દર્દીઓને એન્જ્યિોગ્રાફી કરવા અમદાવાદનો ધક્કો ખાવાનો આવ્યો વારો, જવાબદાર કોણ? સિવિલ હોસ્પિટલ તંત્ર એકબીજાને ખો દેવામાં માહિર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલ કંઈક ને કંઈક ખામીઓને લઈને વિવાદમાં રહી છે. અનેકવાર સિવિલમાં સારવારને લઈને અથવા તો સુવિધાઓને લઈને દર્દીઓમાં રોષ જોવા મળતો હોય છે પરંતુ આજદિન સુધી કોઈ સંપૂર્ણપણે ઉકેલ આવતો નથી, જેનું કારણ છે આંધળુ તંત્ર! સિવિલ હોસ્પિટલમાં આશરે છેલ્લા દોઢ મહિનાથી એન્જ્યિોગ્રાફી બંધ હાલતમાં પડ્યા છે છતાં આજદિન સુધી હોસ્પિટલ તંત્રના પેટનું પાણી હલતું નથી એટલું જ નહીં પરંતુ સિવિલની એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે છેલ્લા થોડા દિવસથી એમ્બ્યુલન્સના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે. હજુ થોડા મહિના પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં રૂા. 10 કરોડના ખર્ચે બનેલા નવીન કેથલેબ કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાંની અનેક સિસ્ટમો ધૂળ ખાઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકાયેલો કેથલેબ કાર્ડિયોલોજી વિભાગ તંત્રના વાંકે બંધ હાલતમાં છે જેના કારણે દર્દીઓને પણ રાજકોટથી અમદાવાદ ધક્કા ખાવાના વારા આવ્યા છે. આ અંગે વધુ પૂછપરછ કરતાં અધિકારી ડો. કિયાડાએ જણાવ્યું હતું કે બંધ પડેલ એન્જ્યિોગ્રાફીના મશીનના ટેકનિશ્યન વિદેશથી આવે છે જે ન આવતા હાલ બંધ છે અને ખર્ચની વિગત પણ વડી કચેરીમાં મોકલી આપી છે. આ અંગે આગળની કાર્યવાહી વહેલી થશે તેવી બાંહેધરી તો આપી છે પરંતુ શું ખરેખર આ બંધ પડેલા મશીન વહેલી તકે શરૂ થશે? તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.
બંધ પડેલી એમ્બ્યુલન્સ થોડા સમયમાં શરૂ કરાશે: ડૉ. કિયાડા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે આધુનિક મશીનોની સાથે એમ્બ્યુલન્સ પણ બંધ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. બંધ એમ્બ્યુલન્સ હોવાના કારણે સિવિલના દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સનો નાછૂટકે સહારો લેવો પડતો હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રને તાજેતરમાં જ સરકારમાંથી એક આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે પરંતુ તેનો પણ લાભ દર્દીઓને સંકટ સમયે મળતો નથી. આમ 11 એમ્બ્યુલન્સ હોવા છતાં નાના-મોટા કારણોથી 8 એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય, એક છોટા હાથી, એક ઈનોવા અને એક આઈસીયુ ઓન વ્હીલથી કામ ચલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શા માટે મીડિયા કર્મીઓને વોર્ડમાં જતાં રોકવામાં આવે છે? કારણ શું?
સિવિલ હોસ્પિટલ અનેક ખામીઓથી ભરેલી છે. દર્દીઓને અપાતી સુવિધામાં પણ ધાંધિયા જોવા મળે છે ત્યારે મીડિયાકર્મી આ અંગે જાણવા માટે વોર્ડમાં જતા હોય છે ત્યારે રોકવામાં આવે છે. કોઈ પણ વોર્ડમાં જવા દેતા નથી તેનું કારણ શું? શું હોસ્પિટલના ડોકટરો અથવા તંત્રની પોલ ખુલી જાય તેવા ડરના કારણે ન જવા દેતા હોય તેવું કહી શકાય? જો આરોગ્ય તંત્રની કામગીરી સારી જ છે તો શા કારણોસર મીડિયાકર્મીને રોકવામાં આવે છે?