રાજકોટના રેલનગર અને બજરંગવાડીમાં તસ્કરોનો તરખાટ,જલયાણ પાર્કમાં વૃધ્ધ દંપતીના મકાનમાંથી 2.95 લાખની ચોરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પોલીસના નબળા પેટ્રોલિંગ વચ્ચે ચોરીના વધુ બે બનાવ બનવા પામ્યા છે શહેરના રેલનગરમાં અવધ બંગલોમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરો ચોરી કરી ગયાની જાણ થતાં પ્રનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો જ્યારે બજરંગવાડીમાં વૃધ્ધ દંપતિના બંધ મકાનના તાળા તોડી તસ્કરો 2.95 લાખની મતા ઉસેડી જતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના રેલનગરમાં આવે અવધ બંગલોમાં આવેલ 23 નંબરના મકાનના તાળાં તોડી ચોરી થયાની કંટ્રોલમાં જાણ કરતાં પ્રનગર પોલીસ મથકના પીઆઈ ગોંડલીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આ મકાન માલિક તેની દીકરીના લગ્ન કરવા અર્થે વતન મોટી મોણપરી ગામે ગયા હોય પાછળથી બંધ મકાન અંગે બુ આવતા તસ્કરોએ ચોરી કરી કરી હોવાનું જાણવા મળ્યું છે જો કે મકાનમાલિક રાજકોટ આવવા નીકળી ગયા છે તે આવ્યા બાદ જ તસ્કરો કેટલી મતા ચોરી કરી ગયા છે તે જાણવા મળશે.
જ્યારે શહેરના જલ્યાણ પાર્કમાં રહેતા જયંતીલાલ કેશવલાલ શર્મા ઉ.65 નામના વૃદ્ધએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજસ્થાનનું ચિતોડગઢ અમારું વતન હોય ત્યાં રહેતા માતા બીમાર હોય જેથી હું અને પત્ની 26 નવેમ્બરના રોજ ત્યાં ગયા હતા અને ચાવી પાડોશી ગંભીરસિહને આપી હતી પાડોશીએ ગત 4 તારીખે ફોન કરી તાળા તૂટેલા છે તેવું જણાવતા હું રાજકોટ આવ્યો હતો અને આવીને જોતા રૂમ અને કબાટના તાળા તૂટેલા હતા તેમજ કબાટમાંથી સોનાનો સેટ, સોનાની બુટી, ચાંદીનો ચેઈન, એક જોડી ચાંદીના પાયલ, સોનાની છ વીટી, ચાંદીના કડા, ચાંદીની લક્કી, સોનાની વાળી, સોનાના બે ચેઈન, એક સોનાનું ઓમ, ચાંદીના 4 ગ્લાસ અને 15 હજાર રોકડ સહીત 2,95,200ની મતા ચોરી થઇ ગઈ હોય ફરિયાદ નોંધાવી હતી ગત 3 તારીખ સુધી તાળા હેમખેમ હતા તે પછી ચોરી થઇ હોય પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.