તહેવારની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી કરતો નવતર પ્રયોગ
પતંગમાં હશે વૃક્ષોના બીજ : પતંગ કપાઈને જમીન પર પડે ત્યારે આ બીજનું જમીનમાં વૃક્ષારોપણ થાય તેવો નવતર પ્રયોગ અપનાવ્યો રામાનુજ પરિવારે
ખાસ-ખબર સંવાદદાતા
મકરસંક્રાંતિને હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાન જેવા કાર્યોનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ત્યારે રાજકોટના જ હિનલ રામાનુજે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. આ પ્રયોગ છે પર્યાવરણની જાળવણી અંગેનો. તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખતો આ નવતર પ્રયોગ વૃક્ષોની સંખ્યામાં વધારો કરશે.
દિવસે ને દિવસે વૃક્ષો ઘટવા લાગ્યા છે જેના કારણે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. વૃક્ષો કાપવાથી પર્યાવરણને પણ માઠી અસર પહોંચી છે, પરંતુ હિનલ રામાનુજે એવી જ એક યુક્તિ શોધી કાઢી જેનાથી મકરસંક્રાંતિનો તહેવાર પણ ઉજવાશે અને પર્યાવરણની જાળવણી પણ થશે. હિનલ રામાનુજે એક એવી પતંગ તૈયાર કરી છે જેમાં તેમણે વૃક્ષના બીજ મૂક્યા છે. પતંગ સારી રીતે આકાશમાં ઉડી શકે તેનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે પતંગની વચ્ચે એક કાગળનું પોકેટ લગાવ્યું જેમાં જુદા-જુદા વૃક્ષોના ઓછા વજન ધરાવતાં બીજ મૂક્યા છે જેથી આ પતંગ કપાઈને જ્યારે જમીન પર પડે ત્યારે આ બીજ આપમેળે જમીનમાં ઉગી નીકળે અને એક વૃક્ષ વધે. આ પતંગમાં વૃક્ષારોપણના સ્લોગન પણ લખ્યા છે અને સીમ્બોલીક ટ્રી ડ્રો કરવામાં આવ્યા છે જેથી કરીને આ પતંગ કપાઈને કોઈને હાથમાં આવે તો આ બીજ મૂકવા બાબતનો મેસેજ તેમના સુધી પહોંચે અને વૃક્ષો જમીનમાં વાવે તેવો નાનો પ્રયોગ હાથ ધરાયો છે. આ બીજ એવા છે કે જેને ઓછું પાણી મળે અને માવજત ન થાય તો પણ જમીનમાં ઉગી નીકળે. દા.ત. વડ, પીપળો, માંજર વગેરે. વૃક્ષના બીજનો ઉપયોગ પતંગ સાથે કર્યો છે.
- Advertisement -
આશરે 100થી 150 પતંગ એવી બનાવવામાં આવી છે અને પરિવારના દરેક સભ્યને આપવામાં આવી જેથી કરી આ દરેક સભ્યો, મિત્રો આ પતંગ ઉડાડે અને પતંગ કપાઈને નીચે પડે ત્યારે વૃક્ષો ઉગે જેનાથી પર્યાવરણની જાળવણી પણ થશે અને પક્ષીઓના આશ્રયસ્થાનમાં વધારો થશે. હિનલ રામાનુજે આ સાથે એક સંદેશો પણ પાઠવ્યો છે કે જો પતંગ બનાવનાર અને વહેંચનાર જો બંને આ પદ્ધતિ અપનાવે તો પર્યાવરણને નુકસાન થતું બચી શકે છે.