મોડર્ન સાયન્સે કરેલા પ્રયોગો મુજબ, પ્રકાશનું કિરણ લગભગ 186000 માઇલ પ્રતિ સેક્ધડની ઝડપે ગતિ કરે છે! ઋગ્વેદની ઋચામાં જણાવેલ શ્ર્લોક સાથે આ આંકડો મેળ ખાય છે!
પરખ ભટ્ટ
- Advertisement -
યાદ કરો એ સ્કૂલનાં દિવસો, જ્યાં વિજ્ઞાન એટલે દરરોજ અવનવું અચરજ પેદા કરતો એક વિષય! મેઘધનુષમાંથી ‘જાનીવાલીપિનારા’નાં ઉત્સર્જન પાછળ ફક્ત એક સફેદ રંગ જવાબદાર છે એ વાત આપણને કેટલી અદ્ભુત લાગતી હતી નહીં!? એવું જ કંઈક પ્રકાશની ગતિનું પણ! ૩x૧૦૮ મીટર/સેકન્ડની ગતિએ પ્રવાસ કરતું પ્રકાશનું કિરણ, પાંપણનાં ફક્ત એક ઝબકાર સાથે તો કરોડો કિલોમીટરનું અંતર કાપી નાંખે છે એ નવાઈની સાથોસાથ ઘડીભર માનવામાં પણ ન આવે એવી બાબત છે! ૧૯૬૫ની સાલમાં રોમર નામનાં વૈજ્ઞાનિક, પ્રકાશની ગતિ અંગેનાં પ્રયોગો બાદ આ તારણ પર પહોંચ્યા. અમેરિકાનાં ભૌતિકશાસ્ત્રીઓ માઇકલસન અને મોર્લેએ પણ ઓગણીસમી સદીની શરૂઆતમાં કેટલાક પ્રયોગો હાથ ધર્યા હતાં, પરંતુ સૌથી પહેલો સફળ પ્રયોગ કર્યો મેક્સ પ્લાન્કે! ઋગ્વેદની ઋચાઓ પ્રકાશનાં કિરણની ગતિ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરે છે એ સત્યની કદાચ બહુ ઓછા લોકોને જાણ છે.
સૂર્યદેવની પૂજાઅર્ચના કરવાની પ્રથા આપણા દેશમાં વર્ષોથી ચાલી આવે છે. આજે પણ પોંગલ, છઠ્ઠપૂજાને દિવસે તેનું અનુસરણ થાય છે. સૂર્યનમસ્કાર એ કસરતની સાથોસાથ સૂર્યદેવની આરાધના પણ છે. ઋગ્વેદનાં અમુક શ્લોક સૂર્યદેવની પૂજાનાં મહત્વની સાથોસાથ અન્ય કેટલીક બાબતો તરફ પણ આપણું ધ્યાન દોરે છે:
आ सूर्यो यातु सप्ताश्वः कषेत्रं यद अस्योर्विया दीर्घयाथे |
- Advertisement -
(ઋગ્વેદ ૫.૪૫.૯)
ભાવાનુવાદ : સર્પ વડે બંધાયેલ સૂર્યનાં રથને સાત અશ્વો ખેંચી રહ્યા છે.
તમે કહેશો કે આમાં પ્રકાશ વિશે તો ક્યાં કંઈ કહેવાયું છે! ફક્ત અશ્વ, સર્પ, સૂર્ય અને રથનો જ ઉલ્લેખ છે. ઓકે. હવે આને જરાક જુદી રીતે વિચારીએ. વિજ્ઞાનનાં આપણા પાઠ્યપુસ્તકમાં જણાવ્યા મુજબ, સૂર્યનાં કિરણોમાંથી સાત અલગ–અલગ રંગોનું ઉત્સર્જન થાય છે. ઋગ્વેદનાં આ શ્લોકમાં રથનાં સાત અશ્વને વિજ્ઞાનનાં સાત રંગો સાથે સરખાવો અને સર્પને પ્રકાશનાં આડાઅવળા વળાંક ધરાવતાં પથ સાથે! (હજુ પણ સમજવામાં થોડી મુશ્કેલી લાગી રહી હોય તો કાચનાં પ્રિઝમને યાદ કરો, જેની એક બાજુથી આવતો ટોર્ચનો પ્રકાશ બીજી બાજુએ સાત રંગો બનીને બહાર નીકળે છે. એવી જ રીતે વરસાદી મેઘધનુષ પણ!)
