રહસ્યમય રીતે વર્તતી માતાની જિંદગીની પડતાલ પુત્રી લે ત્યારે…
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
ભૂતકાળની નોંધપોથી પરથી જ તમારો વર્તમાન લખાતો હોય છે એવી એક જાણીતો મહાવરો છે. વાત ય સાચી છે. ભૂતકાળના પડછાયાં ક્યારેક લંબાઈને માણસની આજને પણ અંધકાર બનાવી દેતાં હોય છે. અમેરિકાના ર્જ્યોજિયામાં પતિથી અલગ થઈને જુવાન દીકરી સાથે રહેતી લોરા ઓલિવર સ્પીચ થેરાપિસ્ટ છે. બાવન વરસે ય કાર્યરત છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટની હેલ્પલાઈન (નાઈનનાઈનવન) પર કામ કરતી દીકરી એન્ડીને સતત કહેતી રહે છે કે, તે બીજા કોઈ રાજયમાં જઈને પોતાની રીતે ભવિષ્ય કંડારે. આ મુે માતા-પુત્રી વચ્ચે ચણભણ થયા કર છે. ગભરુ એન્ડીને માતાનો આવો આગ્રહ સમજાતો નથી. પોલીસ હેલ્પલાઈનના કોલ રિસીવ કરવાની નાઈટ ડયૂટી ખતમ કરીને આવેલી પુત્રી એન્ડીનો આજ બર્થ ડે હોવાથી માતા લોરા સાથે એ એક ફુડકોર્ટમાં જમવા જાય છે, જયાં એક યુવક એન્ડી તરફ ઘુરક્યા કરતો હોવાનું માતા નોંધે છે પણ…
એ જ વખતે પેલો યુવક ઉભો થઈ તેમની તરફ આવીને ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને તાકે છે, અને એન્ડી-લોરા સાથ વાત કરવા આવેલી ગર્લફ્રેન્ડ તેમજ તેની માતાને વિંધી નાખે છે. ફૂડકોર્ટમાં બધા બધવાઈ જઈને ટેબલ નીચે છૂપાઈ જાય છે પણ હવે એ યુવક જમીન પર ઝૂકી ગયેલાં માતાપુત્રી લોરા-એન્ડી પર નિશાન તાકે છે કારણકે એન્ડીએ પોલીસનો યુનિફોર્મ પહેરી રાખ્યો છે અને…
- Advertisement -
એક દુર્ઘટના પછી લોરા ઓલિવરના હાથે પેલા યુવકની હત્યા થઈ જાય છે અને મિડીયામાં લોરા ઓલિવરની બહાદુરીની વાહ વાહ થતાં, ઘટના સમયના વિડિયો પ્રસારિત થવા લાગે છે… પણ ઓપરેશન પછી ઘેર પાછી ફરેલી લોરા ઓલિવર ઈચ્છે છે કે, હવે દીકરી તેનાથી દૂર ચાલી જાય પરંતુ એન્ડી ઘરે જ મા પાસે રહે છે,એ રાતે ફરી મા-દીકરી પર એટેક થાય છે. એન્ડી હુમલાવરનો પ્રતિકાર કરી માતાને બચાવે છે પણ બચવાના-છૂટવાના પ્રયાસમાં હમલાવર ઘાયલ થઈને બેહોશ બની જાય છે. માતા લોરા ઓલિવર બળજબરીથી પુત્રીને શહેર છોડીને ચોક્કસ સ્થળે જઈ હોટેલમાં પહોંચી જવાનું કહે છે. કમને એન્ડી માતાની વાતને અનુસરે છે પણ માતાએ બતાવેલી જગ્યાએ રાખેલી કારમાંથી એન્ડીને ડોલર ભરેલી બેગ મળે છે, સાથોસાથ માતાના જુદા જુદા નામના આઈ કાર્ડ પણ મળે છે.
એન્ડી હવે ચકરાવે ચઢે છે. તેને માતા લોરા ઓલિવરની એકપણ વાત સમજાતી નથી. વિવિધ નામના માતાના આઈ કાર્ડ, ડોલર ભરેલી બેગ, થઈ રહેલા હુમલા, પોતાના માટેનો માતાનો ડર…. એન્ડી ભેદભરમના આ ચક્રવ્યુહને ભેદવાનો નિર્ણય લે છે અને…
એક જન્મારો ઓછો પડે એવું કન્ટેન્ટ ધરાવતાં ઓટીટી પ્લેટફોર્મ નેટફલિક્સ પર ર0ર1ના અંતમાં સ્ટ્રીમ થયેલી પીસીસ ઓફ હર (તેણીની જિંદગીના વિવિધ ટૂકડાં યા પાસાં) એક નિતાંત અને દિમાગને સતત બિઝી રાખે તેવી રોમાંચક વેબસિરિઝ (હિન્દીમાં પણ) છે.
- Advertisement -
અહીં હિરો કોઈ નથી અને જેની દહેશત માતા-પુત્રીને છે, એ વિલન પણ સાતમા એપિસોડમાં આપણી સમક્ષ સ્પષ્ટ થાય છે.
