‘ડિજિટલ ન્યૂઝપેપર? એવું તો કોણ વાંચવાનું? આ કૉન્સેપ્ટ ચાલે જ નહીં…’ એમ જ્યારે ‘ખાસ-ખબર’ શરૂ કરવા જઈ રહ્યા હતાં ત્યારે અમને આવું અનેક લોકોએ કહ્યું. આજે ‘ખાસ-ખબર’ બધી જ ભવિષ્યવાણીઓ ખોટી ઠેરવી એકદમ ટટ્ટાર ઉભું છે. અડીખમ અને ઉન્નત મસ્તક.
અમને આનંદ છે કે, અમે સલામત રાજમાર્ગ પર ચાલવાને બદલે અમારો પોતાનો ધૂળીયો મારગ પસંદ કર્યો છે અને આ ધૂળીયા માર્ગ પર અમારી જાત ઘસીને એક આગવી કેડી બનાવી છે. આ કેડી પર ચાલવાનું અમને ફાવે છે, એ વિકટ છે, સ્મૂથ નથી. પરંતુ એ અમારી પોતીકી છે. હર્ષ એ વાતનો છે કે, સો-બસ્સો-પાંચસો અખબારોની વચ્ચે અમે અમારું પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. લાખોની ભીડમાં પણ અમે અલગ તરી આવીએ છીએ, વાંચકો અમારા અખબારની આતૂરતાપૂર્વક રાહ જોતાં હોય છે. માત્ર બે વર્ષનાં ટૂંકા સમયગાળામાં આ કક્ષાએ પહોંચવું કેટલી હદે કઠિન છે – એ મીડિયા સાથે સંકળાયેલાં લોકો જાણતાં જ હોય.
અહીં સુધી પહોંચવાની યાત્રા કષ્ટદાયક પણ રહી છે અને આનંદદાયક પણ. કષ્ટદાયક રહેવાનું કારણ એ છે કે, અમે થાક્યા વગર, તનતોડ મહેનત કરીને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કર્યું છે. ક્યાંક વાંચ્યુ હતું કે, ‘પત્રકારત્વ એ પબ્લિક રિલેશન વર્ક નથી. પત્રકારત્વ એટલે ક્યાંક, કોઈ, કશુંક છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય-તે બહાર લાવવાની કળા!’ આ વાક્ય અમારા દિમાગમાં ઘર કરી ગયું છે.
બે વર્ષનાં આ ટૂંકા સમયમાં અમે અગણિત સ્કૂપ આપ્યાં છે. સ્થાનિક કક્ષાનાં, સૌરાષ્ટ્ર-ગુજરાત લેવલનાં અને રાષ્ટ્રીય કક્ષાનાં કૌભાંડોનાં ભાંડાફોડ પણ કર્યા છે, એ પણ સજ્જડ પુરાવાઓ સાથે. જે-જે ક્ષેત્રમાં અન્યાય કે ભ્રષ્ટાચાર થયો હોય ત્યાં બધે જ અમે સત્યનાં ન્હોર ભરાવ્યા છે. અનેક ભ્રષ્ટ લોકોને ગામ છોડાવ્યા છે અને સસ્પેન્ડ કરાવ્યા છે, જેલભેગા કર્યા છે. અમારી આક્રમકતા જ અમારી મૂડી છે. તેની સાથે સામાજીક નિસબતનાં અહેવાલો, લોકને સ્પર્શતા સંવેદનાત્મક રિપોર્ટ્સ, પોઝિટિવ સ્ટોરિઝ અને ગુજરાતી પત્રકારત્વમાં અદ્દભૂત કહી શકાય તેવાં લે-આઉટ્સ અને ડિઝાઈનિંગ તથા ઈન્ટરવ્યૂઝ વગેરેનું સંયોજન સાધીને અમે એક ઉત્કૃષ્ટ દૈનિક તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે અને વાચકોએ હરખભેર અમારા પ્રયત્નને વધાવી લીધો છે.
અગાઉ પણ મેં લખ્યું હતું કે, અમારી હરિફાઈ કોઈની સાથે નથી. અમે જ અમારા હરિફ છીએ. રોજ અમારે ગઈકાલ કરતાં બહેતર અંક આપવાનો પડકાર ઝીલવાનો છે. અમે ખેલદિલીથી દરરોજ આ ચેલેન્જ સ્વીકારીએ છીએ. એક દિવસ પણ છાપું નબળું જાય તો અમારી આખી ટીમને રીતસર પીડા થાય છે, શૂળની જેમ એ વાસ્તવિકતા ભોંકાય છે.
‘ખાસ-ખબર’નો ઉછેર વાંચકો પણ અનુભવી શકે છે. એટલે જ વાંચકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. વાંચકો અમારી ટેકણલાકડી છે. ભલભલા ચમરબંધીને પણ નહીં છોડવાની નૈતિક હિંમત અમને વાંચકોનાં પ્રેમમાંથી જ મળે છે. આ પ્રેમ અમારાં માટે મલ્ટી વિટામિનનું કામ કરે છે. આજે તૃતિય વર્ષમાં પ્રવેશ નિમિત્તે અમે એ વચન આપીએ છીએ કે, અમારાં આવનારા જન્મદિવસ સુધીમાં ‘ખાસ-ખબર’ વધુ રોચક, વધુ પોઝિટિવ અને મજેદાર તથા આક્રમક હશે.