‘જાનીવાલીપીનારા’ (VIBGYOR) એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. ૧૭મી સદી સુધી આ સાત રંગો વિશે વિશ્વ સાવ અજાણ રહ્યું અને ત્યારબાદ સર આઇઝેક ન્યુટને ગુરૂત્વાકર્ષણબળ અને પ્રકાશનાં ગુણધર્મો વિશે આપણને માહિતગાર કર્યા. જેથી મોટાભાગનાં વૈજ્ઞાનિકોનું ધ્યાન ઋગ્વેદ પર ક્યારેય ગયું જ નહીં.
तथा च स्मर्यते योजनानां सहस्त्रं द्वे द्वे शते द्वे च योजने।
एकेन निमिषार्धेन क्रममाण नमोस्तुते ॥
સાવ સરળ અનુવાદ કરવો હોય તો, “અર્ધ નિમિષ (જેટલા સમય) દરમિયાન સૂર્યપ્રકાશ ૨૨૦૨ યોજનનું અંતર કાપે છે.” હવે તમને થશે કે આ ‘નિમિષ’ અને ‘યોજન’ એ વળી કઈ બલાનું નામ છે?! અહીં ‘દ્વે’ એટલે બે. ‘શતે’ એટલે સો. યોજન અને નિમિષને વૈદિક ભાષામાં અનુક્રમે અંતર અને સમયનાં માપદંડ માનવામાં આવે છે. મોડર્ન યુગમાં જેવી રીતે સમય માપવા માટે કલાક, સેકન્ડ, મિનિટનો ઉપયોગ થાય છે બિલકુલ એવી જ રીતે, પૌરાણિક કાળમાં સમય માટે ‘નિમિષ’ મહત્વ ધરાવતું હોઇ શકે. મીટર, કિલોમીટર, સેન્ટિમીટર એ અંતર માપવા માટે ઉપયોગી છે; અને યોજન પણ! ઘણા બધા સંસ્કૃત સાહિત્યોમાં આવા એકમોનું વર્ણન છે, પરંતુ તેમની વિગતવાર માહિતી છૂટી પાડી શકવી સંભવ નથી.
જોવા જેવી વાત એ છે કે ફક્ત અમુકગણતરીની માઇક્રોસેકન્ડમાં માણસની આંખોની પાંપણ ફરકે છે એ ‘નિમિષ’મો અર્થ છે! અર્ધ નિમિષએટલે એનાથી પણ અડધા સમયમાં આંખો ફરકાવવી એ! આધુનિક વિજ્ઞાને આપેલી સમજૂતી મુજબ, માનવઆંખો એક સેકન્ડની અંદર કુલ પાંચ વાર ફરકી શકે એવી ક્ષમતા ધરાવે છે. એટલે ‘નિમિષાર્ધેણ’નો અર્થ છે, ૦.૧ સેકન્ડ! મહાભારતનાં શાંતિપર્વમાં એ વિશેનું વર્ણન અપાયું છે :
૧ દિવ–રાત્રી (દિવસ–રાત) એટલે ૩૦ મુહૂર્ત. (૧ કલાક = ૧.૨૫ મુહૂર્ત)
૧ મુહૂર્ત એટલે ૩૦.૩ કાળ. (૧ કલાક = ૧.૨૫ x ૩૦.૩ = ૩૭.૮૭ કાળ)
૧ કાળ એટલે ૩૦ કાષ્ટ. (૧ કલાક = ૩૭.૮૭ x ૩૦ = ૧૧૩૬.૨૫ કાષ્ટ)
૧ કાષ્ટ એટલે ૧૫ નિમિષ. (૧ કલાક = ૧૧૩૬.૨૫ x ૧૫ = ૧૭૦૪૩.૭૫ નિમિષ)
હવે અહીંની સાદી ગણતરીઓ પરથી એવું માલુમ પડ્યું કે, ૧૭૦૪૩.૭૫ નિમિષ બરાબર ૧ કલાક થાય! આથી ૧ નિમિષ એટલે (૬૦ x ૬૦ /૧૭૦૪૩.૭૫) ૦.૨૧૧૨ સેકન્ડ. અને અર્ધ નિમિષ એટલે ૦.૧૦૫૬ સેકન્ડ. ખાસ વાત એ છે કે આધુનિક વિજ્ઞાને પણ નિમિષની કિંમત (૧૬/૭૫ સેકન્ડ) ને સાચી ઠેરવી છે. શ્રી વિષ્ણુપુરાણનાં પહેલા પુસ્તકનાં પાંચમા પ્રકરણમાં ‘યોજન’ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
૧૦ પરમાણુ = ૧ પરાસૂક્ષ્મ.
