લેખ લખતી વખતે આંગળીઓ ધ્રુજી રહી છે આજે! રૂંવાડા ઉભા થઈ ગયા છે.
મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
કેટલાક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ. પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!
રોમાંચની લહેરખી શરીરમાંથી વીજળીની માફક પસાર થઈ રહી છે. એવું લાગી રહ્યું છે જાણે આજુબાજુના વિશ્વમાં સૂનકાર વ્યાપી ગયો છે. અસ્તિત્વવિહીન ‘સ્વ’ની અનુભૂતિ થઈ રહી છે, કારણકે સબ્જેક્ટ જ એટલો ગૂઢ અને માર્મિક છે : કૈલાસ! આદિકાળથી માનવસમુદાયના ઉત્થાનનો સાક્ષી બનેલો આ પર્વત હિંદુ ધર્મ માટે સૌથી પાવન તીર્થ છે. ત્રિકાળદર્શી દેવાધિદેવ મહાદેવનું એ રહેઠાણ છે, યોગસ્થળ છે. અત્યંત નિખાલસતા સાથે હું આજે એક હકીકતની કબૂલાત કરવા માંગુ છું. કૈલાસ વિશે સંશોધન કરવાની શરૂઆત કરી ત્યારે ઘણું બધું એવું સાહિત્ય (ઓનલાઇન-ઓફ્ફલાઇન) વાંચવામાં આવ્યું, જેમાં સમાવિષ્ટ થયેલી વિગતો એકદમ જૂની અને બહુ જ ચવાઈ ગયેલી હતી. પરંતુ વાચકોને કંઈક જૂદું પીરસવાની મહેચ્છાને કારણે રીસર્ચ આગળ ધપતું ગયું અને ત્યારબાદ જે પ્રકારની માહિતીઓ નજરમાં આવી એ કંપાવનારી છે, આશ્ચર્ય પેદા કરે એવી છે. બીજી એક ખાસ વાત એ પણ છે કે, આ લેખને તૈયાર કરવા માટે બબ્બે વખત કૈલાસ-માનસરોવરની યાત્રા પર જઈ આવેલા જામનગરના વતની અજય ભટ્ટની ખૂબ મદદ મળી છે. બહુ જ મોકળા મને એમણે એમના પોતાના અનુભવો, સાક્ષાત્કારો, ચમત્કારો મારી સાથે વહેંચ્યા. કૈલાસની ભૌગોલિક સ્થિતિ અને યાત્રિકોની શ્રદ્ધા સાથે ઘેર બેઠા પરિચિત કરાવવા પાછળ એમનો ઘણો જ મોટો ફાળો રહ્યો.
- Advertisement -
દરિયાની સપાટીથી 6718 મીટરની ઊંચાઈ પર આવેલા તિબેટના કૈલાસ પર્વતને હિંદુ, બુદ્ધ અને જૈન ધર્મના લોકો અત્યંત પૂજનીય ગણે છે. આજદિન સુધીમાં એકપણ વ્યક્તિ કૈલાસની ટોચ પર નથી પહોંચી શકી. એવું કહેવાય છે કે, જેમણે કૈલાસ પર છેક સુધી ચડવાની કોશિશ કરી છે તેઓ મૃત્યુને આધીન થયા છે. આ કારણોસર જ ચીનની સરકારે કૈલાસ પર્વતની ટોચ સુધી પહોંચવાની કોશિશોને વિરામ આપવાનું નક્કી કરી લીધું છે. આજની તારીખે કોઈ પણ સાહસિક વ્યક્તિ ઇચ્છે, તો પણ પર્વત ન ચઢી શકે એ માટે ચીની સરકારે ચઢાણ માટેની સદંતર મનાઈ ફરમાવી દીધી છે.
રશિયનોને પણ ભારતીયોની જેમ પર્વતો માટે બહુ જ લગાવ રહ્યો છે. તેઓ ઘણા વર્ષોથી વિશ્વના અલગ અલગ રહસ્યમય પર્વતો પર સંશોધનો આદરી રહ્યા છે. એવું કહેવાય છે કે, ઓગણીસમી અને વીસમી સદીમાં પુષ્કળ રશિયનોએ કૈલાસ પર્વતની ટોચ પર પહોંચવાની કોશિશ કરી, પરંતુ કોઈક અગમ્ય કારણોસર તેઓ લાપતા થઈ ગયા. તેમનો કોઈ પતો મેળવી શકાયો નથી. હવામાં ફેલાતા ધુમાડાની માફક તેમનું અસ્તિત્વ કૈલાસની વાદીઓમાં ક્યાંક ઓગળી ગયું છે! સાઈબિરિયન પર્વતારોહકના જણાવ્યાનુસાર, એક વખત કોઈક આખા સમૂહ (ગ્રુપ) દ્વારા કૈલાસ પર્વત ચઢવાની કોશિશ કરવામાં આવી હતી. તેઓ નિશ્ચિત કરેલા બિંદુથી આગળ તો વધ્યા, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમની ઉંમર અચાનક વધી ગઈ! ભર જવાનીમાં તેઓ વૃદ્ધ થઈ ગયા. માથા પર સફેદ વાળથી માંડીને શરીર પર કરચલીઓ આવી ગઈ. ફક્ત એક જ વર્ષની અંદર તેઓ મૃત્યુ પામ્યા! આ ઘટનાની પાછળ છુપાયેલી હકીકત કે તર્ક વિશે કોઈને કશો જ અંદાજ નથી!
