પદાધિકારીઓનું કોઇ સાંભળતું ન હોવાનો ઘાટ !: સૂચના આપવા છતાં ખોદકામ બાદ પેચવર્કની કામગીરીમાં ઢીલાશ
ચોમાસા પહેલા રસ્તાઓના પેચવર્ક થશે કે નહીં?: આડેધડ ખોદકામથી સ્થાનિકોમાં અકસ્માતનો ભય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇનનાં કામમાં ઢીલાશ જોવા મળી રહી છે. જેમાં જાગનાથ પ્લોટ તેમજ ન્યુ રાજકોટ સહિતનાં અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવ્યું હોવાથી જનતા ત્રસ્ત થઈ ચૂકી છે. આ કામ મહિનાઓથી કામ ચાલી રહ્યું છે, જેમાં વૃદ્ધોને ઘરની બહાર નીકળતા ડર લાગે છે. તદુપરાંત આ ખાડા કોઈનો જીવ લેશે એવી દેહશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે અને અનેક વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. પરંતુ શહેરમાં હજુ અનેક જગ્યાએ આ કાર્ય પૂર્ણ થયું નથી અને ચારેબાજુ ખાડા ખોદેલા છે. ત્યારે હાલમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગત રાત્રીના રોજ સારો વરસાદ પણ આવ્યો છે. આ સ્થિતિમાં તાત્કાલિક ધોરણે ખાડા બુરી દેવા જોઈએ અથવા તો આ કાર્ય જલ્દીથી આટોપી લેવું જોઈએ. શહેરના અનેક વિસ્તારો જેમ કે જાગનાથ, મવડી, આનંદ બંગલા ચોક, નાના મૌવા, ઉપલો કાંઠો, સોરઠિયાવાડી, કોઠારીયા સહીત અનેક જગ્યાએ આ સમસ્યા જોવા મળી છે. વરસાદ પડતા સ્થિતિ વધુ બગડશે. તો પાલિકાએ થોડી સ્ફૂર્તિ બતાવી આ કાર્યને વેગવંતુ બનાવવું જોઈએ અને શક્ય તેટલું જલ્દીથી પૂર્ણ કરી દેવું જોઈએ.
જોકે, જૂની પાઇપલાઇન કાઢી નવી ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવતા મુશ્કેલી થતી હોવાનું જણાવી કરોડો રૂપિયાના ખર્ચે કામ થતું હોવાથી વિસ્તાર મુજબ કામ ચાલે છે અને આ કામમાં કોઈ ભ્રષ્ટાચારનો સવાલ જ ન હોવાનો બચાવ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કર્યો હતો. નિયત સમયમાં કામ પૂર્ણ નહીં કરનાર એજન્સીને નોટિસ ફટકારી હોવાનો દાવો કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં અનેક વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. જેમાં રોડ-રસ્તાઓ ખોદીને ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવતી હોવાથી ઠેર-ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખાડાઓ સમયસર બુરવામાં નહીં આવતા હોવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂરી કરી આ રસ્તાઓ પર ડામર પાથરવામાં આવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ખાડાનાં કારણે અકસ્માત થવાની દેહશત પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. ફક્ત એટલું જ નહીં તંત્રની મનાઈ છતાં ભર તડકામાં બપોરના 2 વાગ્યે જ મહાનગરપાલિકાની લાઈનો ખોદતા મજૂરો નજરે પડ્યા હતાં. મનપા દ્વારા એજન્સીને નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ, હકીકતમાં હાલાકી પ્રજાએ ભોગવવી પડે છે. જોકે, ચોમાસા પૂર્વે રસ્તાઓ પર પેચવર્ક કરવાની સૂચના આપ્યાનો સ્ટેન્ડિંગ ચેરમેને દાવો કર્યો છે પરંતુ, ખરેખર કામગીરી ચોમાસા પહેલા પૂરી થશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે.