નવરાત્રિ એ દેવીના નવ સ્વરૂપોની ઉપાસના, સ્ત્રી જીવનની નવ અવસ્થાઓની વંદના અને સર્વશ્રેષ્ઠ યોગ માર્ગની સાધનાનો સંગમ
કોઇ કહે છે કે નવરાત્રિ એ દેવીનાં વિવિધ નવ સ્વરૂપોની ભક્તિનું પર્વ છે. કોઇ કહે છે કે નવરાત્રિ એ માતાજીનાં નહીં પણ એક સ્ત્રીનાં જીવનની નવ અવસ્થાની વંદનાનું પર્વ છે. યોગ માર્ગ એવું માને છે કે નવરાત્રિ એ દરેક પ્રાણીની અંદર સ્થિત ચિતિશક્તિને જાગ્રત કરવાનું મહાપર્વ છે. આ ચિતિશક્તિ એટલે જ કુંડલિની, જે મૂલાધાર ચક્રમાં સુષુપ્તાવસ્થામાં રહેલી હોય છે. સાડા ત્રણ ગૂંચળાનું કુંડાળું મારીને સૂતેલી હોય છે. શરીરમાં આવેલાં સાતમાંથી છ ચક્રોનાં ભેદન માટે છ નોરતાં ફાળવવામાં આવ્યાં છે. બીજા ત્રણ નોરતાં ત્રણ ગ્રંથિઓનાં ભેદન માટે હોય છે. આ ગ્રંથિઓ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રગ્રંથિ છે. દરેક ગ્રંથિ એક નિશ્ચિત ચક્રમાં બિરાજે છે. આ રીતે નવ નોરતાં પૂરાં થાય છે. એ પછી સાતમા ચક્ર સહસ્રારનાં ભેદન માટે દશેરા નિયત કરવામાં આવ્યાં છે. આ રીતે સપ્તચક્ર અને ત્રણ ગ્રંથિનું ભેદન એટલે જ પરમ વિજયની પ્રાપ્તિ. આને જ વિજયા દશમી કહેવાય. જે મિત્રો ‘મોર્નિંગ મંત્ર’ માત્ર વાંચીને જ સંતુષ્ટ થાય છે એમને શક્તિની આરાધના કરવાથી જે દિવ્ય અનુભૂતિ થાય છે તેની કલ્પના પણ નહીં આવે. બ્રાહ્મમુહૂર્તમાં પવિત્ર મન સાથે સંસારની તમામ નિસ્બત ભૂલીને પૂરા એક કલાક સુધી ધ્યાનમાં બેસીને પ્રાણ અને અપાન સાથે ગુરુમંત્રનો તાલ મેળવવાથી જે ઊર્જા અનુભવાશે તે સંસારના તમામ ભૌતિક સુખોપભોગ કરતાં તમને વધારે આનંદ આપશે. નવરાત્રિના પ્રથમ પાંચ દિવસનો જાતઅનુભવ બોલે છે.