આઠેક કલાકની અવધિ ધરાવતી પીસીસ ઓફ હર વેબસિરિઝની કહાણી બારામાં વધુ લખીને તમારો રસભંગ નથી કરવો પરંતુ કેરિન સ્લોટર નામની લેખિકાની બુક પરથી છ-છ રાઈટર-ક્રિએટરે સ્ક્રીપ્ટ વર્ક એવું જબ્બરદસ્ત ર્ક્યું છે કે મળતાં દરેક જવાબની સાથે અનેક સવાલ દર્શકોના દિમાગમાં ઉભા થતાં રહે અને એ આગળ જોવા માટે મજબુર થતો રહે. આમ પણ, બાવન વર્ષની પાકટ વય પહોંચેલી સ્ત્રી પોતાના અને દીકરી માટે શા માટે ચિંતિત રહે છે, એ વાત તો પ્રથમ એપિસોડથી જ ઘુંટાવા લાગે છે. માતા લોરા ઓલિવરનું પાત્ર ટોની કલોટે (ધ સિકસ્થ સેન્સ, ત્રિપલ એક્સ ફ્રેન્ચાઈઝીની એક ફિલ્મ વગેરે) પુરી પીઢતાથી ભજવ્યું છે. તેની લાચારી, ડર અને પુત્રી માટેની કાળજી સતત તેના કિરદારમાં તરવરે છે. પુત્રી એન્ડી બનતી બેલા રેથકોટ, જેસિકા બર્ડન પણ સરસ છે. ત્રણ ડઝન જેટલી વેબસિરિઝના બેચાર, બેચાર એપિસોડ ડિરેકટ કરી ચૂકેલી મિન્કી સ્પિરોએ પીસીસ ઓફ હર ના તમામ એપિસોડ એવી રીતે ડિરેકટ ર્ક્યા છે કે તેને સોમાંથી સો માર્ક આપવાનું મન થાય.
– અને એડિટીંગ, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર વિષે લખીને સ્માર્ટનેસ દેખાડનારી પ્રજાતિઓ પૈકીનો શાહનામાનો આ લેખક નથી. જરૂર ન હોવા છતાં આવી વાતો લખીને ખાસ ખબર ની જગ્યા, તમારો સમય બગાડવાની જરૂર લાગતી નથી. જરૂર હશે ત્યારે ચોક્કસ તેનો ઉલ્લેખ થશે.
પીસીસ ઓફ હર તરફ આંગળી ચિંધણું ર્ક્યાનો સંતોષ છે. તમે ય એ આનંદ લેજો.
બ્લડી બ્રધર્સ રોમાંચિક વત્તા રહસ્ય
જલસા મૂવીની જેમ જ બ્લડી બ્રધર્સ પણ રોડ એક્સીડન્ટની અણધારી ઘટના પર જ આધારિત છે. મનાલી જેવા હિલ સ્ટેશન પર રહેતાં બે ભાઈઓ જગજીત ગ્રોવર (જયદીપ અહેલાવત) અને દલજીત ગ્રોવર (મહૌમ્મદ ઝિશાન અય્યુબ) એક પાર્ટી એટેન્ડ કરીને મોડી રાતે ઘરે જતી વખતે એક વયોવૃધ્ધને હડફેટે લઈ લે છે. વકીલ જગજીત ગ્રોવર ઘટનાની ગંભીરતા સમજે છે પણ કાર ડ્રાઈવ કરનારો નાનો ભાઈ અને બુકશોપ ચલાવતો દલજીત ભારે ડિસ્ટર્બ થઈ જાય છે. લાશને રેઢી મૂક્વાની બદલે બન્ને ભાઈઓ એ વયોવૃધ્ધના મૃતદેહને તેના જ ઘરમાં મૂકી આવે છે અને ત્યારે ખબર પડે છે કે હડફેટે ચડીને સ્વર્ગવાસી બનેલા સેમ્યુઅલ (અસરાની) તો કેન્સરથી પીડાતા હતા. આમ પણ તેમની ટિકિટ ગમે ત્યારે ફાટવાની જ હતી… આવું આશ્ર્વાસન લઈને બન્ને ભાઈઓ પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે પણ બીજી સવારે ખબર પડે છે કે દલજીત ઘટનાસ્થળ પોતાનું પર્સ ભૂલી ગયો છે અને… ઝી ફાઈવ પર જોવા મળતી બ્લડી બ્રધર્સ થ્રિલર તો છે જ, પણ તેમાં દરેક પાત્રો સાથે જોડાયેલું રહસ્ય વધારે દિલચશ્પ છે અને એ તમને છેલ્લી પાંચ મિનિટ સુધી જકડી રાખે છે. ગ્રોવર બંધુ બનતાં બન્ને એકટર તો ઉમદા છે જ, પણ મુગ્ધા ગોડસે, સતીશ કૌશિકના પરફોર્મન્સ પણ લિજ્જતદાર છે. છેલ્લી વાત, જલસા ફિલ્મ કરતાં બ્લડી બ્રધર્સ સિરિઝ વધુ વેગીલી અને ક્રિસ્પી છે.