ઇમ્ફાલમાં અપહરણનો પ્રયાસ નિષ્ફળ, ચાર ઉગ્રવાદી ઝડપાયા
૧૬ નવેમ્બરથી સસ્પેન્ડ ઇન્ટરનેટ સેવા વધુ એક દિવસ ઠપ રહેશે, હિંસા-કરફ્યૂ વચ્ચે કેમ્પસમાં પ્લેસમેન્ટ ઘટતા યુવાનો મુંજવણમાં
- Advertisement -
હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે એક કલાક સુધી ગોળીબાર થયો હતો. મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં ૨૫૦થી વધુનો ભોગ લેવાયો છે. હિંસા, કરફ્યૂ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર માઠી અસર પહોંચી રહી છે.
11 નવેમ્બરના રોજ મણિપુરના ઝિરીબામ જિલ્લામાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા 11 કૂકી ઉગ્રવાદીઓના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે રવિવારે ઇમ્ફાલના થાંગડ બાઝાર વિસ્તારમાં બે લોકોના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો, સુરક્ષાદળોએ આ બન્ને લોકોને રેસ્ક્યૂ કરી લીધા હતા જ્યારે પ્રતિબંધિત કાંગલેઇપક કોમ્યુનિસ્ટ પાર્ટીના ચાર ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી ૭ એમએમની પિસ્તોલ અને સાત કારતૂસ અને એક વાહન જપ્ત કરવામાં આવ્યું હતું.
નવ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઇ હતી, જેને નવમી તારીખ સુધી લંબાવવામાં આવી છે. ઇમ્ફાલ અને આસપાસના જિલ્લાઓમાં હિંસા અને ઉગ્રવાદીઓના હુમલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌથી પહેલા ૧૬ નવેમ્બરના રોજ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઇ હતી. ૧૯મી નવેમ્બરના રોજ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત લેવાયો હતો, આ પ્રતિબંધોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વાસ્થ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હતો.
- Advertisement -
મણિપુરના થૌબાલ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારોને જપ્ત કર્યા છે. રાજ્યમાં ગયા વર્ષે મે મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તેની માઠી અસર પહોંચી રહી છે. ખાનગી કંપનીઓ દ્વારા સંસ્થાઓમાં થતા પ્લેસમેન્ટમાં નબળુ પરિણામ સામે આવી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હોવા છતા નોકરી નથી મળી રહી. વારંવાર ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવી, કરફ્યૂ અને હિંસાની ઘટનાઓને પગલે કંપનીઓ ભરતી કરવામાં ઓછો રસ દાખવી રહી છે.