કોઈપણ જાતની નોટીસ વગર દસ્તાવેજ નોંધણી બંધ થતા મિલ્કત ધારકોની હાલત કફોડી
સ્ટેમ્પ પેપર પર મિલ્કત વેચાણ કરવા લોકો મજબુર : વ્યવહારૂ ઉકેલ લાવવા કલેકટરને રજુઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નં.3માં આવેલ રેફયુજી કોલોની (સીંધી કોલોની) તરીકે ઓળખાતા કવાર્ટરોના દસ્તાવેજ તંત્ર દ્વારા અઢી વર્ષથી એકાએક બંધ કરી દેવાતા આ વિસ્તારના રહીશોમાં મોટો દેકારો બોલી ગયો છે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે રહીશો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
કલેકટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારના રહીશોને કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર તંત્ર દ્વારા કવાર્ટરોના દસ્તાવેજની નોંધણી છેલ્લા અઢી વર્ષથી એકાએક બંધ કરી દેવામાં આવી છે જેના પગલે કવાર્ટરો વેંચવા ઈચ્છતા મિલ્કત ધારકોની હાલત કફોડી બની ગઈ છે મિલ્કત ધારકોને હાલ સ્ટેમ્પ પેપર પર જ લખાણ કરી કવાર્ટરો વેંચવાની ફરજ પડી રહી છે છેલ્લા અઢી વર્ષથી આ મિલ્કતોના દસ્તાવેજો નોંધવાનું સરકાર દ્વારા કોઈપણ કારણ બતાવ્યા વગર સીધુ બંધ કરી દેવામાં આવેલ છે આ અંગે કોઈપણ પ્રકારની નોટીસ પણ આપવામાં આવેલ નથી. તો દસ્તાવેજ નોંધણી કયાં કારણોસર કોના આદેશથી બંધ કરી દેવામાં આવી છે ? તેવો પ્રશ્ન ઉઠાવી આ આગેવાનોએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે રેફયુજી કોલોનીના કવાર્ટરોની દસ્તાવેજ નોંધણી અચાનક જ બંધ થતા આ વિસ્તારમાં વસવાટ કરતા મિલ્કત ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રેફયુજી કોલોની વિસ્તારમાં 267 જેટલા કવાર્ટરો આવેલ છે અને આ વિસ્તારમાં 5000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્ને વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવે તેમ આગેવાનો દિલીપભાઈ આસવાણી, હાસાનંદ મામતાણી, દીપકભાઈ સાદિજા, અશોકભાઈ શર્મા સહિતનાએ માંગ કરી છે.



