રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે 40મા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનો અને ધર્માધ્યક્ષ એવા સ્વામિનારાયણ ગુરુકુળના બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શોભાયાત્રાની ધર્મની ધ્વજાને લહેરાવવામાં આવી હતી અને મુખ્ય રથમાં બાલકૃષ્ણની પ્રતિમાને કંકુ-તિલક કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મવડી ચોકડીથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને સમાપન પેડક રોડ પરના બાલક હનુમાન મંદિર ખાતે થયુ હતુ. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ’ઓપરેશન સિંદૂર’ થીમ પર આધારિત એક ખાસ રથ હતો, જેણે ધર્મ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સમન્વય રજૂ કર્યો હતો. વિવિધ રથો અને મૂર્તિઓથી સુશોભિત આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર 22 કિલોમીટર સુધી ફરી હતી અને ઠેર-ઠેર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ શોભાયાત્રા દરમિયાન રૈયા રોડ પરના બ્રહ્મ સમાજ ચોક ખાતે અશ્વસવારોએ તાલસૂરની ઢબે મનોહર નૃત્ય પ્રદર્શિત કર્યું હતું. આ દરમિયાન મોરલીવાળા મિત્ર મંડળ દ્વારા હોળી અને ગરબા રાસ રમી લોકોને આકર્ષિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘોડેસવારી કરતા યુવાનો પણ જોવા મળ્યા હતા. બાળકોથી લઇ અને વડીલોમાં શોભાયાત્રાનું અનોખું ઘેલું મળ્યું હતું.
જન્માષ્ટમીની 40મી શોભાયાત્રામાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ અને નૃસિંહ પ્રાગટ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા

Follow US
Find US on Social Medias