 પૈસા બુકી બજારે કાઢ્યો છે. ભારત ઉપર જ પૈસા લગાવવામાં આવે તો લગાવ્યાં કહેવાય છે. જ્યારે, બીજા નંબરની ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયાનો ભાવ 1
રૂપિયા 20 પૈસા ગણાય છે તેના ઉપર પૈસા લગાવાય તો ખાધાં શબ્દ વપરાય છે.
પૈસા ચૂકવી એપ્લિકેશનના રાઈટ્સ આપી વિદેશથી સંચાલન કરતાં બુકીઓને લ્હેર
- Advertisement -
સટ્ટો ગુજરાતથી વાયા મુંબઈ, દુબઈ ચાલતો હતો તો દાઉદ ઈબ્રાહિમના હાથમાં હતું તેવું સટ્ટાના જુના ખેલાડીઓ કહે છે. મુંબઈ મેઈન કેન્દ્ર હતું. હવે, ઓનલાઈન સટ્ટામાં મુખ્ય કેન્દ્ર દુબઈથી બદલી રહ્યું છે અને દાઉદનો દબદબો ઘટી રહ્યો છે. ઓનલાઈન સટ્ટા એપ્લિકેશન એટલી વધી ગઈ છે કે સરકારી તંત્ર પણ અંકુશ રાખી શકતી નથી. સટ્ટાને કાયદેસર કરતાં પહેલાં મની લોન્ડરિંગ અને પૈસાની હેરાફેરીના મુદ્દે મોટા બુકીઓ પણ હવે વોન્ટેડ છે. ભીંસ વધી હોવાથી સર્વર દુબઈ સિવાયના દેશોમાં જ્યાં પ્રત્યાર્પણ સંધી ન હોય તેવા દેશોમાં એક્ટિવ કરી દેવાયાં છે. ભાવ વધ-ઘટ એપ્લિકેશનના સર્વર અને ક્ધટ્રોલ રૂમ બીજા દેશોથી સંચાલન કરવામાં આવે છે. ભારતમાં એપ્લિકેશન આધારિત રાઈટસ લઈને પેટા બુકીઓ સટ્ટો ચલાવે છે અને મુખ્ય બુકીઓ તો વિદેશમાં લ્હેર કરે છે. એપ્લિકેશન આઈડી પાસવર્ડ આધારિત બની ચૂકી છે.
વિશ્વાસે ચાલતાં ક્રિકેટ સટ્ટામાં હારજીતના પૈસા એક સમયે આંગડિયા અને રૂબરૂ લેવડદેવડ થતી હતી. હવે ઓનલાઈન બનેલા સટ્ટામાં ખેલી પાસેથી એડવાન્સ લેવામાં આવે છે અને હારજીતની રકમ ઓનલાઈન લેવડદેવડ થઈ જાય છે. ઓનલાઈન એપ્લિકેશનોની ભરમાર વચ્ચે બુકીબજારમાં એવી હરિફાઈ છે કે, પન્ટરોને 10થી માંડી 50 હજાર રૂપિયાની ડિપોઝીટ એડવાન્સ જમા તેવી લાલચભરી ઓફર બુકીઓ તરફથી અપાય છે. જો કે, મોટી રકમનો સટ્ટો રમતાં જુના પન્ટરો અને પેટા એજન્ટો સાથે લાખો, કરોડો રૂપિયાની લેવડદેવડ તો આજની તારીખે પણ આંગડિયા થકી જ કરવામાં આવે છે. ફોન લાઈનથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ગમે તેટલો વધ્યો, સબ પૈસે કા ખેલ હૈ એ મુળ મંત્ર હજુ યથાવત છે અને રહેશે.
હાલમાં ભારતમાં ક્રિકેટ સટ્ટાનું બજાર 3 લાખ કરોડ કે તેથી વધુ રકમનું છે અને સતત વધારો થઈ રહ્યો છે. નવી ટેકનોલોજીથી ક્રિકેટ સટ્ટામાં સતત વધારો થયો છે. અનેક એવા બ્રાઉઝર્સ પણ છે કે જેના ઈન્ટરનેટ પ્રોટોકોલને પણ જાણી શકાતાં નથી. અનેક આંતરરાષ્ટ્રીય વેબસાઈટ ભારતીયોને સટ્ટાબાજી તરફ ધકેલે છે. દરેક મેચ ઉપર અંદાજે બસ્સો કરોડનો સત્તાવાર ધંધો થાય છે. જો કે, બિનસત્તાવાર રીતે તો આઆંકડો 700 કરોડ કહેવાય છે. ક્રિકેટ આવ્યાંના થોડા જ વર્ષમાં ક્રિકેટ સટ્ટો એટલે સામાન્ય બની ચૂક્યો હતો કે, 1866માં ગેમ્બલિંગ એક્ટ બનાવવો પડયો હતો. આ સમયે મુંબઈ અને દિલ્હીથી પણ મોટું સટ્ટા બજાર કોલકાતામાં હતું. બુકીઓ માટે ભાવ લનાર શખ્સને ડબ્બા તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી સટ્ટાની ભાષાના જાણકાર એવા આ વ્યક્તિઓ જો પોલીસ કોલ ટ્રેસ કરી કાર્યવાહી કરે તો બુકીઓ માટે બચવાનું સાધન બની જાય છે. આ કારણે જ ભાગ્યે કોઈ મોટા બુકી પકડાય છે, મોટા ભાગ સટ્ટો નોંધવા બેઠેલાં ડબ્બા સામે જ કાર્યવાહી થાય છે. હવે, મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટાખોરીના જમાનામાં બુકી પાસેથી એપ્લિકેશન લેનાર તેનો એજન્ટ એટલે કે પન્ટર જ પકડાય છે. એક વખત ઉપયોગમાં લેવાયેલાં મોબાઈલ નંબરનો ઉપયોગમાં નહીં લેવાની સાવચેતી પણ બુકીઓ રાખે છે.