માત્ર મજા લેવા મૂળ MPના વિડીયો બ્લોગરે ધમકી આપી, સરકાર પાસે 500 કરોડની માગણી કરતો ઈ-મેલ આ યુવકે કર્યાની શંકા
રાજકોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
- Advertisement -
ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને મુક્ત કરવાની પણ માગ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કરણ માળી વીડિયો બ્લોગર છે અને માત્ર મજા લેવા માટે સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ તેની પાસેથી લેપટોપ સહિતનાં વિવિધ સાધનો જપ્ત કર્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચને કારણે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલમાં ચર્ચાનું કેન્દ્ર છે. મેચના દિવસે ક્રિકેટર્સની સાથે અમદાવાદમાં દેશ-વિદેશના જાણીતા લોકો પણ મોટી સંખ્યામાં હશે. જેથી દેશની સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ મોડમાં છે. સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા ઇ-મેલની તપાસ નેશનલ એજન્સીની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. જેમાં એજન્સીઓની તપાસ રાજકોટમાં રહેતા અને વીડિયો બ્લોગર તરીકે કામ કરતા એક વ્યક્તિ સુધી પહોંચી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.
આજે ક્રાઈમ બ્રાન્ચ આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. આ પહેલાં એનઆઈએને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેલ કરાયો હતો. જેમાં ધમકી આપનાર વ્યક્તિએ સરકાર પાસેથી 500 કરોડની માગ કરી હતી, ઉપરાંત અત્યારે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને મુક્ત કરી દેવાની માગ કરી હતી. ધમકીને પગલે રાજ્યની સુરક્ષા એજન્સીની સાથે રાજ્ય પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. બીજી તરફ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો વધારી દેવામાં આવ્યો છે. મેચમાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની અગાઉ પોલીસ કમિશનરે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની સુરક્ષાને લઇને કોઈ ચૂક ન થાય તે માટે તમામ તૈયારી પૂરી કરી દેવાઇ છે. મળતી માહિતી પ્રમાણે, ભારત-પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચમાં એનએસજીની હિટ ટીમને સ્ટેડિયમની સુરક્ષા માટે તહેનાત કરાશે. એનએસજીની ટીમ સાથે મેચ દરમિયાન બ્લેક કેટ કમાન્ડો ઉપરાંત સીઆઈએસએફ, એસઆરપીની ટીમો પણ સ્થાનિક પોલીસની સાથે તહેનાત રહેશે. જે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.