નગરપાલિકાની હેલ્પલાઈનનો ફિયાસ્કો: પાણી માટે રસ્તા પર ઉતરવાની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાની વિદાય થયા બાદ શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં હળવદ શહેરમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જો શિયાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાય તો પછી ઉનાળામાં લોકોને પાણી માટે વલખા મારવા પડશે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. હળવદ શહેરની રઘુનંદન સોસાયટીમાં મહિલાઓએ પાણી માટે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં નિભંર તંત્રએ લોકોનો અવાજ નહીં સાંભળતા મહિલાઓએ આગામી દિવસોમાં પાણી માટે રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે મહિલાઓએ જણાવ્યું છે કે, છેલ્લા 12 મહિનાથી પાણીની સમસ્યા છે અને પાણી માટે ટાંકા મંગાવવા પડે છે. નગરપાલિકા વેરા ઉઘરાવે છે પરંતુ પાણીની સુવિધા આપતી નથી. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદીન સુધી સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી હવે અમને પણ નગરપાલિકાએ જતા શરમ આવી રહી છે. આ સાથે જ મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણીની સાથે કચરાની ગાડી પણ આવતી નથી અને સોસાયટીમાં ગંદકી થાય છે જેથી કરીને રોગચાળાનો વકરવાનો ભય રહે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, રઘુનંદન સોસાયટીમાં પાણીની સમસ્યાનો હલ ક્યારે આવે છે ! જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં મહિલાઓએ રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.