વિકસતા વિસ્તાર રેલનગરમાંથી ₹30.39 લાખનું ડ્રગ્સ જપ્ત, બેની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 30.39 લાખ રૂપિયાનું MD ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. શહેર એસઓજી (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ)ની ટીમે રેલનગરમાંથી એક લિસ્ટેડ બુટલેગર સહિત બે આરોપીઓને દબોચી લીધા છે. રેલનગર મેઈનરોડ પર ગુલમહોર પ્લાઝામાં આવેલી ‘શિવ સેલ્સ’ નામની ઓફિસમાંથી એક-એક ગ્રામની પડીકી બનાવી ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચના મુજબ, “”SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા અને પીએસઆઇ સલીમખાન ધાસુરાની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઇ ફિરોજ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને બાતમી મળી હતી. બાતમીના આધારે, રેલનગર મેઈનરોડ પર ગુલમહોર પ્લાઝા એપાર્ટમેન્ટમાં શોપ નં. 106, શિવ સેલ્સ નામની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો. ત્યાં હાજર બે શખ્સો – આનંદનગર ક્વાટરમાં રહેતો રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદ ગોહેલ (ઉ.34) અને રેલનગરના જઋછ એપાર્ટમેન્ટમાં રહેતો હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભૂપતસિંહ જાડેજા (ઉ.32) ને ઝડપી પાડવામાં આવ્યા. એસઓજીની ટીમે બંને શખ્સોની અંગ ઝડતી કરતા MD ડ્રગ્સ મળી આવ્યું. વધુ તપાસ કરતા ઓફિસમાંથી પણ મેફેડ્રોન મળી આવ્યું. કુલ 303.69 ગ્રામ ખઉ ડ્રગ્સ, જેની કિંમત આશરે 30.39 લાખ રૂપિયા થાય છે, તે ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 30.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ કારોબારનો મુખ્ય સૂત્રધાર રણજિત ઉર્ફે કાનો ટીકીટ હોવાનું ખુલ્યું છે. તેણે કબૂલ્યું છે કે MD ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી ‘રહીશ’ નામના સપ્લાયર પાસેથી મંગાવવામાં આવતો હતો. બંને આરોપીઓ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ ઓફિસ ભાડે રાખીને ત્યાંથી જ ડ્રગ્સનું વજન કરીને વેચાણ કરતા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે, કાનો ઉર્ફે ટીકીટ છેલ્લા એક વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો હતો. તે ડ્રગ્સની એક પડીકી બનાવીને હાઈ-પ્રોફાઈલ ગ્રાહકોને પ્યોર ડ્રગ્સ 10,000 રૂપિયામાં વેચતો હતો, જ્યારે સામાન્ય ગ્રાહકોને કાથો અથવા પાવડર મિશ્રિત ડ્રગ્સ આપતો હતો.
કાનાનું તેની પત્ની સાથે ડ્રગ્સ કનેક્શન!
ખુલાસો થયો છે કે, MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડાયેલ રણજિત ઉર્ફે કાનો ‘અડધી ટીકીટ’ના લગ્ન જંગલેશ્વરની ફાતિમાં નામની મહિલા સાથે થયેલા છે અને તેમને સંતાનો પણ છે. તેની પત્ની પણ કુખ્યાત ડ્રગ્સ પેડલર છે. તે રાજસ્થાની પેડલર પાસેથી MD ડ્રગ્સનો જથ્થો મંગાવતી હતી. દારૂના ધંધા સાથે સંકળાયેલા પતિ રણજીતને પણ તેણે દારૂનો ધંધો છોડાવીને રાજસ્થાની પેડલર સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારથી રણજીતે રાજસ્થાની પાસેથી માલ મંગાવીને આ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. આ પ્રકરણમાં વધુ તપાસ ચાલી રહી છે અને ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે.