રાજકોટના રાજવી પરિવારની મિલકતનો વિવાદ
26 ઓગસ્ટે માંધાતાસિંહને પોતાનો જવાબ રજૂ કરવાની તક મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રાજવી પરિવારની મિલ્કતો વેંચાતી હોય જે રોકવા માટે રાજકુમારી અંબાલિકાદેવીએ સ્ટે માગ્યો હતો જેની 26 ઓગસ્ટે સુનાવણી થશે. સ્ટે મામલે કોર્ટમાં દાખલ થયેલી અરજી પર અંબાલિકાદેવીના વકીલે દલીલો રજૂ કરી હતી ત્યારે હવે આગામી તારીખે રાજવી માંધાતાસિંહને વધુ એક કાનુની પડકાર આપ્યો છે.
આ તકરારની વિગત મુજબ રાજવી પરિવારની મિલ્કતના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. રાજકુમારી અંબાલિકાદેવીએ મિલકતમાં પાંચમો ભાગ માંગ્યો છે. તેમણે રાજકોટના પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં રાજવી પરિવારની વારસાઈ મિલ્કતોના વેચાણ અંગે કામચલાઉ મનાઈહુકમ મેળવવા દાવો કર્યો છે. આ દાવો તેમણે તેમના ભાઈ અને રાજકોટના રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા સહિતના વિરૂદ્ધમાં કર્યો છે. દાવામાં જણાવાયા મુજબ મિલ્કત તકરારનો અંત થયો નથી તે પૂર્વે જ એક મિલ્કત વેચી પણ નાખવામાં આવી છે. જેથી કેસના નિકાલ સુધી સ્ટે આપવા દાદ માંગી છે. લગ્ન બાદ ઝાંસી ખાતે રહેતા અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહે કોર્ટમાં કરેલા દાવા ઉપરાંત પ્રાંત અધિકારી (સિટી-2)ના હુકમ સામે માંધાતાસિંહે કલેકટર સમક્ષ અપીલ કરી છે જયારે અંબાલિકાદેવીએ સિટી સર્વે કચેરીના હુકમ સામે અપીલ કરી છે અને કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે. ત્યારે રાજવી પરિવારની મિલ્કત અંગે વિવિધ સ્તરે કેસો ચાલી રહ્યા છે. રાજવી મનોહરસિંહજીના દેહાંત બાદ તેમનું 6-7-2013નું વિલ સામે આવ્યું હતું. જો કે આ વિલ બંધનકર્તા ન હોવાનું અને માંધાતાસિંહની તરફેણવાળુ તા. 6-6-2019નું રિલીઝ ડીડ રદબાતલ ઠરાવવાનું ડીકલેરેશન કરી આપવા અંગેનો દાવો ચાલી રહ્યો છે.
તેમાં આ મિલ્કત વેચાણ કરતી રોકવા સ્ટે આપવા અરજી કરાઈ છે. ગઈકાલે અંબાલિકાદેવી તરફે રોકાયેલા રાજકોટના એડવોકેટ કેતન સિંઘવાએ દલીલો રજૂ કરેલી જેમાં મુખ્ય દલીલો મુજબ આઝાદી પહેલાના રાજકોટના છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહજી એટલે કે માંધાતાસિંહ અને અંબાલિકાદેવીના દાદાને તેમના પિતા સર લાખાજીરાજ પાસેથી મળેલી મિલ્કતો રાજવી પરિવારની ખાનગી મિલ્કત હતી, સ્વતંત્ર મિલકત નહોતી. 1949માં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને 26માં સુધારા તા. 28-12-1971થી રજવાડાઓને મળતી સવલતો રદ્દ થઈ, તા. 9-11-1973ના રોજ પ્રદ્યુમનસિંહજીનું અવસાન થયું ત્યારે બંધારણીય સુધારો અમલી હતો.
- Advertisement -
જેથી તેમના કહેવાતા વિલની રૂએ મનોહરસિંહજીના દાવાવાળી મિલ્કતના તે સ્વતંત્ર માલિક નથી બનતા કેમકે પ્રદ્યુમનસિંહજીને પણ મિલ્કતો તેમના પિતા એટલે કે સર લાખાજીરાજ પાસેથી મળી હતી. વધુમાં કરાયેલી દલીલ મુજબ વડીલોપાર્જિત મિલ્કતો પૈકી એક મિલ્કત વેચાઈ ગઈ છે કે પછી વેચવાની તજવીજ ચાલુ છે, જો સ્ટે નહીં મળે તો ભાઈ માંધાતાસિંહજી પોતાના કબ્જાની કરોડોની મિલકત વેચી દેશે તેમ બહેન અંબાલિકાદેવીને ડર છે જેથી આ મનાઈહુકમ માંગવામાં આવ્યો છે. કોર્ટે દલીલો-રજૂઆતો સાંભળી હવે માંધાતાસિંહને જવાબ રજૂ કરવા 26 ઓગષ્ટની મુદત પડી છે ત્યારે આવતી તારીખે માંધાતાસિંહ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.