જૂનાગઢ પરિક્રમામાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે પોલીસ કટિબઘ્ધ
વિખુટા પડેલ, ભુલા પડેલ અને આરોગ્યલક્ષી કામગીરીમાં મદદરૂપ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ થઇ જતા પોલીસ વિભાગ દ્વારા અગાઉ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ભવનાથ વિસ્તાર તેમજ પરિક્રમાના 36 કિ.મી. રૂટ પર હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા પોલીસ દ્વારા પોતાની ફરજ સાથે માનવતા મહેકાવી હતી. જે પણ યાત્રિકને મુશ્કેલી ઉભી થતી હતી તેની સાથે ખંભે ખંભા મિલાવીને મદદરૂપ બની હતી. પોલીસના દરેક વિભાગની ટીમ દ્વારા એક સરાહનીય કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે.
જૂનાગઢ રેંજ આઇજી અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ પરિક્રમામાં પોલીસ દ્વારા શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસને કટિબઘ્ધ રહેવા સુચના મળતા પોલીસે પણ પરિક્રમાર્થીઓની વ્હારે આવીને મદદરૂપ બની છે. જેમાં પરિક્રમા રૂટ પર આવેલ નળ પાણીની ઘોડી ચડવી અતિ કઠીન માનવામાં આવે છે. ત્યારે નળ પાણીની ઘોડી પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ વડીલ અને વૃઘ્ધોને તેમજ પરિવાર સાથે બાળકોને ચઢાણ વાળી ઘોડી પર હાથ પકડીને કઠીન રસ્તો પસાર કરાવ્યો હતો.
- Advertisement -
તેની સાથે પરિક્રમાના લાલઢોરી પાસેના ત્રણ રસ્તા પર એક યાત્રિકને કાર્ડિયાક મુશ્કેલી ઉભી થતા માંગરોળ ડીવાયએસપી કોડીયાતર દ્વારા સીપીઆર સારવાર આપીને યાત્રિકને ઉચકીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જયારે પોલીસની પીઆરઓ ટીમ દ્વારા માળવેલા રાવટી ખાતે ઘોડી ઉતરતી વખતે એક વૃઘ્ધનો પગ લપસી જતા આંખના ભાગે ઇજા થતા પોલીસે તાત્કાલીક ફર્સ્ટ એડ સારવાર આપી પાટો બાંધવામાં આવેલ. તેની સાથે પોલીસની સી-ટીમ દ્વારા એક અજાણી મુસાફર મહિલાને પરિક્રમા રૂટ પર પગમાં વાગી જતા તાત્કાલીક તેને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ. જયારે એક સિનીટર સીટીઝન ધોળકીયા ધનજીભાઇની તબીયત નાદુરસ્ત થતા નજીકના દવાખાને સારવાર માટે લઇ જવા મદદરૂપ થયેલ. વધુ એક સીટીઝન મહિલા રસ્તો ભૂલી જતા સાચો માર્ગ બતાવી તેમજ સીનીયર સીટીઝન પુરૂષો થાકેલા હોવાથી રાવટીમાં બેસાડી જરૂરી માર્ગદર્શન આપી મમદરૂપ સી-ટીમ પોલીસ થયેલ. તેમજ લાભુબેન રામજીભાઇ (ઉ.વ.65) જે રહે.રાજસ્થાનના તેઓ પડી જતા તેને માથાના ભાગે વાગી જતા પ્રાથમીક સારવાર આપવામાં આવેલ. તેની સાથે યાત્રાળુઓ ભીડવાળા વિસ્તારમાં તથા ખાણીપીણી વિસ્તારમાં સઘન ફુટ પેટ્રોલીંગ કરી પરિવારથી વિખુટા પડેલાઓને તેના પરિવાર સાથે મેળાપ કરાવી પોલીસ દ્વારા ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સુત્રને પરિક્રમામાં સાર્થક કરી બતાવ્યું છે.
જૂનાગઢ પરિક્રમામાં પોલીસે 255 ઇસમો વિરૂઘ્ધ કામગીરી કરી
જૂનાગઢ રેંજ આઇજી અને એસપી દ્વારા ભાવિકોને કોઇ અગવડતા ન પડે અને અસામાજીક તત્વો પર લગામ લગાવવાના આદેશ આપતા પરિક્રમામાં મોબાઇલ ચોરી તથા પાકિટ તેમજ થેલા ચોરીના બનાવો અટકે તે માટે પોલીસ દ્વારા કુલ 255 ઇસમો વિરૂઘ્ધ અસરકારક કામગીરી કરી છે. તેની સાથે ટ્રાફીકને અડચણ રૂપ 50 જેટલા વાહનોને ટોઇંગ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જયારે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.જે.પટેલ તથા બહાર જિલ્લાની એલસીબી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ કર્મીઓ બે સીફટ સહિત કુલ પાંચ ટીમ કામગીરી કરી રહી છે.