મસાજ કરાવવાના બહાને યુવતીએ બોલાવ્યો, બે શખ્સોએ પોલીસની ઓળખ આપી કળા કરી, ગાંજાના કેસમાં ફિટ કરી દેશું કહી ધમકી આપી : સસ્પેન્ડ હોમગાર્ડ સહિત બે ઝબ્બે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વેપારીને મસાજના બહાને મહિલાએ બોલાવ્યા બાદ તેના બે સાગરીતે પોલીસની ઓળખ આપી ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.6.77 લાખની રકમ પડાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવને આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે તુરંત પોલીસની ઓળખ આપનાર અરવિંદ ગજેરા અને કિશન કુશ્વાહને ઝડપી લઇ સકંજામાં લીધા છે બે પૈકી એક સસ્પેન્ડ હોમગાર્ડ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મહિલાને પકડવા તજવીજ હાથ ધરી છે.
કોઠારિયાના રામનગરમાં રહેતા અને પાન, બીડી, તમાકુની એજન્સી ધરાવતા હસમુખ દુદાભાઇ રૈયાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 17 તારીખે સવારે અજાણ્યા નંબર પરથી એક મહિલાનો ફોન આવ્યો હતો અને હું તમારા સમાજની જ દીકરી છું તમે સેવાનું કામ કરો છો તેવી વાત કર્યા પછી આખો દિવસ મીઠી મીઠી વાતો કરી હતી. બીજા દિવસે તેને મસાજ કરાવવાના બહાને ગવરીદળ બોલાવ્યો હતો. પોતે રાત્રીના ત્યાં જતા મોઢે ચૂંદડી બાંધેલી મહિલા આવી હતી અને તેના વાહનમાં બેસાડી મોરબી રોડ તરફ લઇ ગઇ હતી. થોડે આગળ એક શેરીમાં મકાન પાસે પહોંચતા બે શખ્સ દોડી આવી બળજબરીથી મકાનની અંદર લઇ જઇ માર માર્યો હતો. મારવાનું કારણ પૂછતા અમે પોલીસ છીએ આ મહિલા (મનિષા) ગાંજો વેચે છે, અને તું એનો ભાગીદાર છો તેમ કહી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. બંને શખ્સે તમામ કપડાં ઉતરાવડાવી તેના મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો અને તારે આ ગાંજાના કેસમાંથી બચવું હોય તો ત્રણ લાખ આપવા પડશે નહિતર ગાંજાના કેસમાં ફિટ કરી દેશુંની ધમકી આપી હતી.
બાદમાં તેના બાઇકમાં બેસાડી કુવાડવા રોડ પરના એક એટીએમ રૂમ લઇ જઇ 15 હજાર ઉપાડી લઇ કાર્ડ તેની પાસે રાખ્યું હતું. બાદમાં પોતાને છોડી દીધો હતો. તા.24ની બપોરે ફોન કરી સાહેબને હજુ 30 હજાર આપવાના છે, તારું બધું પૂરું થઇ જશે, તારા ખાતામાં પૈસા નાંખી દેજેની વાત કરી હતી. જેથી પોતાના ખાતામાં પૈસા જમા કરાવી દીધા બાદ તા.25ના તે શખ્સે પોતાના એટીએમ કાર્ડ દ્વારા રકમ ઉપાડી લીધી હતી. દરમિયાન ગત તા.2ના રોજ પોતે ગામડે ગામડે માલ વેચવા જતો હતો.
ત્યારે ગઢકાના પાટિયા પાસે બંને શખ્સે પોતાને આંતર્યો હતો. અને કારમાંથી નીચે ઉતારી તેમના બાઇકમાં બેસાડી ઢાંઢણીના પાટિયા નજીક એક વાડીમાં લઇ ગયા હતા. ત્યાં બંને શખ્સે તારી સાથે જે મહિલા હતી તે મરી ગઇ છે, ગાંજાનો જથ્થો તારો છે, બચવું હોય તો સાહેબને વધુ ત્રણ લાખ આપવાની વાત કરી હતી. જેથી અન્ય એક મિત્રને ફોન કરી તાત્કાલિક ત્રણ લાખ આપવાની વાત કરી હતી.બંને શખ્સ અલગ અલગ સ્થળેથી દોઢ-દોઢ લાખ લઇ આવી પોતાને જ્યાંથી ઉઠાવ્યો હતો. ત્યાં ઉતારી ભાગી ગયા હતા. આમ પોતે હનીટ્રેપમાં ફસાયો હોવાનો ખ્યાલ આવતા પરિવારજનોને વાત કરી અંતે ફરિયાદ નોંધાવી હતી.