રાજ્ય સંચાલિત યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલને બદલે મુખ્યમંત્રી બનશે તેવું 182 ધારાસભ્યોના સમર્થનવાળું બિલ વિધાનસભામાં પસાર
આ બિલના કારણે ફરીથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે ઘર્ષણ થશે
- Advertisement -
પશ્વિમ બંગાળમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. યુનિવર્સિટીના ચાન્સલર રાજ્યપાલને બદલે મુખ્યમંત્રી બનશે. એ માટે પશ્વિમ બંગાળની વિધાનસભામાં એક ખાસ બિલ પસાર થયું હતું. વિધાનસભામાં શિક્ષણ મંત્રી બ્રત્ય બાસુએ એક બિલ રજૂ કર્યું હતું, એ બિલની જોગવાઈ પ્રમાણે હવે રાજ્ય સંચાલિત યુનિવર્સિટીના ચાન્સલર રાજ્યપાલને બદલે મુખ્યમંત્રી બનશે. આ બિલના સમર્થનમાં ૧૮૨ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ૪૦ ધારાસભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. વિપક્ષ ભાજપના હોબાળા વચ્ચે આ બિલ પસાર થયું હતું. વિધાનસભાની મંજૂરી પછી હવે રાજ્યની યુનિવર્સિટીઓના વડા મુખ્યમંત્રી રહેશે.
પશ્વિમ બંગાળના શિક્ષણ મંત્રીએ બિલ રજૂ કરતી વખતે તર્ક આપ્યો હતો કે જો કેન્દ્રીય વિદ્યાલય-વિશ્વભારતીના ચાન્સેલર વડાપ્રધાન બની શકતા હોય તો પછી મુખ્યમંત્રી રાજ્યની યુનિવર્સિટીના ચાન્સલર કેમ બની ન શકે?
નવા કાયદા પછી પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યની ડઝનેક યુનિવર્સિટીના ચાન્સલર બની જશે. અત્યારે આ યુનિવર્સિટીઝના ચાન્સલર રાજ્યપાલ જગદીપ ધનખડ છે. પશ્વિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ઘણાં સમયથી વિવિધ મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસની સરકાર રાજ્યપાલ પર કેન્દ્રના ઈશારે મુખ્યમંત્રીને પરેશાન કરતા હોવાનો આરોપ મૂકે છે. મતભેદો વચ્ચે પસાર થયેલા આ બિલના કારણે ફરીથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે ઘર્ષણ થશે.