ભૂતપૂર્વ PM કિશિદા પર સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યો હતો: બેગમાંથી છરી મળી હતી
ખાસ-ખબર ન્યૂઝ જાપાન, તા.20
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદા પર હુમલો કરવાના દોષિત વ્યક્તિને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બુધવારે વાકાયામા જિલ્લા અદાલતે સજાની જાહેરાત કરી હતી. હુમલાખોર, રયુજી કિમુરા (25) ને પાંચ આરોપોમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે. તેમણે 15 એપ્રિલ, 2023ના રોજ વાકાયામા શહેરમાં એક ચૂંટણી રેલી દરમિયાન કિશિદા પર સ્મોક બોમ્બ ફેંક્યો હતો. કિશિદા આ હુમલામાં બચી ગયા, પરંતુ અન્ય બે લોકો ઘાયલ થયા. કિમુરાને પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી લીધી. તેની બેગમાંથી એક છરી પણ મળી આવી હતી. ફેબ્રુઆરીની શરૂૂઆતમાં તેની ટ્રાયલ દરમિયાન કિમુરાએ હત્યાના પ્રયાસના આરોપને નકારી કાઢ્યો હતો. તેણે દાવો કર્યો કે તેનો કિશિદાને મારવાનો કોઈ ઈરાદો નહોતો.
- Advertisement -
જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કિશિદા વાકાયામા શહેરમાં એક ચૂંટણી રેલીમાં ભાષણ આપવા પહોંચ્યા હતા. આ વિસ્ફોટ 15 એપ્રિલના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 11:30 વાગ્યે થયો હતો. આ પછી, બપોરે લગભગ 1 વાગ્યે, વડા પ્રધાન કિશિદાએ વાકાયામા શહેરમાં પોતાનું ભાષણ પૂર્ણ કર્યું. તેમણે કહ્યું- અમે ચૂંટણી પ્રચારની વચ્ચે હાજર છીએ. આપણે આ ચાલુ રાખવું જોઈએ.
8 જુલાઈ 2022ના રોજ એક રેલીમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. તે દરમિયાન, 42 વર્ષીય હુમલાખોરે પાછળથી ગોળીબાર કર્યો. તેના પર કેમેરા જેવી દેખાતી હાથથી બનાવેલી બંદૂકથી હુમલો કરવામાં આવ્યો. ગોળીબાર પછી આવેલા ફોટા દ્વારા આ વાતનો ખુલાસો થયો. હુમલાખોરે બંદૂકને કેમેરા જેવી દેખાતી ડિઝાઇન કરી હતી. આ માટે તેણે બંદૂક પર કાળું પોલીથીન વીંટાળ્યું હતું. હુમલો કરનાર ફોટો પાડવાના બહાને આબેની નજીક આવ્યો હતો. પછી તેણે બે ગોળીઓ ચલાવી.