ટ્રક, લોડર, ચરખી અને 20 ટન કોલસાના જથ્થા સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
થાનગઢ ખાતે ખનિજ માફિયાઓની હિંમત એટલી વધુ ગઈ છે કે જ્યાં એકાદ મહિના પૂર્વે પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી ગેરકાયદેસર કોલસાના ખનન અટકાવવા માટે મહેસૂલી ચોકી બાંધી હતી તેના નજીક ફરીથી કોલસાની ખાણ ચાલુ કરી હતી. જોકે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને આ બાબતની જાણ થતા જ તેઓ દ્વારા તાત્કાલિક દરોડો કરી ટ્રક, લોડર, કોલસાનો જથ્થો સહિત કુલ 36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર એકાદ મહિના પૂર્વે થાનગઢ પંથકના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો પર મેગા દરોડો કરી કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો જે બાદ અહીં મહેસૂલી ચોકી પણ ખોલવામાં આવી હતી પરંતુ અહીં ખનિજ માફિયાઓની હિંમતને પણ દાઝ દેવી પડે તેમ છે કારણ કે અહી મહેસૂલી ચોકી હોવા છતાં પણ જામવાડી ખાતે કોલસાની ગેરકાયદેસર ખાણો શરૂ કરવામાં આવી હતી જોકે આ કોલસાની ખાણ શરૂ થતા જ પ્રાંત અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા પોતાની ટીમ સાથે મોડી રાત્રે દરોડો કરી એક ટ્રક, એક લોડર, ચરખી, વીસ ટન કોલસાનો જથ્થો સહિત કુલ 36 લાખનો મુદામાલ જપ્ત કરી વિજયભાઈ અલગોતર વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.
‘ખાસ – ખબર’ દ્વારા અગાઉ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા એકાદ મહિના પૂર્વે જે પ્રકારે ભડુલા અને જામવાડી ખાતે મેગા દરોડો કરાયો હતો તે બાદ થોડા સમયના અંતરે જ ફરીથી આ વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી ઉઠી હતી જે અંગે “ખાસ ખબર” દ્વારા તારીખ: 5/4/2025ના રોજ ફરીથી કોલસાની ખાણો શરૂ થયાનો અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. આ અહેવાલને ધ્યાને લઈ પ્રાંત અધિકારી દ્વારા સતત વોચ રાખી અંતે દરોડો કર્યો હતો.
- Advertisement -