હળવદ મામલતદારે રેતી ભરેલા બે ડમ્પર પકડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે મામલતદારે લાલ આંખ કરી છે જેમાં શહેરના ટીકર રેલવે ફાટક પાસે અને હળવદ ધ્રાંગધ્રા હાઈવે પરથી રેતી ભરેલા બે ડમ્પરોને ઝડપી પાડીને હળવદ પોલીસના હવાલે કરી ખાણ ખનીજનો મેમો ફટકારવાની તજવીજ હાથ ધરી હતી. હળવદની બ્રાહ્મણી નદીમાંથી આશરે 50 ટન રેતી ભરેલો ૠઉં-36-ટ-1900 નંબરનો ટ્રક હળવદની ટીકર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મામલતદાર સહિતની ટીમે આ ટ્રકને ઝડપી પાડીને હળવદ પોલીસના હવાલે કર્યો હતો જયારે વધુ એક ૠઉં-36-ઝ-9318 નંબરનો ટ્રક આશરે 40 ટન રેતી ભરીને હળવદ ધ્રાંગધ્રા હાઈવે પરથી પસાર થતો હતો ત્યારે મામલતદારે આ ટ્રકને પણ ઝડપી પાડી પોલીસના હવાલે કરીને બંનેને ખનીજ ચોરીનો મેમો ફટકારવા તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસ દ્વારા પણ ત્રણ દિવસ પહેલા બે રેતી ભરેલા ડમ્પરો તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ બે ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા જેથી પોલીસ, ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર સહિતની ટીમોએ રેતીચોરી પર ધોંસ બોલાવતા ખનીજમાફિયાઓમાં રીતસરનો ફફડાટ મચી જવા પામ્યો છે.
ખનીજમાફિયાઓ સામે તંત્રની લાલ આંખ
