બંનેને હોસ્પિટલે ખસેડાયા : યુવતીની હાલત ગંભીર, ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટમાં પોલીસનો જરાપણ ભય ન રહ્યો હોય તેમ હવે તો ધોળા દિવસે પણ સરાજાહેર હુમલાના બનાવો બનવા લાગ્યા છે જંગલેશ્વરમાં પ્રેમીએ કોઈ કારણોસર પ્રેમિકા ઉપર છરીના ઘા ઝીકિ દીધા બાદ પોતે પણ પોતાની જાતે છરીના ઘા શરીરે મારી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલ હુશેની ચોકમાં સવારે અગીયાર વાગ્યે હિચકારો હુમલો થતાં નાશભાગ મચી ગઈ હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હુડકો રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ભારતીબેન અશોકભાઈ સાથરીયા નામની 25 વર્ષીય યુવતી હુશેની ચોકમાં મચ્છી વેચતી હતી ત્યારે સાત હનુમાન પાસે રહેતો તેનો પ્રેમી સંજય વિનોદભાઇ મકવાણા ત્યાં ધસી આવ્યો હતો અને ઝઘડો કરી ભારતીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા તેણી લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી બાદમાં પોતે પણ પોતાના શરીરે છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવતીના પરિવારજનો તેમજ લોકોના ટોળાં એકઠા થઈ જતાં બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અહીં યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતાં ભક્તિનગર પીઆઇ સરવૈયા સહિતનો કાફલો દોડી ગયો હતો અને કારણ જાણવા તેમજ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.