સોખડા છોડવા માગતા હતા ગુણાતીત સ્વામી…
ગુણાતીતસ્વામી આપઘાત કેસમાં સંતોએ કોર્ટમાં કહ્યું, ‘અમે ભગવાન નથી, અમારી સહનશક્તિ 80% હોય, ક્ષમતા પૂરી થાય એટલે આપઘાતના વિચારો આવે’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોખડામાંથી પ્રબોધમ ગ્રુપના સંતો નીકળી ગયા હતા,પરંતુ છેલ્લાં 40 વર્ષથી હરિપ્રસાદસ્વામીની સેવા કરનારા ગુણાતીત ચરણદાસસ્વામીએ સોખડા હરિધામમાં રહેવાનું પસંદ કર્યું હતું. જોકે મંદિરનો માહોલ બગડતાં તેઓ પણ મંદિરમાંથી બાકરોલ અથવા અન્ય સ્થળે જવા માંગતા હોવાનું હરિભક્તો એ જણાવ્યું હતું, પરંતુ એકાએક રહસ્યમય સંજોગોમાં તેમને સોખડા હરિધામમાં તેમની 21 નંબરની રૂમમાં બુધવારે સાંજે 7થી 7:20 વચ્ચે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું, આપ સૌ સમાજને પ્રેરણા આપનારા છો, તો આપઘાતના વિચારો કેવી રીતે આવે?
પ્રબોધમ ગ્રુપના હરિશરણસ્વામીએ જણાવ્યું હતું કે 21 એપ્રિલે હાઈકોર્ટની સુનાવણીમાં અમે સંતોએ માનનીય જજ સમક્ષ હરિધામ મંદિરમાં સંતો પર ગુજારાતાં માનસિક ત્રાસની વાત રજૂ કરી હતી, જેમાં પ્રેમસ્વરૂપસ્વામીનો રૂમ નંબર 8 રિમાન્ડ રૂમ તરીકે ઉપયોગ થતો હતો. એમાં નાના સંતોને રોજ નવા બહાને ધમકી અપાતી હતી. આ ઉપરાંત પ્રબોધમ ગ્રુપના સંતોને તેમનાં કપડાં કાઢીને મંદિર બહાર ધકેલી દેવામાં આવશે એવી પણ ધમકીઓ અપાતી હતી. એને કારણે જે સંતો કે તેમના હવે પૂર્વાશ્રમના માતા-પિતા પણ ધામમાં ગયા છે. તેમને હવે ક્યાં જવું અને તેમનું ભવિષ્ય અંધકારમય લાગતાં 20થી વધુ સંતોને આપઘાતના વિચારો આવતા હોવાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના 2 સેવકોએ મંદિરના સંતો દ્વારા જાતીય સતામણી કરાતી હોવાનો અને સંતોને માલિશ-સ્નાનની સેવા આપવા દબાણ કરાતું હોવાનો તેમજ ત્રાસનો પણ આક્ષેપ કર્યો હતો.
- Advertisement -
ત્યારે નામદાર કોર્ટે ટકોર કરી હતી, આપ સૌ તો સમાજને પ્રેરણા આપનારા છો, તો આપઘાતના વિચારો કેવી રીતે આવે ? ત્યારે સંતોએ જણાવ્યું હતું કે સંસારમાં રહેતી વ્યક્તિની પોતાની સહન કરવાની ક્ષમતા 50 ટકા હોય છે. 50 ટકા ક્ષમતા પૂરી થાય એટલે વ્યક્તિને આપઘાત કરવાના વિચારો આવે. અમે સંતો ભગવાન નથી, મનુષ્ય જ છીએ. ભગવાનના સંદેશાવાહક છીએ. અમે સાધના કરતા સેવકો છીએ, અમારી સહન કરવાની ક્ષમતા કદાચ 80 ટકા હોય. ક્ષમતા પૂરી થાય એટલે આપઘાતના વિચારો આવે. અમારી વાત સાંભળીને નામદાર કોર્ટે સંમત થઇ હતી.