અચ્છા, કેટલાક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ. પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!
- Advertisement -
1999ની સાલમાં રશિયન ઓફ્થેલ્મોલોજિસ્ટ (આંખના નિષ્ણાંત) અર્નસ્ટ મુલ્દાશેવે તિબેટ જઈને કૈલાસ પર સંશોધનો કરવાનું નક્કી કર્યુ.
ભૂસ્તરશાસ્ત્ર, ભૈતિક વિજ્ઞાન અને ઈતિહાસના નિષ્ણાંતોથી ભરેલી એમની ટીમનો હેતુ સ્પષ્ટ હતો : કૈલાસ પર્વતમાળામાં છુપાયેલા ગર્ભિત રહસ્યો શોધી કાઢવા! કેટલાય મહિનાઓ સુધી એમણે તિબેટિયન લામા સાધુ સાથે વસવાટ કર્યો, કૈલાસ પર્વતની અથથી ઈતિ સમજવાની કોશિશ કરી અને તેની તળેટીમાં રહીને સંશોધનો કર્યા. લાંબા સમયની શોધખોળને અંતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે કૈલાસ એ વાસ્તવમાં પૌરાણિક કાળમાં માણસ દ્વારા બનાવાયેલો એક પિરામિડ છે, જેની આસપાસ બીજા ઘણા નાના-મોટા પિરામિડ્સનું અસ્તિત્વ છે. તદુપરાંત, કૈલાસ એ તમામ પ્રકારની પરાલૌકિક શક્તિઓનું કેન્દ્રસ્થાન હોવું જોઈએ!
મુલ્દાશેવ દ્વારા પ્રકાશિત થયેલા એકેડેમિક પેપરમાં તેમણે આ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે પોતે અને તેઓની ટીમે ઘણી વખત કૈલાસના નાભિસ્થાનમાંથી આવતા અવાજો સાંભળ્યા હતા. અડધી રાત્રે સંભળાતો એ નાદ ઘણો જ જુદા પ્રકારનો અને રહસ્યમયી હતો. એક રાત્રે તો એવું પણ બન્યું કે ટીમના બધા જ સભ્યોએ પર્વતના વચલા વિસ્તારમાંથી અંદરખાને પથ્થરો ગબડતા હોય એવા અવાજ સાંભળ્યા. તેમને એવું પ્રતીત થયું જાણે કૈલાસ નામના આ વિશાળ પિરામિડની અંદર હજુ પણ ક્યાંક માનવ-વસવાટ હોવો જોઈએ, જે સદીઓથી ત્યાં છુપાઈને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે! મુલ્દાશેવ આ અંતર્ગત જણાવે છે કે, તિબેટિયન સાહિત્યોમાં પણ કૈલાસની ઉત્તર-પશ્ચિમે આવેલા સંભાલાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવું મારા માટે મુશ્કેલ છે. હા, એટલું ખરું કે અમને જે પુરાવાઓ મળ્યા એના પરથી એટલું તો કહી જ શકાય કે કૈલાસમાં અમુક રહસ્યમયી માનવ-વસ્તી આદિકાળથી વસવાટ ધરાવતી હોવી જોઈએ. આ ઉપરાંત, તેમણે કૈલાસ પર્વતના સમગ્ર સ્ટ્રક્ચરને માનવના ડીએનએ (રંગસૂત્રની જોડ) સાથે સરખાવ્યું છે!
અજય ભટ્ટ સાથેની વાતચીતમાં એક મહત્વપૂર્ણ વાત એ જાણવા મળી કે, કૈલાસ માનસરોવરની યાત્રાની શરૂઆતમાં જ પ્રત્યેક શ્રદ્ધાળુઓને એક રૂદ્રાક્ષ માળા આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ માળા સમગ્ર યાત્રા દરમિયાન એમનું બાધાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. એમનો સ્વાનુભવ એવો રહ્યો છે કે કૈલાસ યાત્રા દરમિયાન ઘણા યાત્રિકોને શ્વાસોચ્છવાસમાં ઓક્સિજનની કમી વર્તાય છે. પરંતુ એક સમય એવો આવે છે, જ્યારે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા જ એમને ભયમુક્ત બનાવીને આગળ વધવા પ્રેરે છે. કૈલાસ પર્વતનું અલૌકિકપણું આશ્ચર્ય પેદા કરે એવું છે. ઘણા યાત્રિકોને પર્વતમાળામાં સ્વયં મહાદેવના બંને નયનના દર્શન થયાના દાખલા નોંધાયા છે. નટરાજ સ્વયં આવીને આશીર્વાદ આપતા હોય એવા પ્રકારની અનુભૂતિ અહીં સામાન્ય છે!
