સનાતની સ્ત્રી અને પુરુષે આ ત્રણ કાર્યોમાં પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ
આ મહાન ભારત દેશની ધરતી પર કેટલાં મોટા પરિવર્તનો આવી ગયા છે! જે દેશની હવામાં મીરાબાઈનાં ભજનો ગુંજતા હતાં ત્યાં અત્યારે શિલા કી જવાની અને બદનામ મુન્નીની બોલબાલા જામી છે. આજની પેઢીને કદાચ ખબર પણ નહીં હોય કે આ દેશ લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષી સન્નારીઓનો દેશ છે. અગત્સ્યના પત્ની લોપામુદ્રા જેવી વિદુષી મહિલા જગતના બીજા કોઈ દેશમાં જન્મી નથી. વેદકાલીન સમયમાં લોપામુદ્રાએ કેટલીક ઋચાઓને જન્મ આપ્યો હતો. વિષ્ણુસહસ્ર નામને પ્રચલિત કરવામાં પતિ અગત્સ્યની સાથે લોપામુદ્રાનો પણ સિંહ ફાળો હતો. એક વાદવિવાદ દરમિયાન રાજા શ્રોતાસ્રવે લોપામુદ્રાને પૂછ્યું હતું કે વૈદિક ધર્મમાં એક સ્ત્રીનું કર્તવ્ય શું હોય છે? લોપામુદ્રાએ જે જવાબ આપ્યો હતો એ યાદ રાખવા જેવો છે. લોપામુદ્રા એ કહ્યું હતું, “વૈદિક ધર્મમાં સ્ત્રીનું કર્તવ્ય એ જ હોય છે જે પુરુષનું હોય છે. સત્યની ખોજ, જ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મનું પાલન. આ ત્રણ કાર્યોમાં સનાતની સ્ત્રી અને પુરુષે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ.” અંતિમ સત્યની ખોજમાં આખું જીવન પસાર કરીએ એટલે જ્ઞાન પ્રાપ્તિનું કર્તવ્ય આપ મેળે થઈ જ જાય અને કોઈ પણ હિન્દુ સ્ત્રી કે પુરુષ માટે આનાથી વધારે મોટો બીજો કોઈ ધર્મ ન હોઈ શકે. એક ટૂંકા જવાબમાં લોપામુદ્રાએ રાજા શ્રોતાસ્રવને મુગ્ધ કરી દીધા હતા અને રાજાએ પોતાનો પરાજય સ્વીકારી લીધો હતો.