જામનગર રોડ પર ઝુપડપટ્ટીમાં રહેતી ટોળકી પાસેથી 3.32 લાખનો મુદામાલ કબ્જે
સવારે કચરો વીણવા જવાના બહાને રેકી કરી રાત્રે ગુનાને અંજામ આપ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં ગત 4 તારીખે રાત્રીના લૂંટને અંજામ આપનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જામનગર રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ 3.32 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે બપોરે કચરો વીણવાના બહાને રેકી કરી રાત્રે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.
- Advertisement -
સમગ્ર ઘટના અને ડિટેક્શન અંગે રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જંકશન પોલીસ ચોકીની પાછળ ગાયકવાડીમાં રહેતાં દેવાશીષભાઈ ચક્રવર્તી ઉ.48એ ત્રણ અજાણ્યા શખ્સો સામે દોઢ લાખની માતાની બંગડીની લૂંટ અંગે પ્રનગર પોલીસમાં નોંધાવેલ ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ગત તારીખ 04.10.2025ના રોજ રાત્રીના કોઈ અજાણ્યા ત્રણ શખ્સો ઘરની બહાર આટા મારતા હતા પછી તેઓએ પાણી માંગ્યું હતું અને રૂમમાં ઘુસી ઝપાઝપી કરી ધકો મારીને નીચે પછાડી દઈ છરીની અણીએ માતાની સોનાની બંગડીની લૂંટ ચલાવી હતી
પોલીસે આ ઘટના પછી અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાળવણી રાહબરીમાં પીએસઆઈ ડોડીયા, પરમાર અને ચુડાસમાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ રાજકોટ જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા રવિ રમેશ આધોજીયા, વલ્લભ મનજી વાજલીયા અને સંજય રાયધન વાઘેલાની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતા પોપટ બની ગયેલ ત્રિપુટીએ ગુનો આચર્યાની કબૂલાત આપી હતી આરોપીઓની અંગ ઝડતી લેતા તેની પાસેથી લૂંટમાં ગયેલ સોનાની બંગડી કિંમત 2.27 લાખ મળી આવતા પોલીસે દાગીના અને ગુનામાં ઉપયોગમાં લીધેલી એક રીક્ષા તથા લૂંટમાં વપરાયેલ છરી સહીત 3.32 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો લૂંટને અંજામ આપ્યો એ દિવસે સવારના સમયે આ જ વિસ્તારમાં કચરો વીણવા માટે ગયા હતા અને રેકી કરી હતી આ દરમિયાન વૃદ્ધા એકલા જોવા મળતા લૂંટનો પ્લાન બનાવી રાત્રીના સમયે લૂંટને અંજામ આપ્યો હતો પકડાયેલ આરોપીઓ પૈકી સંજય વાઘેલા વિરુધ્ધ રાજકોટ, અમરેલી અને જામનગરમાં અલગ-અલગ 3 ગુના નોંધાઈ ચુક્યા છે જ્યારે આરોપી વલ્લભ વાજલીયા વિરુધ્ધ 2008માં જામખંભાળીયા ખાતે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.