પોતાનો અનુભવ મારી સાથે વહેંચતી વખતે અજય ભટ્ટ કહે છે, ‘કૈલાસ એક અનુભૂતિ છે! શૈવત્વને સમર્પિત થઈને સમગ્રમાં એકાકાર થઈ જવા સુધીની યાત્રા! કૈલાસ પ્રવાસ શરૂ કરો એ વખતે બની શકે કે અનેક પડકારો નજર સમક્ષ ઉભા હોય. પરિવારની ચિંતાથી માંડીને એ યાત્રા પરથી કદી ય પરત ન ફરી શકવાની ચિંતા પણ એમાં સામેલ હોય છે. યમદ્વાર પાસે પહોંચો ત્યારે ખરેખર એવું લાગે જાણે મૃત્યુની સાવ સમીપ પહોંચી ગયા છીએ. કહેવાય છે કે, કૈલાસ સુધી પહોંચવા માટે નવો જન્મ લેવો પડે છે. યમદ્વારમાંથી પસાર થયા બાદ માણસનો બીજો જન્મ થાય છે એમ હિંદુ ધર્મનું કહેવું છે. એવી માન્યતા છે કે યમદ્વાર ઓળંગી જનારા શ્રદ્ધાળુઓની બાકીની યાત્રા અત્યંત સુખદ અને સ્વાસ્થ્યપ્રદ નીવડે છે. તેમની મુશ્કેલીઓ જાણે ભગવાન શિવ પોતે ઓછી કરી રહ્યા હોય એવો અનુભવ થવા લાગે છે. અને હા, કોઈ પણ અપવિત્ર આત્મા ક્યારે ય યમદ્વાર પાર કરીને આગળની યાત્રામાં જોડાઈ નથી શકતો!’
કૈલાસના પિરામિડ હોવાના મતમતાંતરો દાયકાઓથી જોવા મળે છે. મુંબઈના જાણીતા સંસ્કૃત વિશેષજ્ઞ મોહન ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, રામાયણમાં પણ કૈલાસને પિરામિડ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણા વેદોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે. મુલ્દાશેવે પોતાના સંશોધનોમાં વર્ણવ્યું હતું કે આ પિરામિડની રચના પૌરાણિક કાળના અત્યંત એડવાન્સ્ડ ટેક્નોલોજી ધરાવતાં લોકોએ કરી હોવી જોઈએ એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ ચીનની સરકારે મુલ્દાશેવની આ થિયરીને વખોડી કાઢી હતી. અસલી વાત હવે શરૂ થાય છે. કૈલાસ પર સંશોધન કરીને આવ્યા બાદ ફક્ત એક વર્ષની અંદર મુલ્દાશેવે એક એવી ખોજ કરી, જેણે આધુનિક ચિકિત્સાની પદ્ધતિને નવી દિશા પ્રદાન કરી. પોતાની હોસ્પિટલમાં તેમણે એક આંધળી સ્ત્રીની આંખોનું ઑપરેશન કર્યુ, જેમાં કોર્નિયા (આંખનો પારદર્શક પડદો) અને રેટિના (નેત્રપટલ)નો સહારો લેવામાં આવ્યો. ઉપરાંત, મેડિકલ ટર્મમાં જેને ‘એલ્લોપ્લાન્ટ’ કહે છે, એવા આંખ માટે જરૂરી એવા ભાગને રાસાયણિક પ્રયોગો થકી માણસના સડી ગયેલા માંસમાંથી બનાવ્યો! આ ઘટના સામાન્ય મેડિકલ જગત માટે ચોંકાવનારી હતી.
વિશ્વની મહાસત્તાઓએ ભારતના ઘણા રહસ્યોને દાબી દેવાની અને પોતાના દેશ માટે ઉપયોગમાં લેવાની ભૂતકાળમાં ઘણી કોશિશ કરી છે. રશિયન સંશોધકના આ પ્રયોગને પણ યુ.કે. ગવર્નમેન્ટ તરફથી નકારી દેવામાં આવ્યો. તેને કોઈ માન્યતા પ્રાપ્ત ન થઈ. 1948ની સાલમાં જન્મેલા મુલ્દાશેવ રશિયાના યુફા (ઞઋઅ)માં હજુ આજે પણ ‘એલ્લોપ્લાન્ટ રશિયન આઈ અને પ્લાસ્ટિક સર્જરી’ નામે એક મેડિકલ સેન્ટર ચલાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મુલ્દાશેવને આ પ્રેરણા કૈલાસના પર્વતોમાંથી મળી હતી!