ક્ષતિ ધ્યાને આવતા આ પિલરનો ઉપરનો ભાગ પાડીને ફરીથી નવો બનાવવા કોન્ટ્રાકટરને માર્ગ અને મકાન વિભાગનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબીમાં નટરાજ ફાટક ઓવર બ્રિજની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટરની રીતસરની બેદરકારીના કારણે નવા ઓવરબ્રિજમાં એક પિલરનો ઉપરનો ભાગ ખસીને નમી ગયો હતો. જોકે આ બેદરકારી ભરી ક્ષતિ ધ્યાને આવતા જ માર્ગ અને મકાન વિભાગે આ ભાગ તોડી પાડી નવેસરથી તેનું કામ કરવાનો કોન્ટ્રાકટરને આદેશ કર્યો છે.
- Advertisement -
મોરબીના નટરાજ ફાટકે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કેસરબાગ પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે. આ ઓવરબ્રિજનું કામ અમદાવાદની રણજીત ક્ધસ્ટ્રક્શન કંપની કરી રહી છે. હાલમાં આ ઓવર બ્રિજમાં મહત્વના પિલરો ઉભા કરવાની કામગીરી પૂજોશમાં ચાલી રહી છે. પરંતુ તાજેતરમાં પિલરના કોંક્રિટથી ભરેલા ઉપરનો ભાગ નમી ગયાની ઘટના બની હતી. પુલના શરૂઆતના કામમાં જ મહત્વના પિલર કે જેના પર સમગ્ર પુલ ઊભો રહે છે તેની જ કામગીરીમાં કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે અમારી ચકાસણી દરમિયાન માલુમ પડ્યું કે લોકેશન નં.પીએમ 5ના પિલર ઉપરના ભાગે એલાયમેન્ટ ખસી ગયું છે. જેથી કોન્ટ્રાકટરને આ ભાગ પાડી નાખી ફરીથી કેપ કાસ્ટિંગ કરવાનો આદેશ જારી કર્યો છે. ઉપરાંત આવી ભૂલ ફરીથી ન થાય તેની તાકીદ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે મોરબી બાયપાસ ઉપર નવલખી ફાટકે બનાવવામાં આવેલ ઓવરબ્રિમાંથી અગાઉ અનેકવાર સ્લરી પોપડા ખરવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે આ ઓવર બ્રિજમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે તંત્ર અને સ્થાનિક આગેવાનો વધુ સજાગ બને તે અત્યંત જરૂરી છે.