ભૂખ્યા પેટે ઘરમાં પૂરી રાખતી, અત્યાચાર જોઈ લોકોમાં ફિટકાર
બાળકીની પિતાને સાવકી માતાના અત્યાચારની ખબર છતાં પણ ચૂપ રહી તમાશો જોતા !
દીકરીના આંખ પર પાંપણના નેણ પરના વાળ પર કાઢી નાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર શહેરમાં એક નવ વર્ષની બાળકી પર તેની સાવકી માતા અત્યાચાર ગુજારતી હોવાની ઘટના સામે આવી છે. હાથ-પગ બાંધી મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી માથાના વાળ કાપી નાખ્યા, ભૂખ્યા પેટે બાળકીને ઘરમાં પૂરી રાખતી હતી. શેતાનને પણ શરમાવે એવી સાવકી માતાના આવા અત્યાચાર જોઈ આસપાસના રહેવાસીઓ ફફડી ઊઠ્યા હતા. બાળકી પર અત્યાચારની ફરિયાદ બાળકલ્યાણ વિભાગ અને બાળકલ્યાણ સમિતિ વિભાગને મળતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીને એમાંથી મુક્ત કરાવી હતી.
ભાવનગરની શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતા બન્ને હાથ પગ બાંધી મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાના વાળ, આંખના નેણ કાપી નાખ્યા, પીપડામાં પૂરી રાખતી હતી. આજુબાજુના લોકોને જાણ થતાં બાળકલ્યાણ વિભાગ અને બાળકલ્યાણ સમિતિને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જેથી અધિકારીઓ દ્વારા બાળકીને રેસ્ક્યૂ કરીને તેનો કબજો લીધો હતો. બાળકીને પૂછતાં બાળકીએ જણાવેલું કે મને અને મારી બેનને અવારનવાર માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપતા ન હતા.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આજુબાજુના રહેવાસીઓ જણાવી રહ્યા છે કે અગાસી પર ચાલવા નીકળતા ત્યારે આ દીકરીને દરરોજ હેઠા વાસણ બહાર મૂકતી જોતા હતા. આ દીકરીને ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. બીચારી દીકરી એઠવાડમાંથી ખાતી હતી. આ જોઈ અમને ખૂબ જ દુ:ખ થતું હતું, જેથી મારા પરિવારમાં મેં વાત કરી હતી. આ દીકરી પાસે કચરા-પોતા તેમજ કપડાં પણ ધોવડાવતી હતી. નાનું બાળક સહન ન કરી શકે એવી પીડા આપવામાં આવતી હતી. આ જોઈને અમારી આંખમાંથી આંસું આવી જતાં હતાં. બાળકીને જ્યારે પૂછવામાં આવતાં તેણે રડતાં રડતાં કહ્યું, વેકેશનમાં મારા વાળ કાતરથી કાપી નાખ્યા હતા. જ્યારે પણ એ બહાર જાય એ પહેલાં મને હાથે અને પગે બાંધી દેવામાં આવતી હતી. એકવાર તો મને પંખે પણ લટકાવી હતી. આ વાત બાળકીએ તેના પપ્પાને કહેવા છતાં તેણે પણ અત્યાચાર થવા દીધો હતો.