ઉપલેટાના લાઠ ગામે ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદથી રસ્તા પર નદીઓ વહી: દ્વારકાના કલ્યાણપુરમાં પણ 11 ઈંચથી જળબંબાકાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના લાઠ ગામે આભ ફાટ્યું છે. 3 કલાકમાં અંદાજે 12 ઈંચ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. તો બીજી તરફ કેશોદના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે. તેમજ ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. કલ્યાણપુુરમાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગઇકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કર્યા બાદ આજે વહેલી સવારથી ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી ભારે વરસાદ ખાબક્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા લાઠ ગામમાં ત્રણ કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે. ગામના રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવો માહોલ છે. ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે.
ભારે વરસાદ વરસવાથી અને નદીઓના વહેણ ગામ તરફ વળતા લાઠ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર જાણે કે નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તેવો ભયાવહ નજારો જોવા મળ્યો છે. ગામના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લાઠ ગામની જેમ ઉપલેટાના તલંગાણામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદના કારણે તલંગાણામાં પૂર જેવી સ્થિતિ છે. ઘરોમાં પાણી ઘૂસવા લાગતા લોકોની હાલત કફોડી છે.
- Advertisement -
કલ્યાણપુરના લાંબા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી લાંબા હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેથી વાહનચાલકોને ખુબ હાલાકી પડી છે. લાંબાના નદી-નાળા ફરી છલકાયા છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું છે. ચાર કલાકમાં ધોધમાર 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે તો ઘરોમાં પણ પાણી ભરાયા છે. માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે. બજારોમાં કમરસમાં પાણી ભરાયા છે. ગામમાં નદીઓ વહેતી હોય તેવુ જોવા મળી રહ્યું છે. તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે.