ભગવાન શિવનો વિસ્તીર્ણ પ્રકાશ છે અને એ જ પ્રકાશ વિશ્ર્વનાં તમામ જીવાત્માઓની અંદર રહેલો છે
– ડૉ. શરદ ઠાકર
જ્યાં સુધી મનુષ્યની દૃષ્ટિ પૂર્ણપણે ઊઘડી ગઈ નથી, ત્યાં સુધી તે જગતને માયાના સ્વરૂપમાં જુએ છે. પરંતુ જ્યારે તેને આત્મા અને પરમાત્માનો અદ્વૈતભાવ સમજાઈ જાય છે, ત્યારે તેની વિચારધારા સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
મહાન ભક્ત કવિ તુકારામ કહી ગયા છે, “અંતિમ સત્ય સમજાઈ ગયા પછી મને આ જગત એ જગત ભાસતું નથી. હું માનું છું કે આ આખુંય જગત બ્રહ્મસ્વરૂપ છે, જે પરમ શિવતત્ત્વનો ચેતોવિસ્તાર છે, એનો વિલાસ છે. આ વિશ્ર્વએ ભગવાન શિવનો વિસ્તીર્ણ પ્રકાશ છે અને એ જ પ્રકાશ વિશ્વનાં તમામ જીવાત્માઓની અંદર રહેલો છે. આ વિશ્ર્વ એ બીજું કશું જ નથી પરંતુ સર્વોચ્ચશક્તિ અને પરમતત્ત્વ એ બન્નેનાં મિલનનો વિસ્તાર માત્ર છે.”
બીજા એક સંતકવિએ કહ્યું છે, “હું માનું છું કે જગતનાં તમામ વિરાટકાય અને સૂક્ષ્મદેહી પ્રાણીઓ, પક્ષીઓ અને જળચરો આ બધાં હકીકતમાં એક જ છે.
- Advertisement -
મારી દૃષ્ટિએ તમામ પ્રાણીઓ વચ્ચેનો ભેદ ઓગળી ગયો છે. મને જગતમાં તમામ જીવોમાં માત્ર ભગવાન શિવ જ દેખાય છે.”
આ જગત માત્ર એવું જ દેખાય છે, જેવું તમે તેને માનો છો, સમજો છો, સ્વીકારો છો અને જુઓ છો. જો તમારી દૃષ્ટિ દિવ્ય બની જાય તો આ જગત તમને પહેલાનાં જેવું નહિ લાગે. માટે જ શૈવમત એવું માને છે કે: જે હું છું, તે જ તમે છો અને તે જ બીજા બધાં છે ! જો કોઈ મારી પ્રશંસા કરે છે, તો મારે એવું માનવાનું કે તેનામાં રહેલો હું જ, મને પોતાને વખાણી રહ્યો છું. જો કોઈ મારી નિંદા કરે છે, ટીકા કરે છે અથવા મારા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરે છે તો હું માનું છું, કે તેમનામાં રહેલો હું જ મારાથી નારાજ છું અને મને નિંદી રહ્યો છું.
જો આ શાશ્ર્વત સત્ય સમજાઈ જશે તો જગતમાં તમારી દૃષ્ટિમાં કોઈ તમારું વિરોધી કે દુશ્મન નહિ રહે.