ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ તાલાલા ખાંડ ફેક્ટરી 10 મી ડીસેમ્બર થી ફરી ધમધમતી થશે.આ સમાચાર થી તાલાલા પંથકમાં સર્વત્ર ખુશીની લહેર પ્રસરી છે.ગીરના પાટનગર તાલાલા શહેરમાં 1978 માં માત્ર રૂ.3 કરોડના ખર્ચે નવનિર્મિત બનેલ ખાંડ ફેક્ટરી 47 વર્ષ દરમ્યાન સંસ્થાએ 32 વર્ષ શેરડીનું પીલાણ કરી દર વર્ષે અંદાજે બે લાખ ગુણી ખાંડ નું ઉત્પાદન કર્યું હતું.છેલ્લે 2012-13 માં શેરડીનું પીલાણ કર્યું હતું ત્યારબાદ કાચા માલના અભાવે ફેક્ટરી બંધ થઈ ગઈ હતી.આ દરમ્યાન સંસ્થા ઉપર બેંકનું રૂ.41 કરોડ નું કરજ ઉપરાંત કર્મચારીનાં પગાર સાથે કુલ 57 કરોડનું દેવું થઈ ગયું હતું.તાલાલા પંથકમાં આવેલ એકમાત્ર ઉઘોગ જે 12 વર્ષથી બંધ હતો તે પુન: શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી હતી જેના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ સાથે ઈન્ડિયન પોટાશ લી-નવી દિલ્હી(આઈ.પી.એલ) સંસ્થા 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવેલ…કંપનીએ સંસ્થા ઉપરનું કરજ સાથે રૂ.100 કરોડ થી વધુનો ખર્ચ કરી તાલાલા ખાંડ ફેકટરીનો સંપૂર્ણ જીર્ણોધ્ધાર કરતા સંસ્થા ફરી શરૂ થઈ રહી છે.
- Advertisement -
ઇન્ડિયન પોટાશ કંપનીના ચેરમેન પંકજકુમાર બંસલ તાલાલા ખાંડ ફેક્ટરીમાં સ્થાપના થયેલ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ સાહેબની પ્રતિમા તથા એડમીન બિલ્ડીંગ,ગેસ્ટ હાઉસ નું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંપનીના ચેરમેન તાલાલા ખાંડ ફેક્ટરી 10 ડિસેમ્બરે શેરડી પીલાણ કરી ખાંડનું ઉત્પાદન કરશે.આ જાહેરાતને સૌએ વધાવી હતી.તાલાલા ખાંડ ફેક્ટરીમાં આ વર્ષે તાલાલા તથા આજુબાજુ વિસ્તારના ખેડૂતોએ 1830 એકર શેરડી વાવેતર ની નોંધ કરાવી છે.આ વાવેતરમાંથી ઉત્પન્ન થનાર 70 હજાર ટન શેરડીનું 10 ડિસેમ્બર થી પીલાણ શરૂ થશે.સંસ્થા પ્રથમ વર્ષે 70 હજારથી વધુ ગુણી ખાંડ નું ઉત્પાદન કરશે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે.તાલાલા ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થતાં અગણિત લોકોને આજીવિકા પ્રાપ્ત થશે.તાલાલા પંથકની સમૃદ્ધી અને રોનક માં વધારો થશે.તાલાલા પંથકનો સર્વાંગી વિકાસ થશે પરિણામે તાલાલા પંથકમાં સોનાનો સૂરજ ઉગશે.
આ કાર્યક્રમમાં તાલાલા ખાંડ ફેક્ટરીના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા,આઈ.પી.એલ નાં એમ.ડી.ડો.પી.એસ.ગેહલોત,આઈ.પી.એલ નાં મુખ્ય કૃષિ વૈજ્ઞાનિક ડો.યુ.એસ.તેવતીયા,ક્ષેત્રિય કાર્યાલયના મુખ્ય અધિકારી રણવિજયસિંઘ વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે તાલાલા સુગર યુનીટ નાં જનરલ મેનેજર યોગેશકુમાર રાઠી એ સ્વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું.
આઈ.પી.એલ.કિસાનો માટે કામ કરતી દેશની સૌથી મોટી કંપની છે: પવન બંસલ
- Advertisement -
કિસાનો માટે કામ કરતી આઈ.પી.એલ.કંપની દેશની સૌથી મોટી કંપની છે.તાલાલા ખાંડ ફેક્ટરી અત્યારે સુગર અને બાય પ્રોડક્ટ માટે વધુ ધ્યાન આપશે.તાલાલા પંથક વિશાળ બાગાયત વિસ્તાર ધરાવે છે.કેરી તથા નાળીયેરી નાં બગીચા ધ્યાને લઈ કંપની જરૂર પડે મેંગો અને કોકોનેટ માટે પણ વિચારશે.કંપની ઉત્તરપ્રદેશ માં છ,ગુજરાતમાં ત્રણ અને આસામમાં એક કુલ દશ સુગર મીલ ચલાવે છે.કિસાનોનો વધુમાં વધુ ઉત્કર્ષ થાય માટે તેવા ધ્યેય સાથે કંપની કામ કરે છે તેમ કંપનીના ચીફ મેનેજર પવન બંસલે જણાવ્યું હતું.



