ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જુનાગઢ જીલ્લામાં કાર્યરત લેઉવા પટેલ મહિલા મંડળની કામગીરીને અને સેવાકીય પ્રવૃતિને ધ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
દાતાઓના સહયોગથી જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ જુનાગઢમાં 2011 થી કાર્યરત છે.અલગ અલગ સામાજિક કાર્ય દ્વારા આ સંસ્થાના મુખ્ય સ્થાપક સમૂહ લગ્ન પ્રણેતા અને સમુહ લગ્ન સમિતિના પ્રમુખ અને આગેવાન હરસુખભાઇ વધાસીયાના વડપણ હેઠળ ચાલતી સંસ્થા અને સંસ્થાની જવાબદારી નિભાવતા પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા આ સંસ્થા દ્વારા સર્વ જ્ઞાતિ બહેનોને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપવાનુ કાર્ય કરે છે.એક પણ રૂપિયો લીધા વગર જે બહેનો જરૂર છે એવી બહેનોને આજ સુધીમાં 5500 સુધી વધારે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા છે .તે ઉપરાંત જુનાગઢ, સોમનાથ પોરબંદર અને રાજકોટ જિલ્લાના 400 જેટલા ગામડાઓમાં બેઠકો યોજીને મહિલાને શૈક્ષણિક અને સામાજિક રીતે જાગૃત કરવાના કાર્યો કરેલ છે. આ ઉપરાંત સોરઠ પંથકના વિવિધ ગામોમાં સમૂહ લગ્ન કરીને 2000થી વધુ દીકરીઓને સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાના વડપણ હેઠળ આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. તેમજ 36થી વધુ ગામોમાં સમાજ ભવન બનાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડેલ છે. તેમજ 80 થી વધુ મેડીકલ કેમ્પ યોજેલ છે અને 500થી વધુ આંતરીક સમાધાન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે
આમ, વિવિધ સેવાકીય પ્રવૃતિઓને ધ્યાને લઈને આ સંસ્થાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા ,ઉપપ્રમુખ વિભાબેન ઠુમ્મર, મંત્રી ચાર્મી લકડ ખજાન ડો. પ્રતીક્ષાબેન મોરી, સહ ખજાનચી રેખાબેન હિરપરા અને તેમજ સમૂહ લગ્ન પ્રણેતા હરસુખ વઘાસીયા એવોર્ડ લેવા માટે હાજર રહેલ હતા.



