જીવનમાં મને ભાગ્યે જ સ્વપ્નો દેખાયા છે. 1984માં મારી બહેનના જીવલેણ અકસ્માતની આગોતરી ચેતવણી આપતું સ્વપ્ન મને બરાબર એક અઠવાડિયા પહેલાં આવ્યું હતું, જેને મેં ગંભીરતાથી લીધું ન હતું. પછી એ સપનું અક્ષરશ: સાચું પડ્યું હતું.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
બીજું એક સપનું જે મને વારંવાર આવ્યાં કરતું હતું પણ એના સંકેતો ક્યારેય પકડાઈ શકાતા ન હતાં. આજથી ત્રણેક વર્ષ પહેલાં ડો. એચ.એલ.ત્રિવેદી સાહેબના નાના ભાઈ શ્રી કાર્તિકભાઈ ત્રિવેદી અમદાવાદમાં પધાર્યા હતા ત્યારે મેં એમને જણાવ્યું હતું. એમણે ખાસ કોઈ ખુલાસો આપ્યો ન હતો, પરંતુ એ દિવસ પછી મને એ સ્વપ્ન આવતું બંધ થઈ ગયું. આજ સુધી એ વાત મારે મન એક કોયડો બની ગઈ છે.
- Advertisement -
સપનાઓનું શાસ્ત્ર અકળ, અગમ્ય, અટપટું અને સાંકેતિક લાગે છે. આપણાં દેશમાં તો હજારો વર્ષથી સપનાં પર ખૂબ મોટું કામ થયું છે. પશ્ચિમનું માનસશાસ્ત્ર પણ આપણાં સ્વપ્ન વિશેના શાસ્ત્રને આદર ભરી નજરથી જુએ છે. તાજેતરમાં મને સપનામાં સાપ દેખાતાં રહે છે. એક બે નહિ અસંખ્ય સાપ. હું કોઈ તળાવના કાંઠે આખી બાંધેલી પાળ પર બેઠો છું. તળાવના પાણીમાં જળચર સર્પો તરી રહ્યાં છે, એવું હું જોઉં છું. અંદર ઉતરવા માટેના દરેક પગથિયાં ઉપર મને એક બે કે ત્રણ સાપ ગૂંચળું વાળીને સૂતેલા નજરે પડે છે. હું ડરી જાઉં છું. હું જાગી જઉં છું. સપનું તૂટી જાય છે. માણસા સ્થિર આદરણીય તેજસભાઈને મેં આ વિશે પૂછ્યું. એમણે કહ્યું, “સપનામાં સાપ દેખાય એ કોઈ અશુભ સંકેત નથી. સાધનામાર્ગમાં આવી ઘટનાને ખૂબ શુભ માનવામાં આવે છે.
મુક્તાનંદ બાબાને તો સર્પદંશ થયો હતો. એ પછી જ સાધનામાર્ગમાં એમની પ્રગતિ ઝડપી બની હતી. શરદભાઈ, તમે સહેજ માટે રહી ગયા. તમને માત્ર સાપ દેખાયા પણ સર્પદંશનો લાભ મળ્યો નહિ. કદાચ ભવિષ્યમાં આવો અનુભવ થાય પણ ખરો. તમે આને શુભ સંકેત માનીને ચાલજો.”
સપનાના સર્પદંશમાંથી તો હું બચી ગયો છું, પરંતુ જીવનમાં અનેક કાળોતરા મને ડસ્યા છે એ હકીકત છે. ખાલીલ ધનતેજી સાહેબ કહે છે :
“ઝેરનો ક્યાં પ્રશ્ર્ન છે, ઝેર તો હું પી ગયો.
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.”