હરિધામના સંતોએ આપઘાતના વિચારો આવતા હોવાની વાત 6 દિવસમાં જ સાચી ઠરી હતી, જેમાં 27 એપ્રિલે મંદિર સંકુલની રૂમ નં. 21માં 69 વર્ષના ગુણાતીત ચરણદાસ સાધુએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે હાલ સોખડા મંદિર પર પ્રભુત્વ ધરાવતા પ્રેમ સ્વરૂપ જૂથ દ્વારા આપઘાતને કુદરતી મોતમાં ખપાવી અંતિમ વિધિ કરવાની પેરવી વચ્ચે પોલીસને જાણ થતાં પેનલ પીએમ કરાવાયું હતું. એમાં આપઘાત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે તપાસ જારી છે.
10 હજાર કરોડની સંપત્તિ માટે હરિધામ બન્યું સમરાંગણ, સંતોમાં ભાગલા પડ્યા …
યોગી ડિવાઈન સોસાયટી તેમજ હરિધામ સોખડાની રૂા.10 હજાર કરોડની સંપત્તિના વિવાદમાં છૂટા પડી બાકરોલ આત્મીયધામમાં આશરો લેનારા પ્રબોધમ જૂથના સંતોએ 21 એપ્રિલે હાઈકોર્ટમાં હરિધામમાં તેમની પર ગુજારાતા માનસિક ત્રાસની વિગતો વર્ણવી હતી, જેમાં કપડાં વિના મંદિર બહાર કાઢી મૂકવાની ધમકી સહિતના અત્યાચારને કારણે 20થી વધુ સંતોને આપઘાતનો વિચાર આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાના 6 દિવસ બાદ જ પ્રબોધમ જૂથના ગુણાતીતસ્વામીએ હરિધામમાં પોતાની રૂમમાં જ આપઘાત કરી લીધો હતો. ગુણાતીતસ્વામીએ પણ માનસિક ત્રાસથી કંટાળીને જ આપઘાત કર્યો હોવાનું હરિભક્તોનું માનવું છે. હરિધામ સોખડામાં હરિપ્રસાદસ્વામીજીએ 26 જુલાઈએ 88 વર્ષની વયે જીવનલીલા સંકેલી લીધી હતી. રૂા. 10 હજાર કરોડની સંપત્તિના વહીવટ માટે પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધજીવનસ્વામીને સંયુકત જવાબદારી સોંપાઇ હતી, ત્યારથી બંને જૂથ વચ્ચે વિખવાદ શરૂ થયો હતો.
રાજકોટથી મુંબઈ સુધી કરોડોની મિલકત
1. રૂપિયા 10 હજાર કરોડની સંપત્તિમાં આ મિલકતોનો સમાવશે થાય છે
2. આત્મીય સંસ્કારધામ, માંજલપુર
3.આત્મીય વિદ્યાનિકેતન, નિર્ણયનગર,અમદાવાદ
4. આત્મીય વિદ્યાધામ, બાકરોલ
5. શ્રી હરિ આશ્રમ, શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ-સોખડા
6. યોગી મહિલા કેન્દ્ર, ભક્તિ આશ્રમ, સોખડા
7. વાસણા કોતરિયા ગૌશાળા ટ્રસ્ટ
8. આત્મીય વિદ્યામંદિર, કોળી ભરથાણા, સુરત
9. સર્વનમન વિદ્યામંદિર, ઝાડેશ્વર, ભરૂચ
10. સર્વોદય કેળવણી સમાજ, કાલાવડ રોડ, રાજકોટ
11. જય ચેરિટીઝ, કાંદિવલી, મુંબઈ
12. ભક્તિધામ, શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, નેત્રંગ
13. વડોદરા નજીક વાસણા કોતરિયા ખાતે મંદિરની તિજોરી, જેમાં કરોડો રૂપિયાનું સોનું
14. આત્મીય યુનિવર્સિટી, રાજકોટ તેમજ વડોદરા, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં આત્મીય સ્કૂલ
15.વડોદરા, આણંદ, ખેડા, સુરત, મુંબઈ, રાજકોટ સહિત અલગ અલગ પ્રદેશોમાં ટ્રસ્ટની કરોડોની જમીનો