૧૦ પરાસૂક્ષ્મ = ૧ ત્રસરેણુ
૧૦ ત્રસરેણુ = ૧ મહિરજસ (ધૂળનો સૌથી નાનકડો કણ)
૧૦ મહિરજસ = ૧ બાલ–અગ્ર (વાળનો સૌથી આગળનો ભાગ)
૧૦ બાલ–અગ્ર = ૧ લિખ્ય
૧૦ લિખ્ય = ૧ યુક
૧૦ યુક = ૧ યવોદર
૧૦ યવોદર = ૧ યવ
૧૦ યવ = ૧ અંગુલ (અંગૂઠો અથવા ઈંચ)
૬ અંગુલ = ૧ પદ
૨ પદ = ૧ વિતષ્ટિ
૨ વિતષ્ટિ = ૧ હસ્ત
૧ યોજન = ૮૦૦૦ ધનુ અથવા પુરુષ = ૮૦૦૦ x ૬ ફૂટ = ૧૪.૬૩ કિલોમીટર.
અહીં આપણે માણસની સામાન્ય ઉંચાઈ ૬ ફૂટ ધારી છે. પરંતુ અલગ અલગ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ધારેલા આંકડાઓમાં થોડો ઘણો તફાવત જોવા મળી શકે. ‘હિસ્ટરી ઓફ સાયન્સ’ની ઇન્ડિયન જર્નલમાં સર મોનિયેર વિલિયમ્સે કરેલા રીસર્ચમાં તેમણે ૧ યોજન બરાબર ૯ માઇલ એવું સાબિત કર્યુ છે. આર્યભટ્ટની ગણતરી મુજબ, અંગુલની કિંમત તેમણે ૧.૮ અને ૧.૯ સેન્ટિમીટર નક્કી કરી છે. જેથી યોજનની કિંમત ગણતી વખતે પણ ૧૪.૬ થી ૧૬.૪ કિલોમીટરની વચ્ચેની કોઇ પણ કિંમત પરિણામસ્વરૂપે મેળવી શકાય. હવે, યોજન અને નિમિષની કિંમતોને સાથે રાખીને પ્રકાશની ગતિ વિશે જાણવાની કોશિશ કરીએ તો,
કિરણની ગતિ = ૨૨૦૨ x ૯ માઇલ / ૦.૧૦૫૬ સેકન્ડ = ૧૮૭૬૭૦.૪૫ માઇલ્સ પ્રતિ સેકન્ડ.
મોડર્ન સાયન્સે કરેલા પ્રયોગો મુજબ, પ્રકાશનું કિરણ લગભગ ૧૮૬૦૦૦ માઇલ પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે! ઋગ્વેદની ઋચામાં જણાવેલ શ્લોક સાથે આ આંકડો મેળ ખાય છે. ઇસવીસન પૂર્વે ૩૨૦માં કૌટિલ્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્રની ગણતરી મુજબ, પ્રકાશની ગતિ ૨૯૭૨૭૦ અને ૩૦૭૧૭૯ કિલોમીટર પ્રતિ સેકન્ડની વચ્ચેની કોઇક હોવી જોઇએ. જે ફરી એકવાર આધુનિક વિજ્ઞાને નક્કી કરેલી ૨૯૯૭૯૨ કિલોમીટર પ્રતિ સેકન્ડની સાથે મેળ ખાય છે. આટલા બધા પુરાવાઓ ફક્ત એક સંયોગ ક્યાંથી હોઇ શકે!? આજની તારીખે પણ નાનીમોટી એરરને બાજુ પર મૂકીને મોટા આંકડાઓને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો પ્રયોગો હાથ ધરતાં હોય છ. આથી ઋષિમુનિઓએ ખોજ કરીને શોધી કાઢેલા આંકડાઓ પર શંકા કરવા બદલે એનાં પર પુનઃવિચારણા થવી જરૂરી છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રકાશની ગતિ ઉપરાંતનાં આવા કંઈકેટલાય કોન્સેપ્ટનાં પુષ્કળ પુસ્તકો નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા હતાં, પરંતુ બ્રિટિશ તેમજ મુઘલ શાસન દરમિયાન તેનો નાશ કરી દેવાયો!


