ફાયર ઓફીસર રોહીગ વિગોરાએ મનુષ્યવધની કલમો હટાવવા કરેલી અરજી ફગાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મનુષ્યવધની કલમો હટાવવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ફાયર ઓફીસર રોહીગ વિગોરાએ મનુષ્યવધની કલમો હટાવવા માટે કરેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સરકાર તરફે ખાસ નિયુકત વકીલ તુષાર ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રિમ કોર્ટે માન્ય કર્યો હતો હવે આરોપીઓ સામે હાલમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામા મુજબ મનુષ્યવધનો કેસ ચાલશે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમઝોનમાં ગઈ તા.25/05/2024ના રોજ આગ લાગતા 27 લોકોના મૃત્યુ થયા હતા આ બનાવવાળી જગ્યાનું ફાયર એન.ઓ.સી. લેવામાં ન આવેલ હોવા છતા તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું આ કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. રાજેશ મકવાણા, જયદિપ ચૌધરી, ગૌતમ જોષી, ડે.ચીફ ઓફીસર ભીખા ઠેબા, ધવલ ઠકકર અને નિતીન જૈન દ્વારા કેસમાં ચાર્જફ્રેમ થયા પહેલા કેસમાંથી બિનતહોમત છોડી મુકવા (ડિસ્ચાર્જ) અરજી કરી હતી પરંતુ જે આરોપીનું ગુન્હામાં જે રીતનો સહભાગ છે તે મુજબ જ તેવી કલમો હેઠળ તેમની વિરૂધ્ધ ચાર્જકેમ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે જે પ્રોસીકયુશનની તટસ્થાનો પુરાવો છે ગોકાણીની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલ વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ અદાલત દ્વારા પ્રોસીકયુશન તરફે દરેક આરોપીઓના ગુન્હાહિત કૃત્યના સંદર્ભે તેમની સામે રજૂ થયેલ પુરાવા મુજબ મનુષ્યવધ સહિતની વિવિધ કલમો હેઠળ પ્રથમ દર્શનીય રીતે પુરાવો હોવાનું માની આરોપીઓ વિરૂધ્ધ ચાર્જકેમ કરવાનો હુકમ કરેલ હતો આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ અરજી કરી હતી જે અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરતા આરોપીઓ પૈકી ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરાવી હતી જે અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા સેશન્સ અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામાને ધ્યાને લીધા બાદ ફગાવી દીધી છે.



