એરપોર્ટથી સીધા જ જામસાહેબ શત્રુશલ્યસિંહજીને જન્મદિનની શુભેચ્છા આપવા પહોંચશે
ચાર કલાકના રોકાણ બાદ વનતારાથી જૂનાગઢ જવા નિકળશે
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સાંજે જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાનના આ પ્રવાસ સંદર્ભે જિલ્લાના વહીવટીતંત્રએ તૈયારીને આજે આખરી ઓપ આપ્યો છે. વ્યવસ્થાની બાગડોળ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાથમાં લીધી છે. ગઇકાલે સાંજે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. વડાપ્રધાન રાત્રી રોકાણ જામનગરમાં કરશે. જામનગરમાં આવ્યા બાદ તેઓ પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાને તેમના જન્મદિવસ દિવસે શુભેચ્છા આપવા પાયલોટ બંગલા તરીકે ઓળખાતા તેમના નિવાસસ્થાનની મુલાકાતે જશે. વડાપ્રધાનના આગમન પહેલાં જ જામનગરમાં વડાપ્રધાનનો સમગ્ર રૂટ સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગયો છે.
આવતીકાલેે વહેલી સવારે જામનગરથી 30 કિમી દૂર આવેલ રિલાયન્સ રિફાઇનરી પાસેના રિલાયન્સના ટ્રસ્ટ સંચાલિત પ્રાણી સંગ્રહાલય – રેસ્ક્યુ સેન્ટર ‘વનતારા’ની મુલાકાતે જનાર છે. વનતારાથી વડાપ્રધાન રવાના થઇ હવાઇ માર્ગે જૂનાગઢ જવા રવાના થશે. તેઓ સાસણ વાઇલ્ડ લાઇફ બોર્ડની મીટીંગમાં ભાગ લેેશે અને સોમનાથના દર્શન કરે તેવો કાર્યક્રમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં તા.2 માર્ચને રવિવારના રોજ સાસણ ગીર ખાતે નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં હાજરી આપતા પહેલાં વડાપ્રધાન આજે સાંજે જામનગર જિલ્લાની ટૂંકી મુલાકાતે આવી પહોંચશે.
વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના આગેવાનો અને ધારાાસભ્ય તથા ચૂંટાયેલ પદાધિકારીઓના સ્વાગત બેનરો પણ લાગ્યા છે. વડાપ્રધાન મોદી સંભવત: આવતીકાલે સાંજે 6 થી 7 દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવી પહોંચશે. જામનગર એરપોર્ટ ઉપર મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાનને આવકારશે. તેઓ એરપોર્ટથી નિકળી સર્કીટ હાઉસ જતાં પહેલાં રસ્તામાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના નિવાસસ્થાન પાયલોટ બંગલાની મુલાકાતે જશે અને જામસાહેબને રૂબરૂમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવશે તેમ જાણવા મળે છે.
- Advertisement -
વડાપ્રધાનના કાર્યક્રમને કારણે પ્રોટોકોલ મુજબ તેમના રૂટ ઉપર આજે સાંજે 4:00 વાગ્યાથી આવતીકાલે બપોરે 12:00 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ કરી દેવાશે. આ સંદર્ભે ગઇકાલે સાંજે રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ અને જામનગરના એસપી પ્રેમસુખ ડેલોની આગેવાનીમાં ફુલ ફ્લેજ કોન્વેઇયનું 45 ગાડીઓના કાફલા સાથે તંત્રએ સર્કીટ હાઉસથી એરપોર્ટ સુધી રિહર્સલ કર્યું હતું. રાત્રી રોકાણ બાદ આવતીકાલે સવારે 7:00 વાગ્યે વડાપ્રધાન જામનગરથી નિકળી રિલાયન્સ રિફાઇનરી નજીક આવેલા અનંત અંબાણીના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર તરીકે ઓળખાતા વનતારાની મુલાકાતે જશે. આશરે ચારેક કલાકનું રોકાણ કરી વડાપ્રધાન જૂનાગઢ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સાંજે જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેઓને આવકારવા માટે પ્રોટોકોલ મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જામનગર આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાના સ્વાગત માટે જામનગર આવે તેવી શક્યતા છે.