રાજકોટ બેડી યાર્ડમાં અધિકારી અને મજૂરો વચ્ચે મારામારી
અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી મજૂરો કામ નહીં કરે : મજૂર એસો. પ્રમુખ
- Advertisement -
બંને પક્ષોની સંયુક્ત મીટીંગ કરીને સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે : જયેશ બોઘરા, યાર્ડ પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સવારે મજૂર ગાડી ઉતારી રહ્યા હતા તે સમયે એક અન્ય વેપારીની ગાડી માલ ભરીને આવી હતી. એટલે તે વેપારીએ ફોન કરી અધિકારીને બોલાવ્યો હતો. તમામ મજૂર પહેલા વેપારીનો માલ ઉતારી રહ્યા હતા તેવામાં અચાનક અધિકારી આવીને માલ ઉતારનાર મજૂરને બેફામ ગાળો ભાંડી હતી. તેમાંથી મજૂર રાજાભાઇ મોરીને છાતી પર ઢીકા માર્યા હતા અને ત્યાર બાદ અધિકારી મજૂરને ઓફિસમાં લઇ જઇ પાઇપ વડે બેફામ ઢોર માર મારવામાં આવ્યો હતો. મજૂર એસોસિએશનના પ્રમુખ રણછોડભાઇ કારેઠાના જણાવ્યા મુજબ અધિકારી કેતનભાઇ અને શિવરાજસિંહે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જણાવ્યુ હતુ કે ભોગનાર મજૂરને 10 દિવસ પૂર્વે પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારે માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
- Advertisement -
બનાવના પગલે મજૂર એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે જેથી હરાજી ઠપ્પ થઇ ગઇ છે. તેમજ તેઓ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે તાત્કાલીક ધોરણે માર મારનાર અધિકારીને નોકરીમાંથી છૂટ્ટા કરી દેવામાં આવે. કર્મચારી અને મજુરો વચ્ચે માથાકુટ સર્જાતા મામલો બીચકયો હતો. મજુરો વિજળીક હડતાળ પર ઉતરી જતા હરરાજી ઠપ્પ થઈ ગઈ હતી. જો કે સતાવાળાઓ દ્વારા દરમ્યાનગીરી કરીને સમાધાનના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા. માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે હરરાજીની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે ઈન્સ્પેકટર અને મજુરો વચ્ચે કોઈ મુદા પર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં તેમાં ઉગ્ર સ્વરુપ પકડાઈ ગયુ હતું જેને પગલે સામસામી મારામારી થઈ હતી. આ ઘટના પછી મજુરોએ કામ કરવાનો ઈન્કાર કરી દેતા હરરાજીની કામગીરી થંભી ગઈ હતી.
તમામ મજુરો એકઠા થઈ જતા વાતાવરણ તંગ બની ગયુ હતું. માર્કેટયાર્ડના પ્રમુખ જયેશ બોઘરાએ કહ્યું કે લાફાવાળી થતા મજુરો વધુ ઉશ્કેરાયા હતા અને કામ કરવાનો ઈન્કાર કરતા હરરાજી અટકી ગઈ હતી. બંને પક્ષોની સંયુક્ત મીટીંગ કરીને સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા.